click here to go to advertiser's link
Visitors :  
29-Sep-2026, Tuesday
Home -> Anjar -> Foster Father Booked For Murdering 4 Year Old Daughter in Anjar
Tuesday, 29-Sep-2026 - Anjar 2047 views
૪ વર્ષની દીકરીને સાચવવી ના પડે તે ઈરાદે પાલક પિતાએ તેની હત્યા કર્યાની ફરિયાદ
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારમાં પોણા સાત મહિના અગાઉ ૪ વર્ષની બાળકીના થયેલા અપમૃત્યુના બનાવમાં બાળકીના જૈવિક પિતાએ પાલક પિતા પર હત્યા કર્યાની શંકા સાથે ફરિયાદ નોંધાવી છે. આ મામલે જૈવિક પિતાએ ગુજરાત હાઈકૉર્ટમાં રજૂઆત કરી છે. હાઈકૉર્ટે પોલીસને બાળકીના ‘એક્સિડેન્ટલ ડૅથ’ના બનાવની તપાસ ઝડપથી પૂરી કરી કાયદેસર કાર્યવાહી કરવા આપેલી સૂચનાના આધારે પોલીસે હત્યાની કલમ તળે ફોજદારી ફરિયાદ નોંધી છે.

ભચાઉના આધોઈમાં રહેતા અને વેલ્ડિંગ-ફેબ્રિકેશનનો ધંધો કરતા વિજય અમૃતલાલ પરમારના ૨૦૧૭ના વર્ષમાં અંજારની કૃપા નવીનચંદ્ર ઉમરાણિયા જોડે સામાજિક રીત-રિવાજ મુજબ લગ્ન થયેલાં. લગ્ન જીવન દરમિયાન સંતાનમાં ત્રણ દીકરી જન્મેલી જેમની ઉંમર અનુક્રમે ૮,૬ અને ૪ વર્ષની છે.

યુગલ વચ્ચે ઘરકંકાસ વધતાં એક વર્ષથી કૃપા ૪ વર્ષની દીકરી આરાધ્યાને લઈને તેના પિતાના ઘેર જતી રહેલી. અન્ય બે મોટી દીકરીઓ વિજય પાસે ઉછરે છે.

કૃપા અને વિજયે સહમતિથી છૂટાછેડાં લેવાનો નિર્ણય કરેલો અને ગાંધીધામ કૉર્ટમાં અરજી કરેલી. ત્યારબાદ કૃપાએ યોગેશ લછવાની નામના યુવક સાથે ફૂલહારથી લગ્ન કરીને મેઘપર બોરીચીની આશાપુરા સોસાયટીમાં બીજું ઘર માંડી દીધેલું, આરાધ્યાને આંગળિયાત દીકરી તરીકે સાથે લઈ ગયેલી.

૬ઠ્ઠી માર્ચે માથામાં ઈજાથી આરાધ્યાનું મૃત્યુ નીપજેલું

૬ઠ્ઠી માર્ચના રોજ ગાંધીધામ કૉર્ટમાં છૂટાછેડાના કેસની મુદ્દત હોઈ વિજય પરમાર ગાંધીધામ આવેલો. બપોરે પોણા બાર વાગ્યે કૃપાએ તેને ફોન કરી જાણ કરેલી કે ‘આજે તે કૉર્ટમાં નહીં આવી શકે કારણ કે આરાધ્યાની તબિયત સારી નથી. અમે તેને સત્યમ હોસ્પિટલ લઈ જઈએ છીએ’ દીકરીની તબિયત નાદુરસ્ત હોવાનું જાણીને વિજય પણ હોસ્પિટલ પહોંચેલો. હોસ્પિટલમાં યોગેશે આરાધ્યાને તેડેલી. યોગેશ સાથે તેની બહેન અને એક અજાણ્યો શખ્સ, કૃપા વગેરે હાજર હતાં.

વિજયે યોગેશ પાસે રહેલી આરાધ્યાને તેડી લીધેલી. તે સમયે આરાધ્યા બોલતી ચાલતી નહોતી. તેના કપાળ અને ગાલ પર ઈજાના નિશાન જોઈ વિજયે પૂછતાં કૃપાએ જણાવેલું કે ‘ટીવી જોતાં જોતાં સોફા પરથી પડી જવાથી આરાધ્યાને વાગ્યું છે’

ખાનગી હોસ્પિટલે સૌપહેલાં મેડિકો લિગલ કેસ નોંધાવવા જણાવતાં પરિવાર આરાધ્યાને લઈ રામબાગ હોસ્પિટલે ગયેલો. રામબાગ હોસ્પિટલે આરાધ્યાને મૃત જાહેર કરેલી. વિજયે દીકરીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા રજૂઆત કરતાં પોલીસે એક્સિડેન્ટલ ડેથની નોંધ પાડીને આરાધ્યાના મૃતદેહને જામનગરમાં ફોરેન્સિક પીએમ માટે મોકલી આપ્યો હતો.

FSL રિપોર્ટ પર મૃત્યુનું કારણ પેન્ડિંગ રહેલું

ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં બહાર આવેલું કે બાળકીના શરીરના વિવિધ અંગો પર નાની મોટી ૧૬ જેટલી ઈજા છે. ઘણી ઈજાના નિશાન જૂનાં પણ છે. તબીબોએ મૃત્યુનું કારણ FSLનો રિપોર્ટ આવે ત્યાં સુધી પેન્ડિંગ રાખેલું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ વગર પોલીસની ADની તપાસ પણ અટકી ગયેલી.

વિજયે હાઈકૉર્ટમાં પિટિશન દાખલ કરેલી

દીકરીના અપમૃત્યુના બનાવની તપાસ અટકી રહેતા વિજય પરમારે હાઈકૉર્ટમાં પિટિશન દાખલ કરેલી. સુનાવણી દરમિયાન હાઈકૉર્ટે પોલીસને બનાવની તપાસ ઝડપથી પૂરી કરવા તાકીદ કરતાં પોલીસે FSL અને તબીબોને ઝડપથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવા જણાવ્યું હતું. તબીબોએ માથામાં ઈજાથી બાળકીનું મોત થયું હોવાનું ફાઈનલ કૉઝ ઑફ ડેથ જાહેર કર્યાં બાદ વિજયે યોગેશ લછવાણી પર આરાધ્યાની હત્યાની શંકા દર્શાવતી ફરિયાદ નોંધાવી છે.

માથામાં ખરેખર કેવી રીતે ઈજા થયેલી તેની ગહન તપાસ

વિજયે આરોપ કર્યો છે કે મારી દીકરીને સાચવવી ના પડે તે આશયથી યોગેશે તેને મારઝૂડ કરી શરીરે અલગ અલગ ઈજાઓ પહોંચાડી તેની હત્યા કરી છે. અંજારના પીઆઈ હકુમતસિંહ એ. જાડેજાએ જણાવ્યું કે બાળકીનું માથામાં ઈજાથી મૃત્યુ થયું છે તેવો પીએમ રિપોર્ટ આવ્યો છે પરંતુ સોફા પરથી પડી જવાથી માથામાં ઈજા થયેલી કે અન્ય કોઈ કારણે તે સ્પષ્ટ થયું નથી. અમે ગહન તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ભુજની ખાણ ખનિજ કચેરીનો IT એક્ઝિક્યુટીવ વચેટિયા વતી ૫૦ હજારની લાંચ લેતાં ઝડપાયો
 
‘ઉપરની’ ભલામણ અને પ્રસાદીના પગલે માંડવીના વાંઢમાં બોક્સાઈટની બિન્ધાસ્ત ચોરી
 
ઈંગ્લિશ દારૂના ૪૬ ગુનાનો ‘મોસ્ટ વોન્ટેડ’ બૂટલેગર ઝડપાયોઃ LCBનું ‘ઓપરેશન ખોજ’