કચ્છખબરડૉટકોમ, ભુજઃ પોલીસ ધારે તો પાતાળમાંથી પણ અપરાધીને પકડી શકે છે તેનો દાખલો પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બેસાડ્યો છે. અબડાસાથી લઈ અંજાર સુધીના શહેરો તાલુકામાં ઈંગ્લિશ દારૂનું વેચાણ કરવાના ૯ ગુનામાં છેલ્લાં ૬ વર્ષથી નાસતાં ફરતાં વોન્ટેડ બૂટલેગર રાસુભા ઊર્ફે રાસિયો તગજી સોઢાને પોલીસે ઝડપી પાડ્યો છે.
પોલીસને થાપ આપીને અનેકવાર પોલીસની જ નજર સમક્ષ ફરાર થઈ ગયેલા રાસિયાને ઝડપી પાડવા LCBએ ૧૫ દિવસ લાંબુ ‘ઓપરેશન ખોજ’ લૉન્ચ કર્યું હતું.
‘ઓપરેશન ખોજ’ પોલીસે ખેડૂત, માલધારીનો સ્વાંગ સજ્યો
રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને એસપી વિકાસ સુંડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCB પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ. મકવાણાએ એક ખાસ ટીમ બનાવીને રાસુભાના રહેઠાણ ખાનાય ગામ અને સીમના જંગલ વિસ્તારમાં વૉચ ગોઠવી હતી. કોઈને ગંધ ના આવે તે માટે પોલીસ કર્મચારીઓ ખેડૂત અને માલધારીઓનો પહેરવેશ ધારણ કરીને સીમાડે ફરતાં રહેતા હતા.
રાસિયાએ જાણે LCBને ગર્ભિત પડકાર ફેંક્યો હતો કે ‘કેચ મી, ઈફ યુ કેન’
પોલીસથી બચવા રાસિયો ગામના સીમાડે જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં છૂપાઈને રહેતો હોવાના ઈન્પુટ્સના આધારે પોલીસ કર્મચારીઓ દિવસ રાત સતત તેનું પગેરું દબાવવા પ્રયાસરત રહેતા હતા.
૧૫મા દિવસે પોલીસને બાતમી મળેલી કે રાસિયો ખાનાયના ડુંગરોની કોતરોમાંથી બહાર નીકળી ખાનાય ગામ તરફ જવા નીકળ્યો છે.
પોલીસે તેનું પગેરું દબાવેલું. જંગલ વિસ્તારમાં આવેલા એક નિર્જન ખેતરમાં તે આશરો લેતો હતો. પોલીસે ખેતરની આસપાસ છૂપાઈને સળંગ ત્રણ દિવસ સુધી તેની વૉચ ગોઠવેલી. પરંતુ તેના કોઈ સગડ મળ્યાં નહોતા.
૨૦૦ મીટર સરિસૃપની જેમ સરકીને પોલીસ પહોંચી
રાસિયો જે ખેતરમાં આશરો લેતો હતો તેના બદલે અન્ય નિર્જન જગ્યાએ આશરો લીધો હોવાનું ધ્યાને આવેલું. બિલ્લી પગે LCBની ટીમ ત્યાં પહોંચી ગયેલી. રાસિયો સૂતો હતો તેનાથી માંડ ૨૦૦ મીટર દૂર પોલીસ સ્ટાફ પહોંચી ગયેલો. જો જરા સરખો અવાજ થાય કે રાસિયાને સ્હેજ પણ ગંધ આવે તો તે ચકમો આપીને નાસી જાય તેવી પૂરી શક્યતા હતી.
ભૂતકાળમાં તેને પકડવા ગયેલાં પોલીસ સ્ટાફને હિંસક પ્રત્યાઘાત આપીને નાસી છૂટ્યો હોઈ પોલીસ અત્યંત સતર્ક હતી.
તેને ગંધ ના આવે તે માટે LCBના વીરેન્દ્રસિંહ જાડેજા, મયૂરધ્વજસિંહ જાડેજા અને શ્યામ ગઢવીએ ઝાડીઓ અને ઘાસની ઓથ લઈ જમીન પર સરિસૃપની જેમ સરકતાં સરકતાં તેની પાસે પહોંચીને તેને ઊંઘતો જ ધરબોચી લીધો હતો.
૧૨ વર્ષમાં ૪૬ ગુના પૈકી ૯ કેસમાં ૬ વર્ષથી હતો ફરાર
૨૦૧૪થી ૨૦૨૪ના છેલ્લાં ૧૨ વર્ષ દરમિયાન રાસુભા સોઢા સામે અંજાર, ભચાઉ, દયાપર, નલિયા, નખત્રાણા, મુંદરા, માનકૂવા, ભુજ, પધ્ધર અને પ્રાગપર પોલીસ સ્ટેશનોમાં દારૂબંધી હેઠળ ૪૬ ગુના નોંધાયેલાં છે. જેમાંથી ૨૦૨૩ અને ૨૪ના વર્ષ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલાં દારૂબંધીના ૯ ગુનામાં તે છેલ્લાં છ વર્ષથી નાસતો ફરતો હતો. છેલ્લે એપ્રિલ ૨૦૧૯માં પોલીસે તેને પાસામાં ફીટ કરેલો.
ભૂતકાળમાં ખાનાયના જીતુભા મંગળસિંહ સોઢા, માંડવીના ત્રગડીના યુવરાજસિંહ જાડેજા વગેરેએ પાર્ટનરશીપમાં મગાવેલો દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપેલો છે. રાસુભાની જેમ જીતીયો પણ હાલ પોલીસથી ભાગતો ફરે છે.
LCB પીઆઈ મકવાણા અને તેમની ટીમના સાથીઓ ASI વીરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ગોહિલ, અશ્વિન સોલંકી, સુરેન્દ્રસિંહ ઝાલા, સુનિલ પરમાર, હેડ કોન્સ્ટેબલ મયૂરધ્વજસિંહ જાડેજા, શ્યામ ગઢવી અને કોન્સ્ટેબલ મહેશ ચૌહાણે ‘ઓપરેશન ખોજ’ને સફળતાપૂર્વક પાર પાડ્યું છે.
Share it on
|