click here to go to advertiser's link
Visitors :  
25-Aug-2025, Monday
Home -> Anjar -> Five person defrauded of 90 Lakh in Anjar
Friday, 22-Aug-2025 - Anjar 8669 views
‘મારી ઉપર ઓળખાણ છે, સરકારી જમીન તમારા નામે કરાવી આપીશ’ કહી ૯૦ લાખની ઠગાઈ
કચ્છખબરડૉટકોમ, અંજારઃ ‘ગાંધીનગરમાં મારી ઉપર સુધી ઓળખાણ છે, કોઈ સરકારી જમીન તમારા વ્યક્તિગત નામે કરાવવી હોય તો કહેજો, હું કરાવી આપીશ’ તેવી લાલચ આપીને એક ગઠિયો ૯૦ લાખ રૂપિયા મેળવીને અંજારના પાંચ જણને ‘બાટલી’માં ઉતારી ગયો છે. બનાવ અંગે પોલીસે અમદાવાદી ગઠિયા અને તેની ભલામણ કરનાર સ્થાનિક યુવક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.  અંજારના નાની નાગલપર ખાતે રહેતા મૂળ વીડી ગામના વતની પરસોત્તમ મનજીભાઈ હડિયા (સોરઠીયા)એ ફરિયાદ નોંધાવી છે.

પરસોત્તમભાઈએ જણાવ્યું કે તે અવારનવાર આદિપુરમાં પંચમુખી હનુમાનજી મંદિરના દર્શને જતા હતા. ઑગસ્ટ ૨૦૨૩માં અહીં રહેતા કિરીટ પટેલ નામના અમદાવાદી શખ્સ સાથે તેમની ઓળખાણ થયેલી.

કિરીટે પોતાની ગાંધીનગરમાં ઉપર સુધી ઓળખાણ હોવાનું કહીને કોઈ સરકારી જમીન વ્યક્તિગત નામે કરાવવી હોય તો કહેજો તેવું કહીને ગાજર લટકાવ્યું હતું. તેની આ ઑફર અંગે પરસોત્તમભાઈએ તેમના ઓળખીતા અન્ય ચાર જણને પણ વાત કરેલી. બધાને તેમાં રસ પડ્યો હતો.

પાંચેય જણે અંજારના જુદાં જુદાં સર્વે નંબર નક્કી કરી કિરીટ પટેલને આ જમીનો તેમના નામે કરાવી આપવા જણાવેલું. કિરીટે આ કામ પેટે એડવાન્સમાં ૯૦ લાખ રૂપિયા આપવા પડશે તેમ કહેતાં ફરિયાદી સહિતના પાંચેય જણે પોત-પોતાની રીતે નાણાંનો જોગ કરીને ૯૦ લાખ રૂપિયાની સગવડ કરી દીધી હતી.

કિરીટના કહેવા મુજબ તેમણે ટુકડે ટુકડે આંગડિયા મારફતે આ રૂપિયા અમદાવાદ મોકલ્યાં હતા.

કિરીટના કહ્યા મુજબ જાન્યુઆરી ૨૦૨૫માં પૂરેપૂરાં ૯૦ લાખ રૂપિયા આપી દીધા બાદ ‘જમીનો ક્યારે પોતાના નામે થશે?’ તેની પૂછપરછ વધારી દીધી હતી.

કિરીટે વધુ દસ લાખ રૂપિયા પણ માગેલા

એકવાર કિરીટે બધાને અમદાવાદ બોલાવેલા અને ‘કામ ચાલું છે, હજુ વધુ દસ લાખ રૂપિયાનો ખર્ચો થશે’ તેમ કહેલું. જો કે, પરસોત્તમભાઈને શંકા જતા દસ લાખ રૂપિયા આપવાના બદલે અગાઉ આપેલા ૯૦ લાખ રૂપિયા પાછાં આપી દેવા જણાવેલું. કિરીટે તેમને બે ત્રણ દિવસમાં રૂપિયા પાછાં આપી દેવાનો વાયદો કરેલો અને સહુ અંજાર પરત આવી ગયેલાં.

અંજારના સંજયે કિરીટ કામ કરાવી આપશે તેમ કહેલું

થોડાંક દિવસ બાદ પરસોત્તમભાઈના પરિચિત નારાણ રાજાભાઈ સોરઠીયાના ડ્રાઈવર સંજય પ્રજાપતિએ પરસોત્તમભાઈને ફોન કરીને જણાવેલું કે ‘તે કિરીટ પટેલને ઓળખે છે. તેની ખરેખર ગાંધીનગરમાં મોટી ઓળખાણ છે, તમારું કામ કરાવી કરાવી આપશે. તમે રૂપિયા પાછાં ના માગો’ સંજયની વાત પર ભરોસો કરીને ફરિયાદી સહિતના લોકોએ થોડી ઢીલ મૂકી હતી. પરંતુ ના તો તેમને રૂપિયા પાછાં મળ્યાં, ના જમીન તેમના નામે થઈ.

ફોન બંધ કરી, મકાન ખાલી કરી કિરીટ ફરાર

થોડાંક સમય બાદ કિરીટ પટેલનો ફોન પણ બંધ થઈ ગયો હતો. બધા ફરી અમદાવાદ ખાતે કિરીટ જ્યાં રહેતો હતો ત્યાં ગયા ત્યારે તે મકાન ખાલીને બીજે ક્યાંક રહેવા ચાલ્યો ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આમ, કિરીટ પોતાને ચૂનો ચોપડી ગયો હોવાનું પામી જતાં પરસોત્તમભાઈએ આજે કિરીટ અને સંજય વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

એપ્રિલમાં પણ આવી ફરિયાદ નોંધાયેલી

ઉલ્લેખનીય છે કે, આ જ મોડસ ઓપરેન્ડીથી અમદાવાદના મુકેશ મોતીભાઈ દેસાઈ અને નિલેશ પ્રજાપતિ નામના બે શખ્સોએ ૨.૫૯ લાખની ઠગાઈ કરી હોવાની ગત ૧૦-૦૪-૨૦૨૫ના અંજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ભુજના યુવકે અમદાવાદના ફિલ્મ પ્રોડ્યુસરને ફોન કરી ગોળી મારી પતાવી દેવાની ધમકી આપી
 
માથાભારે વ્યાજખોરની બીકથી ફફડતાં યુવાને આખી રાત પો.સ્ટે.ના પ્રાંગણમાં વીતાવી
 
મુંદરાના ભોરારા પાસે કન્ટેઈનર ટ્રકોમાંથી ૪૫.૫૧ લાખનો માલ ચોરનારી ત્રિપુટી ઝડપાઈ