|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારમાં રહેતી ૩૨ વર્ષિય પરિણીતાએ બે યુવતી સહિત પાંચ આરોપી સામે નોંધાવેલી બળાત્કારની ફરિયાદમાં જણાવેલો એક આરોપી હાલ ખેડા જિલ્લાના ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પીએસઆઈ હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ ચોંકી ગઈ છે. પરિણીતાએ બુધવારે રાત્રે અંજાર પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ જણાવેલું કે ગૌરવ બાબુભાઈ ચૌધરી સાથે તેને ફ્રેન્ડશીપ હતી. ગૌરવ તેને પોતાની સાથે લઈ ગયેલો અને રૂમમાં ગૌરવ તથા તેના પરિચિત આકાશ સુરેશભાઈ ચૌધરી એમ બેઉ જણે બળજબરીથી તેના કપડાં ઉતરાવીને વીડિયો રેકોર્ડીંગ કરી, અડપલાં કરેલાં. આકાશે હું કહું તેમ કરજો નહીંતર વીડિયો વાયરલ કરી નાખીશ તેમ કહીને ધમકી આપેલી.
ગૌરવે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેની મરજી વિરુધ્ધ વારંવાર શરીર સંબંધ રાખ્યો હતો. એટલું જ નહીં, આરોપી શિતલ, આરતી અને ગોધરાથી અમદાવાદ આવતી વખતે જે ગાડીમાં આવતી હતી તે ગાડીના ડ્રાઈવરે તેને મારી નાખવાની ધમકી આપેલી.
ફરિયાદીને ડાકોરની ઈન્દ્રપ્રસાદ હોટેલના રૂમમાં રખાયેલી. અંજાર પોલીસે હોટેલમાં પહોંચીને તપાસ કરી આ રૂમ કોણે બૂક કરાવેલો અને બૂક કરાવનારના આધાર કાગળિયા માંગતા હોટેલ મેનેજરે જણાવેલું કે આ રૂમ ડાકોરના પીએસઆઈ આકાશ ચૌધરીસાહેબના કહેવાથી બુક કર્યો હતો. અંજાર પોલીસે જણાવ્યું કે ફરિયાદી મહિલાએ જેના પર બળાત્કારનો આરોપ કર્યો છે તે યુવક સાથે તે થોડાંક મહિના અગાઉ જતી રહેલી અને તે સંદર્ભે અંજાર પોલીસ ગુમ નોંધ પણ દાખલ થયેલી.
પીએસઆઈ આકાશ ચૌધરી સંબંધે મુખ્ય આરોપી ગૌરવ ચૌધરીનો માસિયાઈ ભાઈ થાય છે. તમામ આરોપીઓ મહેસાણાના વતની છે. બનાવ અંગે વિવિધ ‘ટેકનિકલ’ બાબતોને લઈને પીઆઈ એ.આર. ગોહિલ સાવધાનીપૂર્વક તપાસ કરી રહ્યાં છે.
Share it on
|