click here to go to advertiser's link
Visitors :  
13-Sep-2026, Sunday
Home -> Anjar -> Ex District Panchayat President Jivabhai Varchand Dies After Being Hit by Train
Friday, 17-Apr-2026 - Anjar 79599 views
કચ્છ જિ. પંચાયતના પૂર્વ પ્રમુખ જીવા શેઠનું ટ્રેનની ટક્કરે મૃત્યુ નીપજતાં આઘાત
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના રતનાલ ગામે રહેતા ભાજપ શાસિત કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ૭૪ વર્ષિય જીવાભાઈ કરસનભાઈ વરચંદ (આહીર)નું ટ્રેનની ટક્કરથી મૃત્યુ નીપજ્યું છે. અંજારના પીએસઆઈ સી.એસ. ગઢવીએ જણાવ્યું કે આજે પરોઢે સાડા પાંચ છ વાગ્યાના અરસામાં રતનાલ રેલવે ક્રોસીંગ પાસે નમો ભારત ટ્રેનની ટક્કરે તેમને માથામાં ગંભીર ઈજા થયેલી. સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા હતા ત્યારે રસ્તામાં કાયમ માટે આંખો મીંચાઈ ગયેલી.

જીવાભાઈ દરરોજ વહેલી પરોઢે મંદિરે દર્શન કરવા જતા હતા. તેમના રહેણાક અને મંદિર વચ્ચેથી રેલવે ટ્રેક પસાર થાય છે. બનાવ અંગે અંજાર પોલીસે એક્સિડેન્ટલ ડેથની નોંધ પાડી ઘટના અકસ્માતની છે કે આપઘાતની તે અંગે તપાસ હાથ ધરી હોવાનું અંજારના પીઆઈ એચ.એ. જાડેજાએ જણાવ્યું છે.

હતભાગી જીવા શેઠના હુલામણા નામે લોકપ્રિય હતા. ૨૦૦૫થી ૨૦૧૦ દરમિયાન તેઓ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખપદે રહ્યાં હતા. જીવાભાઈએ ગુજરાત પંચાયત પરિષદનું ઉપ પ્રમુખપદ પણ સંભાળ્યું હતું.

તેમના સહજ સરળ સ્વભાવના લીધે રાજકારણ અને સમાજકારણમાં કાયમ અજાતશત્રુ બની રહ્યાં હતા. ઘણાં સમયથી તેમની તબિયત થોડી લથડી હતી. તેમના આકસ્મિક નિધનના પગલે પરિવારજનો અને પરિચિતોમાં શોકની લહેર છવાઈ ગઈ છે. પરિવારજનોએ સદગતના ચક્ષુઓનું દાન કર્યું છે.

Share it on
   

Recent News  
કંડલા OTB નજીક કોલસો ભરેલું વિશાળ જહાજ અન્ય શિપ સાથે ટકરાઈને જળસમાધિના આરે
 
કંડલામાં એ મજૂરનું મોત રોડ અકસ્માતમાં નહીં પણ ૩૦ ફૂટ ઉપરથી નીચે પડવાથી થયેલું
 
‘સિંઘમ સ્ટાઈલ’માં ખનિજ ચોરી પર રેઈડ કરવા નીકળેલાં IAS ખરેખર પથરાં ખાતાં બચ્યાં?