click here to go to advertiser's link
Visitors :  
15-Aug-2026, Saturday
Home -> Anjar -> Elderly Man Paraded Through Village Wearing Garland of Shoes in Lakhapar Anjar
Wednesday, 29-Jul-2026 - Anjar 33937 views
દલિતો વિશે અપશબ્દો બોલનારને માર મારી, કપડાં ફાડી જૂતાંનો હાર પહેરાવી સરઘસ કઢાયું
કચ્છખબરડૉટકોમ, અંજારઃ દલિતો પરના અપમાન અને અત્યાચારની અનેક ઘૃણાસ્પદ ઘટનાઓ અવારનવાર બહાર આવે છે. ત્યારે, દલિતો વિશે અપશબ્દો બોલનાર એક વૃધ્ધ વ્યક્તિને માર મારીને, ગળામાં ખાસડાંનો હાર પહેરાવીને ગામમાં સરઘસ કઢાયું હોવાનો બનાવ બહાર આવ્યો છે. સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર થઈ રહેલા વાયરલ વીડિયોના આધારે બહાર આવી છે. બનાવ અંગે ગુનાનો ભોગ બનનારે ૨૧ લોકો સામે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જાણો શો બનાવ બન્યો હતો.

અંજારના ચાંદ્રાણી (કોટડા) ગામે રહેતા ૬૨ વર્ષિય દેવજીભાઈ નારણભાઈ બાલાસરા (બ્રાહ્મણ) દુધઈમાં ગરમ મસાલાની કંપનીમાં નોકરી કરે છે. દેવજીભાઈનું કામ ગામડાંઓમાં ફરીને કંપની માટે મસાલાઓની ખરીદી કરવાનું છે. ૨૩ જૂલાઈના રોજ ફરિયાદી અંજારના લાખાપર ગામના ખેડૂત મંગાભાઈ રબારીનું જીરું જોવા ગયેલો. મંગાભાઈએ તેના પરિચિત કપિલ બાબુભાઈ વાઘેલાને પણ જીરું વેચવાનું હોવાનું જણાવતાં ફરિયાદી કપિલના ઘેર જઈ જીરાનું સેમ્પલ લઈને કંપનીની બોલેરો ગાડીમાં પરત રવાના થયેલો.

રસ્તામાં જતી વખતે દેવજીભાઈને કપિલનો ફોન આવેલો અને જાણ બહાર ફોન ઉપડી ગયેલો. આ જ સમયે ગાડીના ડ્રાઈવર જગા રબારીએ કપિલ વાઘેલા કયા સમાજનો છે તેવું પૂછતાં દેવજીએ કપિલ અનુસૂચિત જાતિનો હોવાનું જણાવીને અનુસૂચિત જાતિ વિશે અપશબ્દો બોલેલો. આ વાતચીતને કપિલ વાઘેલા સાંભળી ગયેલો.

બીજા દિવસે સવારે કપિલ વાઘેલાએ દેવજીને ફોન કરીને ગાડીમાં તમે અને તમારો ડ્રાઈવર મારી જાતિ વિશે જે અપશબ્દો બોલતાં હતા તેનું રેકોર્ડીંગ કરી લીધું છે તેમ જણાવી એટ્રોસિટી તળે ફરિયાદ નોંધાવવાની ચીમકી આપી ફોન કટ કરી દીધેલો. થોડીકવાર બાદ કપિલે ફરી ફોન કરીને કેસ કરીશ તો આપણાં બેઉનું ખરાબ લાગશે તેમ કહીને સમાધાન માટે ફરિયાદીને પોતાના ઘરે બોલાવેલો.

ફરિયાદી ગાડીમાં મંગાભાઈ રબારી સાથે લાખાપર ગયો ત્યારે કપિલે તેમને ટપ્પર ગામ તરફ જતા ત્રણ રસ્તે બોલાવેલાં. ત્યાં ઘણાં માણસો હાજર હતા. ફરિયાદીએ સૌની વચ્ચે માફી માંગી લીધી હતી. પરંતુ, કપિલે તમારે અમારા ગામમાં આવીને ગામની વચ્ચે માફી માગવી પડશે તેવું જણાવેલું.

ફરિયાદી ત્યારે ગાડી લઈને પરત કંપનીમાં જતો રહેલો. સાંજે કપિલે ફોન કરીને ગામ વચ્ચે માફી માગવા જણાવતાં ફરિયાદી ફરી લાખાપર ગામે કપિલના ઘેર પહોંચેલો.

કપડાં ફાડી, જૂતાંનો હાર પહેરાવી ગામમાં ફેરવ્યો

કપિલના ઘેર કપિલ સાથે અન્ય વીસેક જણનું ટોળું એકઠું થયેલું હતું. ટોળામાં કેટલીક સ્ત્રીઓ પણ હતી. રોષે ભરાયેલા ટોળાએ દેવજીભાઈને ઘેરી લઈ ગાળો ભાંડીને મુઢ માર મારી કપડાં ફાડી નાખેલાં. ત્યારબાદ દેવજીભાઈના ગળામાં બૂટ ચપ્પલનો હાર પહેરાવીને કપિલના ઘરથી ગામના એક મંદિર સુધી સરઘસ કાઢ્યું હતું. ઘટનાના પગલે દેવજીભાઈનો ડ્રાઈવર જગો રબારી ડરનો માર્યો ગાડી લઈને ગામમાંથી નાસી ગયેલો.

ફરિયાદીએ તેના પુત્રને ફોનથી જાણ કરીને તેની જોડે પરત ઘરે ગયેલો. મુઢ મારના લીધે મોઢાં પર ઈજા થઈ હોઈ બીજા દિવસે ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી હતી.

જૂતાંનો હાર પહેરેલા દેવજીભાઈના સરઘસની ઘટનાનો કોઈકે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધાવવા જણાવેલું. ડરના લીધે ફરિયાદ નોંધાવવામાં અચકાતાં દેવજીભાઈને અન્ય આગેવાનોએ હિંમત આપતા તેમણે કપિલ વાઘેલા અને અન્ય વીસ અજાણ્યા લોકોના ટોળાં સામે કાવતરું ઘડીને ગેરકાયદે મંડળી બનાવીને ગેરકાયદે રીતે અટકમાં રાખી, ગાળો ભાંડી માર મારીને ધમકી આપવા સબબ ફરિયાદ નોંધાવી છે.

Share it on
   

Recent News  
સામખિયાળીઃ ૧૧ વર્ષની દીકરીની લાંબા સમયથી જાતીય સતામણી કરતો યુવક ઝડપાયો
 
આદિપુરઃ વિમાનમાં ઉડી રોયલ લાઈફ માણવા ૧ કરોડનો માલ ચોરનાર બે નેપાળી કામવાળી પકડાઈ
 
અદાણી મુંદરા એરપોર્ટ પરથી બાવન દિવસમાં ૧૦ હજાર પ્રવાસીઓએ ઉડાન ભરી