click here to go to advertiser's link
Visitors :  
29-Jul-2026, Wednesday
Home -> Bhuj -> 5 Drug paddlers caught with 2.10 Crore heroin get 10 year RI by Bhuj NDPS Court
Wednesday, 29-Jul-2026 - Bhuj 3336 views
૨.૧૦ કરોડનું હેરોઈન લઈ ભુજમાં વેચવા આવેલા પાંચ પંજાબી યુવકોને ૧૦ વર્ષની જેલ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પંજાબથી ૨.૧૦ કરોડનું ૪૨૦ ગ્રામ હેરોઈન લઈને કચ્છમાં વેચાણ માટે આવેલા પંજાબના પાંચ શીખ યુવકોને ભુજની ખાસ કૉર્ટે ૧૦ વર્ષના સખ્ત કારાવાસ સાથે પ્રત્યેકને બે-બે લાખનો દંડ ફટકાર્યો છે. ત્રણ વર્ષ અગાઉ ૧૩ જૂલાઈ ૨૦૨૩ના રોજ પશ્ચિમ કચ્છ SOGએ માધાપર પાસે નળવાળા સર્કલ પાસે ફિલ્મી ઢબે આરોપીઓની બ્રેઝા કારનો પીછો કરી, ટાયરમાં પાંચ રાઉન્ડ ફાયરીંગ કરીને પાંચેની ધરપકડ કરી હતી.

ત્રણ જણાંને પોલીસે કારમાં બેસેલી હાલતમાં ઝડપેલાં જ્યારે નાસી ગયેલાં અન્ય બે જણને ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા.

SOGના તત્કાલિન પીઆઈ વિનોદ વી. ભોલાએ આ કેસની તપાસ કરીને કૉર્ટમાં ૩૧ દસ્તાવેજી પુરાવા અને ૧૦ સાક્ષીઓ સાથે ચાર્જશીટ રજૂ કરેલી. મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ કાયદાકીય જોગવાઈઓને ટાંકીને ધારદાર દલીલો સાથે પેરવી કરેલી.

બંને પક્ષની દલીલો અને પુરાવાના આધારે આજે ત્રીજા અધિક સેશન્સ જજ તથા વિશેષ NDPS કૉર્ટના ખાસ જજ વી.એ. બુધ્ધે આરોપી રનજીતસિંઘ જગ્ગીરસિંઘ જાટ (૩૦), હરપ્રીતસિંઘ જસવિન્દરસિંઘ જાટ (૨૭), સરતાજસિંઘ ઊર્ફે સતરાજસિંઘ રસપાલસિંઘ જાટ (૪૨), દલેરસિંઘ જોગિન્દરસિંઘ જાટ (૪૭) અને ગુરબેજસિંઘ ઊર્ફે ભેજા સલવિન્દરસિંઘ જાટ (૩૪)ને દોષી ઠેરવી સજા ફટકારી છે.

કૉર્ટે NDPS એક્ટની કલમ ૮ (સી), ૨૨ (સી) અને ૨૯ હેઠળ પાંચેયને ૧૦ વર્ષની સખ્ત કેદ સાથે દરેકને બે-બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તમામ દોષીઓ પંજાબના તરનતારન જિલ્લાના વિવિધ ગામના રહેવાસી છે. દોષીઓએ એકસંપ થઈને પોતાના અંગત આર્થિક ફાયદા ખાતર, યુવાનોને નિશાન બનાવી તેમને ગંભીર વ્યસનમાં ધકેલવાનું કૃત્ય સામાન્ય ગણી શકાય નહીં તેવી ટીપ્પણી સાથે કૉર્ટે આ ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.

આ કેસમાં કુલદીપસિંઘ નામનો છઠ્ઠો આરોપી આજ દિન સુધી નાસતો ફરતો રહ્યો છે. કુલદીપસિંઘ પાસેથી હેરોઈન ખરીદીને પાચે જણ કચ્છમાં ઊંચા ભાવે વેચાણ કરવા આવેલા.
Share it on
   

Recent News  
ગાંધીધામના પત્રકારે ૨૦ લાખ માગી બદનક્ષીકારક લખાણ પ્રગટ કર્યાની બિઝનેસમેનની FIR
 
નખત્રાણામાં આંગણવાડીઓના લોકાર્પણના કાર્ડમાંથી MP, જિ.પં. પ્રમુખ વગેરેના નામ કટ!
 
ગાંધીધામઃ શિપીંગ બિઝનેસમેનને બંધક બનાવી દુબઈ રહેતા ભાઈ પાસેથી ૫.૫૫ કરોડ પડાવાયાં