|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં શિપીંગના બિઝનેસમેનને બંધક બનાવી, માર મારીને તેના દુબઈસ્થિત ભાઈ પાસેથી ૫.૫૫ કરોડની ખંડણી વસૂલવાના ગંભીર ગુનાની ચકચાર હજુ શમી નથી ત્યાં ખંડણીની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ગાંધીધામમાં ‘ચંદન બ્રધર્સ’ નામથી જાણીતા બિઝનેસમેને પત્રકાર જીતુભાઈ શંકર વજીરાણી સામે ૨૦ લાખની ખંડણી માગતો હોવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવી છે. ૬૩ વર્ષિય ફરિયાદી અશોકભાઈ સગાલચંદ ચંદન (લોહાણા) ગાંધીધામમાં વિવિધ પ્લોટ પર બનાવેલા વેરહાઉસ (ગોડાઉન) ભાડે આપવાનો બિઝનેસ કરે છે. જીતુના પિતા શંકરભાઈ વજીરાણીએ ૨૦૦૮માં ફરિયાદીને ટાગોર રોડ પર આવેલો પ્લોટ નંબર ૩૫૨ વેચ્યો હતો.
આશરે બે મહિના અગાઉ ફરિયાદીને મોબાઈલ વોટસએપ પર જીતુનો ફોન આવેલો. જીતુએ પિતાએ વેચેલા પ્લોટનો દસ્તાવેજ પરત આપી દેવા અથવા ૨૦ લાખ રૂપિયા આપવા માંગણી કરેલી.
પ્લોટના વેચાણ પેટે કોઈ વહેવાર બાકી રહ્યો ના હોઈ ફરિયાદીએ દસ્તાવેજ પરત આપવાનો કે નાણાં આપવાનો ઈન્કાર કરી દીધેલો. જીતુએ રૂપિયા ના મળે તો તેમની સમાજમાં બદનામી કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફોન કટ કરી દીધેલો.
રૂપિયા ના મળતાં બદનક્ષીકારક લખાણ પ્રગટ કર્યું
નાણાં ના મળતાં જીતુ વજીરાણીએ પોતાના તંત્રી અને માલિક તરીકેના નામ સાથે પ્રગટ થતાં ધ ગુજરાત ટાઈમ્સ નામના ન્યૂઝ પેપરમાં ‘ચંદન બ્રધર્સ સામે કથિત આર્થિક ગેરરીતિઓની તપાસની માગ ઉઠી છે’ તેવા લખાણવાળું ન્યૂઝ ફ્લેશ નામનું પેજ પ્રગટ કરીને, વોટસએપ ગૃપમાં પોસ્ટ કરીને ફરિયાદીની બદનામી કરવા પ્રયાસ કરેલો. આરોપીએ ૧૧ જૂલાઈના રોજ અંગ્રેજીમાં તથા ૨૧ અને ૨૪ જૂલાઈના રોજ ગુજરાતીમાં ફરિયાદી વિરુધ્ધ બદનક્ષીકારક સમાચાર પ્રગટ કરીને પોસ્ટ કરેલાં. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Share it on
|