click here to go to advertiser's link
Visitors :  
03-Feb-2026, Tuesday
Home -> Anjar -> Elderly man gets death threat over assault case settlement FIR in Anjar
Monday, 02-Feb-2026 - Anjar 1597 views
વરસામેડીના માથાભારે શખ્સની ગુંડાગીરીઃ હુમલા કેસમાં સમાધાન કરવા વૃધ્ધને ધમકી
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના વરસામેડીના માથાભારે શખ્સ જગા પચાણ રબારી અને તેના સાગરીત સામત સુજા રબારી વિરુધ્ધ વધુ એક ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. ૭ વર્ષ અગાઉ વરસામેડીના દેવાભાઈ નારણભાઈ રબારી પર બેઉ જણે હિંસક હુમલો કરેલો. આ મામલે કૉર્ટમાં ચાલતાં કેસમાં સમાધાન કરી લેવા બેઉ જણે દેવાભાઈને પતાદી દેવાની ધમકી આપીને ભૂંડી ગાળો ભાંડી છે. અંજાર પોલીસે બેઉ સામે ગુનો દાખલ કર્યો છે.
સમાધાન કરી લે નહિંતર ગામ મૂકાવી દઈશું

૭૦ વર્ષિય ફરિયાદી દેવાભાઈએ જણાવ્યું કે ગત ૨૭ ડિસેમ્બરના રોજ સવારે તે કરોલપીરની દરગાહના દર્શને જતા હતા ત્યારે સામત અને જગાએ રસ્તામાં અટકાવીને કૉર્ટમાં ચાલતા કેસમાં સમાધાન કરી લેવા ધમકી આપેલી. સામતે ધમકીભર્યાં સૂરે કહેલું કે ‘સાત વરસ થઈ ગયાં, તે અમારું શું બગાડી લીધું? હવે સમાધાન કરી લેજે’ જગા રબારીએ ફરિયાદીને ધમકી આપતા કહેલું કે ‘સમાધાન ના કરે તો ગામમાં રહેવું ભારે પડી જશે, ગામ મૂકાવી દઈશ. હવે પછીની તારીખમાં સમાધાન કરી લેજે નહિતર પતાવી દઈશું’ આરોપીઓ માથાભારે હોઈ વૃધ્ધ તેની સામે ફરિયાદ નોંધાવતાં ડરતા હતા. 

અંજાર પોલીસ જગાની દાદાગીરી નાથી શકી નથી

જગા પચાણ રબારી નામના આ શખ્સ વિરુધ્ધ છેલ્લાં દસેક વર્ષ દરમિયાન ખંડણી ઉઘરાવવી, હિંસક હુમલા કરવા, સરકારી જમીન પચાવી દબાણ કરવા સબબ લેન્ડગ્રેબિંગ, ધાક-ધમકી આપવા સહિતના વીસેક જેટલાં ગુના નોંધાયેલાં છે. ગાંધીધામના લાકડાંના વ્હેરના વેપારીને માલ ભરવા ના દઈ જગાએ ‘ધંધો કરવો હોય તો મહિને પચાસ હજારનો હપ્તો આપવો પડશે નહિતર હાથ પગ ભાંગી નાખીશ. હું પાસામાં જઈ આવેલો છું અને મને કોઈની બીક નથી’ કહીને ખંડણી માગી હોવાની ૧૭-૦૫-૨૦૧૮ના રોજ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. તો, વરસામેડીની તલાવડી અને સરકારી ખરાબાની જમીન પર ૧૩ વર્ષથી ગેરકાયદે બે હોટેલો, ચાર દુકાનો, સર્વિસ સ્ટેશન, પાર્કિંગ બનાવીને દબાણ કરવા સબબ ૧૭-૦૭-૨૦૨૧ના રોજ જગા સામે લેન્ડગ્રેબિંગની બે જુદી જુદી ફોજદારી ફરિયાદો દાખલ થઈ હતી.

મહિલા PSIને પો.સ્ટે.માં જ ગાળો ભાંડેલી

૬-૧૨-૨૦૨૨ના રોજ જગા રબારી સહિતના પાંચ જણ સામે ૫૫ વર્ષિય સિક્યોરીટી ગાર્ડ સુરાભાઈ રબારીએ પોતાના પર હુમલો કરી ધમકી આપવાની અંજારમાં ફરિયાદ નોંધાવેલી. આ મામલે ૧૨-૧૨-૨૦૨૨ના રોજ અંજારના મહિલા પીએસઆઈ છાયાબેન રાઠોડે જગાને પકડવા ગયા ત્યારે તેણે ગેરવર્તાવ કરીને પોલીસ જીપમાં બેસવાનો ઈન્કાર કરી પોતાની ગાડીમાં પોલીસ સ્ટેશન આવ્યો હતો.

પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઈની ચેમ્બરમાં જ જગાએ ભૂંડી ગાળો ભાંડી ‘મને પકડીને બતાવ, મારા પર વીસ જેટલાં ગુના દાખલ થયેલાં છે છતાં મને હજુ સુધી કોઈ ફરક પડ્યો નથી. પોલીસ અને કૉર્ટ મારું કંઈ બગાડી શક્યાં નથી. હું છૂટીને તને પતાવી દઈશ’ તેવી ધમકી આપી પીએસઆઈને જ તેમની ચેમ્બરમાંથી બહાર નીકળી જવા આદેશ કરેલો!

આ મામલે ફરજમાં રુકાવટ, ગાળાગાળી, મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમો તળે લેડી પીએસઆઈએ તેની સામે ફરિયાદ નોંધાવેલી.

ડૉઝિયર ભરવાના દેખાડા સામે નક્કર કાર્યવાહી જરૂરી

પૂર્વ કચ્છ પોલીસ વારંવાર ગંભીર ગુનાઓ આચરતાં જિલ્લાના હિસ્ટ્રીશીટર અને રીઢા આરોપીઓના અવારનવાર સંમેલનો યોજીને ઈન્ટરોગેશન અને ડૉઝિયર ભરવાના દેખાડા કરે છે. પરંતુ, જગા જેવા માથાભારે શખ્સોની દાદાગીરીમાં તસુભાર ફેર પડ્યો નથી તેનો સંકેત આજની આ ફરિયાદથી મળી જાય છે. એવું તો શું કારણ છે કે માથાભારે જગાને પોલીસ નાથી શકતી નથી?

Share it on
   

Recent News  
બોગસ નંબર પ્લેટવાળી કારનો પીછો કરી LCBએ નરા પાસેથી ૭ લાખનો દારૂ ઝડપ્યો
 
મુંદરાઃ પૂર્વ રાજકીય અગ્રણી અને ભાગીદારના દારૂના નેટવર્કનો ઘટસ્ફોટઃ  ૧૦ સામે FIR
 
માધાપરમાં પુત્રવધૂ અને તેના માવતરના ત્રાસથી એસિડ પીને વૃધ્ધ સસરાએ આપઘાત કર્યો