કચ્છખબરડૉટકોમ, ભુજઃ સ્વરોજગાર માટે સબસીડીવાળી લોન મંજૂર કરાવી આપવાના બહાને ભુજમાં અનેક લોકો સાથે ચીટીંગ કરનારાં અક્રમ સુમરાને અંજારમાં ચીટીંગ કરવા જવાનું ‘ભારે’ પડી ગયું છે. પબ્લિકે તેને આજે બપોરે ઝડપી પાડીને ઢોર માર મારીને જ્યાં સુધી રૂપિયા ના મળે ત્યાં સુધી ગોંધી રાખ્યો હતો. આ અંગે આજે સાંજે કચ્છખબરે અહેવાલ પ્રગટ કરતાં અંજાર પોલીસ અને LCB તુરંત હરકતમાં આવી ગયાં હતાં. પોલીસે અક્રમના મોબાઈલ ફોનનું લોકેશન ટ્રેસ કરીને મોડી સાંજે અંજારના વીડી નજીક ઝાડીઓ વચ્ચે ગોંધી રખાયેલી હાલતમાં બચાવી લઈને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યો રૂપિયા ગૂમાવનારાં લોકોએ તેને ખરાબ રીતે કૂટી નાખ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.
અક્રમે અનેક લોકો સાથએ લાખ્ખોની ઠગાઈ કરી
સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ચીટીંગના આ કૌભાંડમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કેટલાંક કર્મચારી અધિકારી પણ ભળેલાં છે. અક્રમ સુમરા વિરુધ્ધ ૧૦-૧૦-૨૦૨૩ના રોજ ભુજ બી ડિવિઝન પોલીસે ૬ લોકો સાથે સરકારી લોનના અપાવવાના નામે લાખ્ખોની છેતરપિંડી કરી હોવાની ત્રણ ફોજદારી ફરિયાદો દાખલ થયેલી. જે સંદર્ભે પોલીસે તે જ દિવસે તેની ધરપકડ કરેલી. જો કે, ફરિયાદ બાદ પણ અક્રમે ચીટીંગના ધંધા ચાલું રાખ્યાં હોવાની શક્યતા છે.
આજે અંજારમાં કેટલાંક લોકો જોડે ચીટીંગ કરતાં રંગેહાથ પકડાઈ ગયો હતો. રોષે ભરાયેલાં લોકોએ તેને માર મારી જ્યાં સુધી પડાવેલાં રૂપિયા પાછાં ના મળે ત્યાં સુધી તેને નહીં જવા દેવાનો નિર્ધાર કરીને ગોંધી રાખ્યો હતો.
કચ્છખબરના સમાચારના પગલે અંજાર પોલીસ અને LCBએ તેને મુક્ત કરાવી સારવાર માટે હોસ્પિટલભેગો કર્યો છે. પોલીસે તેને માર મારનારાં ચાર લોકોને રાઉન્ડ અપ કરી તેમની સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
લોકોને ફરિયાદ નોંધાવવા પોલીસનો અનુરોધ
બીજી તરફ, પોલીસે અક્રમના ચીટીંગનો ભોગ બનેલાં લોકોને પણ ફરિયાદ માટે આગળ આવવા અનુરોધ કર્યો છે. જનતાને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. જો કોઈએ તમારી સાથે કોઈ ગુનો આચર્યો હોય તો બહેતર છે કે તે અંગે પોલીસને જાણ કરી કાયદેસર કાર્યવાહી કરવી.
Share it on
|