|
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ કચ્છના નાનાં રણમાં ભચાઉના કડોલ નજીક વન વિભાગની જમીનમાં નમક માફિયાઓએ વન વિભાગની ટીમ પર ટ્રેક્ટર ચઢાવી હુમલાનો પ્રયાસ કરતાં RFOએ હવામાં ફાયરીંગ કર્યું હોવાનો બનાવ બહાર આવ્યો છે. ગત મધરાત્રે પૂર્વ કચ્છ વન તંત્રની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. ઘટના અંગે વન વિભાગે અજાણ્યા હુમલાખોરો સામે First Offence Report નોંધી ભચાઉ પોલીસ મથકે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. ટ્રેક્ટરો વડે પાળા બનાવતાં લોકોનો પીછો કરાયો
ગત રાત્રે વન વિભાગની ટીમ ભચાઉના કડોલ નજીક આવેલા કચ્છ ડેઝર્ટ વાઈલ્ડ લાઈફ સેન્ક્ચ્યુઅરી વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. રાતના અંધારાનો લાભ લઈને કેટલાંક લોકોનું ટોળું ટ્રેક્ટરો લઈને અગર માટેના પાળા બનાવી રહ્યું હતું. વન વિભાગની ટીમે તેમને પડકારતાં ટોળું ટ્રેક્ટરો સાથે નાસવા માંડ્યું હતું. તેમને પકડવા માટે વન વિભાગની ટીમે પીછો શરૂ કર્યો હતો.
વનકર્મીઓ પર ટ્રેક્ટર ચડાવવા પ્રયાસ, હવામાં ફાયરીંગ
કેટલાંક લોકોએ ઉશ્કેરાઈને વન વિભાગની ટીમ પર ટ્રેક્ટર ચડાવી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સતર્ક ટીમનો આ હુમલામાં આબાદ બચાવ થયો હતો.
મામલો બીચકે તેવી પરિસ્થિતિ સર્જાતાં રેન્જ ફોરેસ્ટ ઑફિસરે તેમની પાસે રહેલી ગનથી હવામાં ફાયરીંગ કર્યું હતું. બંદૂકના ભડાકો સાંભળીને ટોળું નાસી ગયું હતું.
ઘટના અંગે આજે અજાણ્યા લોકો સામે વન તંત્રએ ફર્સ્ટ ઑફેન્સ રીપોર્ટ દાખલ કર્યો છે. પૂર્વ કચ્છના નાયબ વન સંરક્ષક આયુષ વર્માએ જણાવ્યું કે આરોપીઓ સામે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા સૂચના અપાઈ છે.
૮૫ હેક્ટર જમીન પરનું દબાણ દૂર કરાયું છે
ઉલ્લેખનીય છે કે પૂર્વ કચ્છમાં નાનાં રણમાં વન વિભાગ હસ્તકની જમીન પર લાંબા સમયથી નમક માફિયાઓ પેશકદમી કરીને ગેરકાયદે રીતે પાળા બાંધીને મીઠું પકવી રહ્યાં છે. થોડાંક સમય અગાઉ વન વિભાગે આવા દબાણકારોને દૂર કરીને ૮૫ હેક્ટર જમીન ખુલ્લી કરાવી છે. ભૂતકાળમાં વાગડના રણમાં વન તંત્રની જમીન પચાવવા મુદ્દે નમક માફિયાઓ વચ્ચે અંદરોઅંદર હત્યા અને હુમલાના બનાવો બની ચૂકેલાં છે.
Share it on
|