click here to go to advertiser's link
Visitors :  
12-Dec-2025, Friday
Home -> Bhuj -> Five mule account holders booked under cyber fraud and IT Act in Bhuj Gandhidham
Thursday, 11-Dec-2025 - Bhuj 3317 views
ભુજની ત્રિપુટીએ સાયબર માફિયાને ભાડે આપેલા બેન્ક ખાતામાં ૧ અબજથી વધુની લેવડદેવડ!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મોબાઈલ ઈન્ટરનેટના યુગમાં સાયબર ફ્રોડની ગુનાખોરી વૈશ્વિક પડકાર બની ગઈ છે. સાયબર માફિયાઓની જાળમાં ફસાઈને સુશિક્ષિત લોકો પણ છેતરાઈ રહ્યાં છે. સાયબર માફિયાઓને કમિશનથી બેન્ક ખાતાં ભાડે આપતાં લોકો પર તવાઈ ઉતારવા ગુજરાત સીઆઈડી ક્રાઈમે ગુજરાત પોલીસને હુકમ કરતાં હવે સ્થાનિકે આવા બેન્ક એકાઉન્ટ ધારકો સામે ફરિયાદો નોંધવાનો સિલસિલો શરૂ થયો છે.
બોગસ વેપારી પેઢી ઊભી કરી કરંટ ખાતું ખોલાવ્યું

સાયબર સેલે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે શુભમ્ હરિહર ડાભી, જીગર મહેન્દ્રભાઈ પરગડુ (રહે. છાડુરા, અબડાસા) અને ભાવિક નામના ત્રણ યુવકો સામે ઠગાઈ કરવાના હેતુથી ગુનાહિત કાવતરું રચીને બેન્ક ખાતું ખોલાવી, કમિશનથી તે ખાતું સાયબર માફિયાઓને ભાડે આપવા સબબની કલમો તળે ફરિયાદ નોંધાવી છે.

આ ત્રિપુટીએ સાયબર માફિયાઓને કમિશનથી બેન્ક ખાતું ભાડે આપવા માટે ‘ક્રિષ્ના ટ્રેડર્સ’ નામથી બોગસ વેપારી પેઢી ઊભી કરેલી.

આ વેપારી પેઢીના નામે ભુજના આરટીઓ સર્કલ પાસે આવેલી HDFC બેન્કની બ્રાન્ચમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ જ બ્રાન્ચમાં નોકરી કરતા ભુજના ભાવિક નામના યુવકે આ ખાતું ખોલ્યું હતું.

બેન્ક ખાતાં પર સાયબર ફ્રોડની ૪૦ ફરિયાદ

સાયબર માફિયાઓ દ્વારા દેશભરના લોકોને વિવિધ તરકીબોથી છેતરીને આ ખાતામાં રૂપિયા જમા કરાવાતાં હતા. આ નાણાં જીગર પરગડુની સહી કરેલા ચેક મારફતે ઉપાડી લેવાતાં હતા. ભુજના મુંદરા રોડ પર આવેલા સાગરસીટીમાં રહેતો શુભમ્ ડાભી IDFC ફર્સ્ટ બેન્કના ટૂ વ્હિલર લોન વિભાગમાં માસિક ૧૫ હજારના પગારે નોકરી કરે છે. ફરિયાદમાં જણાવાયું છે કે ત્રિપુટીએ ખોલાવેલાં આ બેન્ક એકાઉન્ટ પર સાયબર ફ્રોડની દેશભરમાં ૪૦ ફરિયાદો દાખલ થયેલી છે.

એકાઉન્ટમાં ૧ અબજ ૫ કરોડનું ટ્રાન્ઝેક્શન

૦૯-૧૨-૨૦૨૪થી ૩૧-૧૨-૨૦૨૪ના ૨૨ દિવસ દરમિયાન આ બેન્ક ખાતામાં ૧૩ કરોડ ૪૯ લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલું. જાન્યુઆરીથી લઈ ૦૪-૦૯-૨૦૨૫ સુધીમાં વધુ ૯૧.૬૩ કરોડની લેવડદેવડ થયેલી. આમ, આ ખાતામાં કુલ ૧ અબજ ૫ કરોડ ૧૨ લાખ ૫૨ હજાર ૮૨૬ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયેલાં છે. જે પૈકીની મોટાભાગની રકમ ઉપાડી લેવાઈ છે.

ગાંધીધામમાં બે યુવકો સામે ફરિયાદ દાખલ

ગાંધીધામની નવી સુંદરપુરીમાં રહેતા સાગર અરવિંદભાઈ પઢિયારે તેની ફોઈના દીકરા હાર્દિક રાજેશભાઈ સોલંકી (રહે. ગળપાદર) અને હાર્દિકના મિત્ર વિષ્ણુ નારણભાઈ પ્રજાપતિ (રહે. ગાંધીધામ) વિરુધ્ધ ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનાહિત કાવતરું રચી ઠગાઈ કરવાની ફરિયાદ નોંધાવી છે.

સાગરે ફરિયાદમાં જણાવ્યું કે હાર્દિક ૨૦૨૩માં આદિપુરની મહિન્દ્રા કોટક બેન્કમાં નોકરી કરતો હતો. ટાર્ગેટ પૂરો કરવાના નામે તેણે સાગરના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું હતું.

મે ૨૦૨૪માં હાર્દિક તેના મિત્ર વિષ્ણુને લઈ સાગરને મળવા આવેલો અને બેન્ક ખાતું વાપરવા માટે આપવા જણાવેલું.

ફરિયાદીએ કંઈ ખોટું થશે તો તેવી ચિંતા વ્યક્ત કરતા હાર્દિકે ‘કંઈ નહીં થાય, હું બેઠો છું’ કહીને ફરિયાદી પાસેથી બેન્ક ખાતાની પાસબૂક, એટીએમ અને કોરાં ચેકોમાં સહી કરાવીને ચેકબૂક મેળવી લીધી હતી.

ત્યારબાદ આ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન શરૂ થયેલાં. બેઉ જણ ફરિયાદીના મોબાઈલમાં આવતો ઓટીપી નંબર મેળવી લેતાં. આ બેન્ક ખાતું સાયબર ફ્રોડની રકમ જમા કરવામાં વપરાતું હતું. ખાતાં પર આસામ, અમદાવાદ અને મહારાષ્ટ્રમાં ત્રણ ફરિયાદો દાખલ થયેલી છે. ખાતાંમાં કુલ ૧૩.૪૭ લાખની લેવડદેવડ થયેલી છે.

Share it on
   

Recent News  
ભચાઉના કડોલ નજીક ફોરેસ્ટ કર્મીઓ પર ટ્રેક્ટર ચડાવવા પ્રયાસઃ RFOનુ હવામાં ફાયરીંગ
 
ભુજમાં ઘરેલુ કંકાસમાં ઉશ્કેરાઈને પતિએ માથામાં ધારિયું ઝીંકી પત્નીને મારી નાખી
 
અંજારઃ બોગસ વારસાઈ કરી કરોડોની જમીન પચાવવાનો કારસો કરનારાં ત્રણ આરોપીની ધરપકડ