કચ્છખબરડૉટકોમ, અંજારઃ કોલકત્તાથી ૪૩ લાખની કિંમતના ટાયર નિર્માણમાં વપરાતાં રબરનો પાઉડર ભરેલી ૪૮૦ બોરીઓ લઈને પધ્ધરની બી.કે.ટી. કંપનીમાં માલ ખાલી કરવા આવી રહેલી ટ્રકમાંથી LCBએ અંજાર પાસે ૧૮ લાખનો શરાબ બિયરનો જથ્થો ઝડપ્યો છે. પૂર્વ કચ્છના રીઢા લિસ્ટેડ બૂટલેગર કાના વેલા બઢીયાએ રાજસ્થાનના જોધપુરમાંથી શરાબનો જથ્થો મગાવ્યો હોવાનું ખૂલ્યું છે. મધરાતે કટિંગ ટાણે પોલીસ ત્રાટકી
નાઈટ પેટ્રોલીંગ કરી રહેલી LCBને મધરાત્રે એક વાગ્યાના અરસામાં બાતમી મળી હતી કે અંજારના વરસામેડીની સીમમાં આવેલા તળાવની પાળે, ગોસ્વામી સમાજના કૈલાસધામ સામે પડતર જમીન પર એક આઈસર ટ્રકમાંથી દારૂનું કટિંગ થઈ રહ્યું છે. પીઆઈ એન.એન. ચુડાસમા અને પીએસઆઈ ડી.જી. પટેલ સહિતના સ્ટાફે સ્થળ પર દરોડો પાડ્યો હતો. જો કે, રાતના અંધારામાં પોલીસ વાહનોની લાઈટો જોઈને સ્થળ પર હાજર કાના બઢીયા સહિત ત્રણ જણાં નાસી છૂટ્યાં હતાં, બે જણાં સ્થળ પરથી ઝડપાઈ ગયાં હતાં.
જોધપુરથી ટ્રકમાં શરાબની પેટીઓ ભરવામાં આવેલી
RJ-19 GJ-2404 નંબરની આઈસર ટ્રકમાં ૪૩ લાખની કિંમતના ટાયર નિર્માણના રબરના પાઉડરની ૪૮૦ બોરીઓ લાદેલી હતી. તેની ઓથે ૧૩.૯૬ લાખની કિંમતના વોડકાની ૯૭ પેટીમાંથી ૧૮૦ એમએલની વોડકાની ૪૬૫૬ બાટલીઓ મળી આવી હતી. એ જ રીતે, ૪.૧૧ લાખના મૂલ્યના બિયરની ૭૮ પેટીમાંથી ૧૮૭૨ નંગ બિયર ટીન મળી આવ્યા હતા.
પોલીસે ઝડપેલા ટ્રકના ક્લિનર તિલોકચંદ ભાંબુ (રહે. જોધપુર, રાજસ્થાન)એ પોલીસને જણાવ્યું કે શરાબનો જથ્થો જધપુરના સુનિલ બિશ્નોઈ નામના બૂટલેગરે ભરી આપ્યો હતો. તે ડ્રાઈવર મુકેશ બિશ્નોઈને ટ્રકમાં માલ ભરવા લઈ ગયો હતો.
ઉત્કર્ષ દીપક પાંડે નામના ઝડપાયેલા સામખિયાળીના યુવકે પોલીસને જણાવ્યું હતું કે તે ટ્રકમાંથી પેટીઓ ઉતારવાની મજૂરી કરવા આવ્યો હતો. વરસામેડીમાં રહેતા મુત્તુએ તેને ફોન કરીને આજે રાતે કાનાભાઈનો માલ આવવાનો છે તેમ કહી મજૂરી માટે બોલાવતાં તે બાઈક લઈને અહીં આવ્યો હતો.
૬ સામે ફોજદારીઃ ૭૧.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસને જોઈને કાનો બઢીયા, ટ્રકનો ડ્રાઈવર મુકેશ બિશ્નોઈ અને મજૂર મુત્તુ નાસી છૂટ્યાં હતાં. પોલીસે ઝડપાયેલાં બેઉ યુવકો સાથે નાસી છૂટેલી ત્રિપુટી અને ટ્રકમાં માલ ભરી આપનાર રાજસ્થાની બૂટલેગર સુનિલ બિશ્નોઈ મળી તમામ છ લોકો સામે અંજાર પોલીસ મથકે નશાબંધીની વિવિધ ધારાઓ તળે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ૧૮ લાખ ૮૬૪૦ રૂપિયાની કિંમતના શરાબ અને બિયર, ૪૩ લાખના રબર પાઉડરની બોરીઓ, ૧૦ લાખની ટ્રક, ૪૦ હજારની મોટર સાયકલ, બે મોબાઈલ ફોન, ટ્રકમાંથી મળેલા ડ્રાઈવરના લાયસન્સ, આરસી બૂક સહિતના દસ્તાવેજો મળી કુલ ૭૧ લાખ ૮૪ હજાર ૭૪૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Share it on
|