કચ્છખબરડૉટકોમ, અંજારઃ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે અંજાર તાલુકાના વાડા ગામે આવેલી વાડીમાં દરોડો પાડીને ૧૬.૬૭ લાખની કિંમતના વિવિધ બે બ્રાન્ડના શરાબની ૩૩૫ પેટી જપ્ત કરી છે. નિંગાળ અને અંતરજાળના ત્રણ લિસ્ટેડ બૂટલેગરો સહિત ચાર જણાંએ શરાબનો જથ્થો વાડીમાં કટિંગ કર્યો હતો. દરોડામાં વાડીમાલિક ઝડપાઈ ગયો છે. બાતમીના આધારે LCBની ટીમે આજે બપોરે નિંગાળથી વાડા ગામ તરફ જતાં કાચાં રસ્તે આવેલી વાલજી જખુભાઈ વીરડા (રહે. નિંગાળ)ની વાડીમાં દરોડો પાડી વાડીની ઓરડી તથા ટાટા યોધ્ધા વાહનમાં રાખેલાં ૧૬.૬૭ લાખની ભારતીય બનાવટના વિદેશી શરાબની ૩૩૫ પેટી જપ્ત કરી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વાલજીએ જણાવ્યું કે મંગળવારે રાત્રે આઈસર ટેમ્પોમાં શરાબનો જથ્થો ભરીને જીગર મોહનભાઈ વાળંદ, જયેન્દ્ર ઊર્ફે લાલો નારુભા વાઘેલા (રહે. બંને નિંગાળ), મીતરાજ કિરીટસિંહ જાડેજા (રહે. સાંઈનાથ સોસાયટી, અંતરજાળ) અને રાજેન્દ્ર સુરેન્દ્રપ્રસાદ (રહે. લક્ષ્ય સરોવર સોસાયટી, કિડાણા) આવ્યાં હતાં.
આજે કેટલોક માલ ટાટા યોધ્ધામાં ભરીને લઈ જવાના હતાં. જીગર, જયેન્દ્ર અને મીતરાજ પોલીસના ચોપડે લિસ્ટેડ બૂટલેગર છે. પોલીસે વાલજી વીરડાની ધરપકડ કરીને સ્થળ પર હાજર ના મળેલાં અન્ય ચાર બૂટલેગરો સહિત પાંચ સામે અંજાર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તળે ફરિયાદ નોંધાવી છે. પીઆઈ એન.એન. ચુડાસમા, પીએસઆઈ એમ.વી. જાડેજા સહિતની ટીમે આ સફળ રેઈડ કરી હતી.
Share it on
|