કચ્છખબરડૉટકોમ, ભુજઃ પરિવારની મરજી વિરુધ્ધ દીકરી ગામમાં રહેતા સંબંધી યુવક સાથે પ્રેમલગ્ન કરી નાસી જતાં તેની અદાવતમાં યુવકના પિતા પર જાહેરમાં હુમલો હત્યા કરવાના ગુનામાં ભુજ સેશન્સ કૉર્ટે બે વૃધ્ધ મહિલા આરોપીની નિયમિત જામીન અરજી રદ્દ કરી છે. હુમલા અને હત્યાનો બનાવ ગત ૨૭ માર્ચની સાંજે માંડવીના બિદડા ગામે જૂના બસ સ્ટેશન ચાર રસ્તાએ બન્યો હતો. માર્ચની આખરમાં સરાજાહેર હુમલા હત્યાનો બનાવ બનેલો
મરણ જનાર ૭૫ વર્ષિય લધાભાઈ ખીમજી સંઘાર પાનના ગલ્લે બાંકડા પર બેઠાં હતા ત્યારે પૂર્વઆયોજીત કાવતરું રચીને દીકરીની માતા રાજબાઈ વીરમ સાકરીયા (સંઘાર), રાજબાઈની ૭૦ વર્ષિય સાસુ રાણબાઈ ઊર્ફે જાનબાઈ બુધિયા સંઘાર અને રાણબાઈની ૭૫ વર્ષિય મોટી બહેન સોનબાઈ ગાભાભાઈ સંઘારે એકસંપ થઈ, કારમાંથી ધોકો સાથે લઈને લધાભાઈ પર હુમલો કર્યો હતો. હુમલામાં લધાભાઈને હાથ અને પગે ફ્રેક્ચર તથા માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજા થયેલી અને ૨૯ માર્ચે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજેલું.
બચાવ પક્ષે કહ્યું વૃધ્ધ બિમાર મહિલા છે, જામીન આપો
આ ગુનામાં ચાર્જશીટ દાખલ થયા બાદ આરોપી રાણબાઈ અને સોનબાઈએ ભુજ સેશન્સ કૉર્ટમાં નિયમિત જામીન અરજી દાખલ કરેલી. તેમના વકીલે જામીન મંજૂર કરવા રજૂઆત કરેલી કે બંને મહિલાઓ વૃધ્ધ અને બિમાર છે. લધાભાઈનું મૃત્યુ ઈજાથી નહીં પરંતુ યોગ્ય સારવાર નહીં મળવાના કારણે થયેલું.
ફરિયાદ પક્ષના ધારાશાસ્ત્રીઓએ કર્યો વિરોધ
સામા પક્ષે, સરકારી વકીલ દિનેશ જે. ઠક્કર અને સિનિયર એડવોકેટ આર.એસ. ગઢવીએ દલીલ કરી હતી કે આરોપીઓની ગુનામાં સક્રિય અને પ્રથમદર્શનીય સંડોવણી છે. ફરિયાદી અને આરોપીઓ બેઉ એક જ ગામના છે તેથી જામીન પર મુક્ત કરાય તો આરોપીઓ ફરિયાદ પક્ષના સાક્ષીઓ, પુરાવા સાથે ધાક ધમકી કે ચેડાં કરી શકે તેમ છે. કૉર્ટ અગાઉ તેમની જામીન અરજી ફગાવી ચૂકેલી છે ત્યારે ચાર્જશીટ દાખલ થવા માત્રથી કેસના સંજોગોમાં ફેરફાર ગણી શકાય નહીં.
કૉર્ટે વેધક અવલોકન સાથે અરજી ફગાવી દીધી
છઠ્ઠા અધિક સેશન્સ જજ વી.એ. બુધ્ધાએ બંને વૃધ્ધ મહિલાની જામીન અરજી ફગાવતાં જણાવ્યું કે ગુનાને લગતાં સીસીટીવી ફૂટેજ જોતાં ગુનામાં તેમની સક્રિય અને પ્રથમદર્શનીય સંડોવણી વર્તાઈ આવે છે.
આરોપીઓ મહિલાઓ અને વૃધ્ધ હોવાની દલીલને ફગાવતાં જજે જણાવ્યું કે બેઉ જણે ગુનામાં સક્રિય રોલ ભજવ્યો ત્યારે પણ વૃધ્ધ જ હતી, તેથી તે વૃધ્ધ અને મહિલા હોવાનો લાભ મળી શકે નહીં.
મૃતકને હેમરેજ સહિતની ગંભીર ઈજાઓ થયેલી. પુરાવો નોંધવાની પ્રક્રિયા હજુ શરુ નથી થઈ અને બેઉ પક્ષ એક જ ગામના હોઈ પુરાવા સાક્ષીઓ સાથે ચેડાં થવાની શક્યતા છે. ચાર્જશીટ દાખલ થવા માત્રથી સંજોગોમાં પરિવર્તન આવ્યું ગણાય નહીં. કેસમાં કોસ્મેટિક કે પેરીફેરલ ચેન્જ નહીં પરંતુ નોંધપાત્ર પરિવર્તન હોવું જોઈએ. ઉલ્લેખનીય છે કે અગાઉ બંને આરોપી મહિલાઓએ હાઈકૉર્ટમાં જામીન અરજી દાખલ કરેલી જે પાછળથી તેમણે પરત ખેંચી લીધી હતી.
Share it on
|