click here to go to advertiser's link
Visitors :  
09-Jul-2025, Wednesday
Home -> Bhuj -> Leading Jeweler and Friend Accused of Rs 1 Crore Fraud and Usury Creates Sensation In Bhuj
Tuesday, 08-Jul-2025 - Bhuj 4467 views
ભુજના જાણીતા જ્વેલર અને મિત્ર સામે ૧ કરોડની ઠગાઈ, વ્યાજખોરીની ફરિયાદથી ચકચાર
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના હોસ્પિટલ રોડ પર આવેલી કે.જે. જ્વેલર્સ પેઢીના વધુ એક મામલાએ ફોજદારી ફરિયાદનું સ્વરૂપ ધારણ કર્યું છે. બે સગાં ભાઈઓ વચ્ચે મિલકતની આંતરિક ભાગબટાઈમાં ૨૦૧૯થી આ પેઢી બંધ પડેલી છે. ફેબ્રુઆરી ૨૦૨૩માં જે નાના ભાઈ પર મોટા ભાઈએ બંધ શૉરૂમમાંથી સંયુક્ત માલિકીનું ૧૩.૫ કરોડનું સોનુ ચાંદી ચોર્યું હોવાની ફરિયાદ નોંધાવેલી તે નાના ભાઈએ હવે મોટા ભાઈ અને તેના મિત્ર પર ૧ કરોડ રૂપિયા હજમ કર્યાની ફરિયાદ નોંધાવી વળતો દાવ લીધો છે.

ફરિયાદમાં ગેરકાયદે વ્યાજખોરીની કલમો પણ લગાવાઈ છે. ફરિયાદી જયેશ પ્રેમજી સોલંકી (કંસારા સોની)એ મોટા ભાઈ કિશોર પ્રેમજી સોલંકી અને કિશોરના મિત્ર ભરત નાનાલાલ બુધ્ધભટ્ટી વિરુધ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં એક કરોડની ઠગાઈ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

૨૦૧૬માં બે કરોડ રૂપિયા આપેલા

જયેશે જણાવ્યું કે અગાઉ તે મોટા ભાઈ કિશોર સાથે પ્રેમજી ગોવિંદજી જ્વેલર્સ અને કે.જે. જ્વેલર્સ નામની સંયુક્ત પેઢી પાર્ટનરશીપમાં ચલાવતો હતો ત્યારે ૨૦૧૬માં તેમની પેઢીએ કિશોરના મિત્ર ભરત બુધ્ધભટ્ટીને બે કરોડ રૂપિયા આપ્યા હતા. ૨૦૧૮થી ૨૦૨૦ના સમયગાળા દરમિયાન બેઉ ભાઈઓ વચ્ચે મિલકત અને હિસાબ બાબતે મતભેદો થયેલાં અને કિશોરે સંપત્તિની વહેંચણી બાબતે ગુજરાત હાઈકૉર્ટમાં આર્બિટ્રેશનની અરજી કરેલી, જે કેસ કૉર્ટમાં ચાલી રહ્યો છે.

માતાએ બંને ભાઈને એક એક કરોડ આપી દેવા કહેલું

બેઉ ભાઈઓ વચ્ચે વિખવાદો થતાં ફરિયાદીના માતા પાર્વતીબેને ભરતને પોતાના ઘરે બોલાવીને અગાઉ તેને આપેલાં બે કરોડ રૂપિયા બેઉ ભાઈઓ વચ્ચે એક એક કરોડમાં પરત વહેંચી દેવા જણાવ્યું હતું. ભરતે એક મહિનામાં રૂપિયાની વ્યવસ્થા કરીને નાણાં પરત આપી દેવાનું કહેલું.

જો કે, એક મહિના પછી ભરતે ફોન ઉપાડવાનું બંધ કરી દીધેલું.

જેથી ફરિયાદી જયેશ સોલંકી પુત્ર રાઘવ સાથે આરટીઓમાં આવેલી ભરત બુધ્ધભટ્ટીની ઑફિસે રૂબરૂ મળવા ગયેલ. તે સમયે ઑફિસમાં ભરતના પિતા નાનાલાલ અને પુત્ર બ્રિજેશ પણ હાજર હતા. ભરતે કિશોરને ફોન કરીને ઑફિસે બોલાવ્યો હતો. વાતચીત દરમિયાન ભરતે તેને બે કરોડ રૂપિયા મળ્યાં હોવાનું સ્વીકાર્યું હતું અને જો કિશોર કહે તો જ એક કરોડ રૂપિયા ફરિયાદીને પરત આપશે તેમ જણાવેલું.

ભરતની વાતચીતનું જયેશે વીડિયો રેકોર્ડીંગ કરી લીધું હતું.

કિશોરના ઈશારે ભરત એક કરોડ રૂપિયા પાછાં આપતો નહોતો.

હાઈકૉર્ટમાં ભરત રુપિયા મામલે ફરી ગયેલો

ગુજરાત હાઈકૉર્ટમાં ચાલી રહેલી આર્બિટ્રેશનની સુનાવણી સમયે ૦૫-૦૪-૨૦૨૫ના રોજ ભરતે હાઈકૉર્ટ સમક્ષ હાજર રહીને એવી જુબાની આપેલી બંને ભાઈઓની સંયુક્ત પેઢીએ તેને કદી બે કરોડ રૂપિયા આપ્યાં નથી. ઉલટાનું, પોતે આ સંયુક્ત પેઢીને વ્યાજે ૬૦ લાખ રૂપિયા આપેલા છે જેનું વ્યાજ તે મેળવે છે. જો કે, પોતાની પાસે વ્યાજે નાણાં ધીરધાર માટે કોઈ લાયસન્સ ના હોવાનું ભરતે સ્વીકાર્યું હતું.

વીડિયો રેકોર્ડીંગનો સજ્જડ પુરાવો બન્યો ફરિયાદનો આધાર

જયેશે આ મામલે વીડિયો રેકોર્ડીંગના પુરાવા સહિત પોલીસને અરજી આપેલી. લોકલ ક્રાઈમ બ્રાન્ચે અરજી મામલે પ્રાથમિક તપાસ કરીને ગુનો બનતો હોવાનું ઠરાવેલું. જેથી આજે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે જયેશે કિશોર સોલંકી અને ભરત બુધ્ધભટ્ટી સામે એકમેકની મિલિભગતથી કાવતરું રચીને, એક કરોડ રૂપિયા પચાવી પાડી પરત ના આપીને વિશ્વાસઘાત ઠગાઈ કરી હોવાનું તેમજ લાયન્સ ના હોવા છતાં ભરતે ફરિયાદીની સંયુક્ત પેઢીને વ્યાજે નાણાં આપીને મોટી રકમનું વ્યાજ વસૂલ્યું હોવા સબબ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬ (૨), ૬૧ (૨), ૫૪ તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ ૪૨ અને ૪૩ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

વારાફરતી વારો, તારા પછી મારો હવે નાનો ભાઈ મેદાને

૨૦-૦૨-૨૦૨૩ના રોજ કિશોર સોલંકીએ નાના ભાઈ જયેશ અને જયેશના પુત્ર રાઘવ પર સંયુક્ત પેઢીના બંધ શૉ રૂમમાં પડેલો સોના ચાંદીનો સ્ટોક તથા ૨૦ લાખ રોકડાં રૂપિયા મળીને ૧૩ કરોડ ૫ લાખ રૂપિયાની માલ મિલકતની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવતા કચ્છના સોની બજારોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

હાઈકૉર્ટે નીમેલા રિસિવરે બંને ભાઈઓની હાજરીમાં ૨૫-૦૧-૨૦૨૩ના રોજ બંધ શૉરૂમ ખોલાવીને અંદર રહેલી મૂલ્યવાન ચીજવસ્તુઓની તપાસ હાથ ધરતાં ચોરી થયાનું માલુમ પડ્યું હોવાનું કિશોરે ફરિયાદમાં લખાવેલું.

૧૦-૦૭-૨૦૨૩ના રોજ ગુજરાત હાઈકૉર્ટે જયેશને જામીન પર મુક્ત કરીને, આ ગુનો દાખલ કરવામાં અને ધરપકડ કરવામાં પોલીસે દાખવેલી ઝડપ, બંને ભાઈઓએ ચોરીની અરજી આપી હોવા છતાં પોલીસે માત્ર એક ભાઈની અરજીને ફરિયાદનું રૂપ શા માટે આપ્યું હોવા સહિતના વિવિધ મુદ્દે વેધક અવલોકન કરેલાં. કિશોરે આપેલી ફરિયાદ દાખલ કર્યાના થોડાંક સમય બાદ તત્કાલિન પીઆઈ કિરીટસિંહ ચંદ્રસિંહ વાઘેલા પાસેથી તત્કાલિન એસપી સૌરભ સિંઘે તપાસ આંચકી લીધેલી અને શિક્ષાત્મક કાર્યવાહી પણ હાથ ધરેલી.

Share it on
   

Recent News  
દીકરીના પ્રેમલગ્નની અદાવતમાં બિદડામાં જાહેરમાં ખૂન કરનારી બે વૃધ્ધ મહિલાને ઝટકો
 
દારૂના ત્રણ ક્વૉલિટી કેસમાં ફરાર કેરાના રીઢા બૂટલેગર અનોપસિંહને LCBએ ઝડપ્યો
 
માંડવીઃ ૩ લાખની ઠગાઈ બાદ ૯ લાખનો તોડ કરવાના ગુનામાં PSI સહિત ૪ને ૩ વર્ષની કેદ