કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છમાં ઈંગ્લિશ દારુના મોટા ગજાના બૂટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડ (રહે. કેરા, માનકૂવા)ની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પ્રોહિબિશનને લગતાં માનકૂવાના બે અને બનાસકાંઠાના અમીરગઢના એક ગુનામાં તે નાસતો ફરતો હતો. ૪૩ વર્ષિય અનોપસિંહ લોરિયાથી ઝુરા જતા ત્રણ રસ્તા પર હાજર હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે તેને દબોચી લીધો છે. ઉલ્લેખનીય છે કે, ગત ૨૨-૦૬-૨૦૨૫ના રોજ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે કેરાની સીમમાં કટિંગ ટાણે દરોડો પાડીને અનોપસિંહે મગાવેલો ૧.૨૮ કરોડના શરાબ સાથે ૧૬ જણાની ધરપકડ કરેલી. ત્યારબાદ ૧ જૂલાઈના રોજ માનકૂવા પોલીસે ફરી કેરાની સીમમાં દરોડો પાડીને અનોપસિંહે મગાવેલો ૨૭.૧૯ લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરેલો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી સામે ૨૦૦૯થી ૨૦૨૫ના દોઢ દાયકા દરમિયાન ઈંગ્લિશ શરાબના ૪૦થી વધુ ગુના નોંધાયેલાં છે.
તેની સામે અનેકવાર પાસાનું શસ્ત્ર પણ ઉગામાયેલું છે.
Share it on
|