click here to go to advertiser's link
Visitors :  
14-Apr-2026, Tuesday
Home -> Anjar -> Boyfriend and friend arrested for cold blooded murder of girlfriend instead of marrying her
Friday, 20-Feb-2026 - Anjar 38472 views
પ્રેમિકાને પત્ની બનાવવાના બદલે ઠંડા કલેજે પતાવી દેનારાં પ્રેમી અને મિત્રની ધરપકડ
કચ્છખબરડૉટકોમ, અંજારઃ લગ્ન કરવા દબાણ કરી રહેલી ગર્ભવતી પ્રેમિકાને પત્ની બનાવવાના બદલે મિત્રની મદદથી પતાવી દેનારાં ચંદિયાના ક્રૂર પ્રેમી અને તેના સાગરીતની અંજાર પોલીસે ધરપકડ કરી છે. ગુમ નોંધના આધારે પ્રેમીની પૂછપરછમાં હત્યાનો ભેદ ખૂલતાં આ કેસમાં અંજાર પોલીસે જ સરકાર તરફે બેઉ યુવકો સામે પોક્સો, મર્ડર સહિતની કલમો તળે ફરિયાદ દાખલ કરી છે.

રાજેશ ભીખાભાઈ રબારી (રહે. ચંદિયા)ને સીમાડે ઘેટાં બકરાં ચરાવવા જતી વખતે એક વર્ષથી ગામમાં રહેતી હતભાગી યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બેઉ ગામના સીમાડે અવારનવાર મળતાં હતા. હતભાગી યુવતી થોડાંક માસ અગાઉ જ્યારે કિશોર વયની હતી ત્યારે રાજેશે તેની સાથે શરીર સંબંધ બાંધ્યાં હતા. પરિણામે, તે ગર્ભવતી બની હતી.

ઠંડા કલેજે મર્ડરનો પ્લાન ઘડ્યો હતો

પ્રેમિકાએ રાજેશ પર લગ્ન કરવા દબાણ વધારેલું પરંતુ રાજેશને કેવળ તેના શરીરમાં રસ હતો, લગ્ન કરવામાં નહીં. જેથી તેણે મિત્ર રાહુલ રતાભાઈ રબારી (રહે. મખિયાણા, મૂળ રહે. મિંદીયાળા) સાથે મળીને પ્રેમિકાને પતાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો.

પોલીસના ટેકનિકલ સર્વેલન્સમાં પકડાઈ ના જાય તે હેતુથી તેણે ઈન્સ્ટાગ્રામ પરથી પ્રેમિકાને કૉલ કરીને ભાગી જઈને લગ્ન કરવાના નામે તેને બુધવારે મધરાત્રે ત્રણ વાગ્યે ગામની સીમમાં બોલાવી હતી.

પ્રેમિકા આવ્યા બાદ તે તેને નજીકના ભલોટ ગામના રોડ તરફ પાણી ભરેલાં અવાવરુ કૂવા તરફ લઈ ગયેલો. પ્લાન મુજબ રાજેશે અચાનક ધક્કો મારી તેને જમીન પર પાડી દીધી હતી. બાદમાં ગળું દબાવી મારી નાખી હતી. પ્રેમિકા મૃત્યુ બાદ બેઉ જણે ઠંડા કલેજે ડ્રેસના દુપટ્ટાથી લાશ જોડે સિમેન્ટનો ભારેખમ બ્લોક બાંધીને કૂવામાં ફેંકી દીધી હતી.

અંજાર પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો

મૃતકના પિતાએ ગઈકાલે બપોરે અંજાર પોલીસ મથકે આવીને દીકરી રાત્રિથી ગાયબ થઈ ગઈ હોવાનું જણાવી ગુમ નોંધ લખાવેલી. અંજાર પીઆઈ એ.આર. ગોહિલે જાતે રસ લઈને તપાસ હાથ ધરતાં હ્યુમન સોર્સથી જાણવા મળેલું કે યુવતીને રાજેશ જોડે પ્રેમ સંબંધ હતો. રાજેશને બોલાવીને પોલીસે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો.

આજે સવારે પોલીસે એસડીએમ અને મામલતદારની હાજરીમાં ભુજ ફાયર બ્રિગેડની મદદથી ચંદિયા ગામની સીમમાં આવેલા કૂવામાંથી હતભાગી યુવતીનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પોલીસ પૂછપરછ અને તપાસમાં ગુનો બહાર આવ્યો હોઈ પોલીસે  રાજેશ અને રાહુલ વિરુધ્ધ બીએનએસની કલમ ૧૦૩ (૧), ૬૪ (૨) (એમ), ૨૩૮ (એ),  ૬૧ (૨) (એ) અને પોક્સો એક્ટની કલમ ૪ તથા ૬ હેઠળ સરકાર તરફે ગુનો દાખલ કરી બેઉની વિધિવત્ ધરપકડ કરી લીધી છે. કામગીરીમાં પીઆઈ ગોહિલ સાથે પીએસઆઈ એસ.જી. વાળા અને અન્ય સ્ટાફ જોડાયો હતો.

Share it on
   

Recent News  
હત્યાના પ્રયાસના ગુનામાં અઢી માસથી ફરાર નુંધાતડના મુખ્ય આરોપીને આગોતરાનો ઈન્કાર
 
મુંદરાના પત્રીની લેડી ડોન સહિત ૩ જણે મર્ડરના ફરિયાદીને મારી કારમાં અપહરણ કર્યું
 
મુંદરામાં નિર્માણાધીન વોટર ડીસેલિનેશન પ્લાન્ટનો ૧૮ લાખનો સામાન ચોરનાર ગેંગ પકડાઈ