|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના મચ્છુનગર પુલિયા નીચે સર્વિસ રોડ પરથી બી ડિવિઝન પોલીસે ૫૧ લાખનો ઈંગ્લિશ દારૂ ભરેલા ટેન્કર સાથે ચાલકની ધરપકડ કરી છે. દારૂનો જથ્થો અંજારના મેઘપર બોરીચીમાં રહેતા બે શખ્સે મગાવ્યો હોવાનું બહાર આવ્યું છે. બાતમીના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આજે બપોરે વૉચ રાખીને મચ્છુનગર પુલિયા નીચે સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલા GJ-33 T-5925 નંબરના ઓઈલ ટેન્કરને અટકાવી, તેના ખાનાં ખોલી તપાસ કરતા અંદર દારૂની પેટીઓ હોવાનું સ્પષ્ટ થયેલું. ટેન્કરને પોલીસ સ્ટેશન લઈ આવીને પોલીસે તમામ ખાનાં ખોલી તપાસ કરતા તેમાંથી વિવિધ બ્રાન્ડના શરાબ અને વોડકાની ૧૮૦ ML (ક્વાર્ટરિયા)ની ૨૧ હજાર ૮૮૮ નંગ બાટલીઓ અને ૩૭૫ MLની ૮૪૦ નંગ બાટલીઓ મળી આવી હતી. રાજસ્થાનના વિવિધ શહેરની ડિસ્ટલરીઝમાં આ શરાબ બન્યો હોવાનું બાટલીઓ પર લાગેલા લેબલ પરથી સ્પષ્ટ થયું છે.
પોલીસે ૫૧ લાખ ૩ હજાર ૪૮૦ રૂપિયાનો શરાબ, ૩૦ લાખનું ટેન્કર અને અન્ય મુદ્દામાલ મળી કુલ ૮૧.૧૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ટ્રકના ડ્રાઈવર મોટારામ પુનમારામ જાટ (રહે. બાડમેર)એ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે પવનસિંહ મહેચ્છા નામનો શખ્સ તેને દારૂ ભરેલું ટેન્કર આપી ગયેલો અને ચંદન ગોપાલ ગુપ્તા (ઉ.વ.૪૮, રહે. ઓધવદર્શન સોસાયટી, મેઘપર બોરીચી) તથા રાહુલ ઘનશ્યામસિંહ જાડેજા (રહે. પારસગનગર, મેઘપર બોરીચી)ને માલ સપ્લાય કરવા જણાવ્યું હતું. રાત્રે પોલીસે ચંદન અને રાહુલની પણ ધરપકડ કરી લીધી હતી.
પોલીસે ડ્રાઈવર સહિત તેણે જણાવેલાં ત્રણે જણ મળી ચાર લોકો સામે પ્રોહિબિશનની વિવિધ ધારાઓ તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સામાન્યતઃ લોકલ પોલીસ દ્વારા ભાગ્યે જ જંગી દારૂનો જથ્થો જપ્ત કરાય છે. મોટાભાગે લોકલ ક્રાઈમ બ્રાન્ચ કે સાયબર સેલ જેવી જિલ્લાસ્તરની અથવા SMC જેવી રાજ્યસ્તરની એજન્સીઓ આવો ક્વૉલિટી કેસ કરતી હોય છે. ત્યારે, બી ડિવિઝનના પીઆઈ એસ.વી. ગોજીયા, પીએસઆઈ એલ.એન. વાઢીયા અને સર્વેલન્સ સ્ક્વૉડની આ સફળ રેઈડના લીધે બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
Share it on
|