|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ દારૂ ભરેલી કારનો પોલીસથી પીછો છોડાવવાની લ્હાયમાં, પૂરઝડપે ગાડી હંકારીને પોલીસથી સંતાકૂકડીની રમત રમી રહેલા ભચાઉના લિસ્ટેડ બૂટલેગરનો અકસ્માતમાં કરુણ અંત આવ્યો છે. ઘટનાના પગલે આખી રાત અંજાર પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. અંજાર પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ૧૦.૩૭ વાગ્યે કોન્સ્ટેબલ મનસુખ કરસનભાઈને સાથી કર્મચારી મારફત બાતમી મળેલી કે સતાપર ફાટક પાસેથી દારૂ ભરેલી એક સફેદ રંગની ફ્રોન્ક્સ કાર પસાર થવાની છે. જેથી મનસુખ કરસનભાઈ સાથી કોન્સ્ટેબલ મહેશ સવદાસ સાથે ખાનગી ગાડીથી સતાપર ફાટક પાસે દોડી ગયેલાં. થોડીકવાર બાદ બાતમી મુજબની ફ્રોન્ક્સ કાર ત્યાં આવેલી પરંતુ ફાટક બંધ હોઈ સતાપર ગામ તરફ જતી રહેલી.
પોલીસ કર્મચારીઓએ ગાડીનો પોછો કરેલો પરંતુ પૂરઝડપે કાર હંકારીને ફ્રોન્ક્સ કારનો ચાલક ગાડી સમેત ગાયબ થઈ ગયેલો.
થાપ આપીને નાસી ગયેલા કારચાલકને પોલીસ શોધતી હતી ત્યાં લાખાપરના ગ્રામજનો પાસેથી માહિતી મળેલી કે ગામમાં શ્રીકૃષ્ણ ગૌશાળા પાસે નાળામાં એક કાર ખાબકી છે.
રાતના અંધારામાં લાખાપરના નાળામાં કાર ખાબકી
પોલીસ ટીમ ત્યાં દોડી ગઈ તો નાળામાં GJ-01 WC-6972 નંબરની સફેદ ફ્રોન્ક્સ કાર પડેલી જોવા મળેલી. કારની વચલી સીટમાં તૂટેલી દારૂની બાટલીઓ અને પેટીઓ પડેલી. કારમાં રહેલો યુવક બેભાન હાલતમાં હતો જેને ગ્રામજનોએ બહાર કાઢીને રોડની સાઈડમાં સૂવડાવ્યો હતો.
કારનો આગળનો હિસ્સો સંપૂર્ણ ડેમેજ થઈ ગયો હતો. અકસ્માત સ્થળ પરથી પોલીસ લખેલી એક પ્લેટ અને તૂટીને છૂટી પડી ગયેલી નંબર પ્લેટ મળી આવેલી.
કારમાંથી તૂટી ગયેલી હાલતમાં એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે ૧૦૮ મારફતે બેહોશ યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યો હતો. અકસ્માતગ્રસ્ત કારને ક્રેન મારફતે નાળામાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશન લવાઈ હતી.
કારમાંથી બાટલીઓ બહાર કાઢીને ગણતરી કરતાં ૩૧ હજારના કિંમતના ઈંગ્લિશ દારૂની બે જુદી જુદી બ્રાન્ડની ૫૫ બાટલીઓ મળી આવી હતી.
ઘટના અંગે અંજાર પોલીસે પરોઢે અજાણ્યા કારચાલક સામે પ્રોહિબિશનની ધારાઓ તળે ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન, ગંભીર ઈજાઓના લીધે કારચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક કાર ચાલક ભચાઉના ચોપડવા ગામનો ડેવિડ રાયધણ મણકા (સંઘાર) (ઉ.વ. અંદાજે ૨૫) હોવાનું સ્પષ્ટ થયું છે.
ડેવિડ સામે ભચાઉ, સામખિયાળી સહિતના પોલીસ સ્ટેશનોમાં દારૂબંધીને લગતાં અનેક ગુનાઓ નોંધાયેલા છે અને તેની ગણના લિસ્ટેડ બૂટલેગર તરીકે થતી હતી.
અંજારના પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એ. જાડેજાએ ઘટના અંગે ગહન તપાસ હાથ ધરી છે. પીઆઈ જાડેજાએ જણાવ્યું કે કારની નંબર પ્લેટ ખોટી હોવાનું બહાર આવ્યું છે. દારૂની હેરાફેરી કરતી વખતે પોલીસથી બચવા માટે ‘પોલીસ’ લખેલી પ્લેટ રાખી હોવાનું પોલીસ માની રહી છે.
Share it on
|