|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના પરાં સમાન માધપર નવા વાસ ગામના બસ સ્ટેન્ડ સામે આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સની દુકાનમાં ચકલાં પોપટ જેવા સુરતી જુગારની દિવસ રાત ધમધમતી ક્લબ શરૂ થઈ ગઈ છે. આ જુગાર ક્લબ માધાપર પોલીસ સ્ટેશનથી માંડ પાંચસો મીટર દૂર છે! છતાં જુગારીઓ પોલીસની કોઈ જ બીક વગર નિશ્ચિંતપણે દાવ ખેલી રહ્યાં છે. આ અંધારિયા કોમ્પ્લેક્સની અંદર આવેલી મોટાભાગની દુકાનો બંધ હાલતમાં છે. પ્રવેશ કરતાં જ પહેલી દુકાનમાં જમીન પર ચિત્રો અને આંકડાઓવાળા પાથરેલાં પાથરણાંની ચોતરફે દાવ લગાડતાં ખેલીઓ બેઠેલાં જોવા મળે છે. છેલ્લાં દસેક દિવસથી શરૂ થયેલી આ જુગાર ક્લબમાં રોજ ભુજ અને આસપાસના ખેલીઓ નસીબ અજમાવવા જમાવડો કરે છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં આ જ શોપિંગ કોમ્પ્લેક્સમાં એકસાથે ચાર દુકાનોમાં ધાર્મિક યંત્રો પર રમાડાતાં ઓનલાઈન જુગારધામો શરૂ કરાયેલાં જેનો કચ્છખબરે પર્દાફાશ કરેલો.
જાહેર માર્ગ પર આવેલા એ જ કોમ્પ્લેક્સમાં પુનઃ જુગાર ક્લબને મંજૂરી મળી જતાં હવે ક્લબ સંચાલક સાથે જુગાર ક્લબ માટે દુકાન ભાડે આપતાં દુકાન માલિક સામે પણ કડક કાર્યવાહી કરાય તે અપેક્ષિત છે.
પણ, આ કાર્યવાહી કરશે કોણ? નજીકના પોલીસ સ્ટેશનના સ્ટાફની આંખે મોતિયો આવી ગયો છે એટલે તેમને આ ક્લબ દેખાતી નથી. જંગલોમાંથી રીઢા બૂટલેગરો પકડતી યા ગામના મશાણમાં અડધી રાતે ત્રાટકીને જુગારીઓ પકડતી બ્રાન્ચ કેવળ આ ક્લબ અંગે જ અંધારામાં રહી ગઈ છે. ત્યારે ગાંધીનગરથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ આવીને ત્રાટકે ત્યારે જ આ ક્લબ બંધ થશે તેમ જણાય છે.
Share it on
|