|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ત્રણ દિવસ અગાઉ ભુજના રેલવે સ્ટેશનમાં નજીવી બાબતે ઉશ્કેરાઈને બિહારના યુવકના માથામાં પાઈપ ફટકારી હત્યા કરનારા દીપાંશુ ચેતન વિશ્વકર્માએ હવે જેલમાં સહકેદી પર હુમલો કર્યો છે. હત્યા બાદ પાલારા જેલમાં ધકેલાયેલાં દીપાંશુ વિશ્વકર્માએ ગત રાત્રે દસ વાગ્યે પોતાની બેરેકમાં અબ્બાસ ઈસ્માઈલ સમા નામના ૩૦ વર્ષના યુવકના માથામાં પથરો ઝીંકીને લોહીલુહાણ કરી દેતાં તેને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પાલારા જેલના હવાલદારે દિપાંશુ બાથરૂમમાં જઈને પથરો કાઢી લાવ્યો હોવાનું જણાવ્યું છે. બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ૧ ઓક્ટોબરના રોજ ભુજ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે પર પાર્સલ ઑફિસ પાસે દીપાંશુએ મૂળ બિહારના સીતામઢીના વતની મુકેશ સાહની નામના યુવકના માથામાં લોખંડના પાઈપના બે ફટકાં મારી સ્થળ પર મોતને ઘાટ ઉતાર્યો હતો.
મરણ જનાર મુકેશ સાહનીને સુરત જવાનું હોઈ તે અંગે તેણે દીપાંશુ જોડે પૂછપરછ કરેલી. દીપાંશુએ કોઈ જવાબ ના આપતાં બેઉ જણ વચ્ચે બોલાચાલી થયેલી.
જેથી ઉશ્કેરાઈને દીપાંશુએ બાજુમાં પડેલી પાઈપ ઉપાડીને તેને માથામાં ઝીંકી દીધી હતી. ઝનૂની સ્વભાવના દીપાંશુએ હવે જેલમાં સહકેદી પર હુમલો કર્યો છે.
Share it on
|