|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬માં કરવામાં આવેલી જોગવાઈઓના વિરોધમાં આવતીકાલ સોમવારથી કચ્છ સહિત સમગ્ર ગુજરાતના વકીલોએ અનિશ્ચિત મુદ્દતની હડતાળનું એલાન કર્યું છે. કચ્છની તમામ દિવાની અને ફોજદારી અદાલતોમાં પ્રેક્ટિસ કરતાં વકીલો ઉપરાંત વિવિધ ટ્રિબ્યુનલ્સ, કલેક્ટર, પ્રાંત અને મામલતદાર કચેરીઓની રેવન્યૂ કૉર્ટો અને ઑથોરિટીઝ, અન્ય તમામ ન્યાયિક અને અર્ધ ન્યાયિક ઑથોરિટીના કેસો ચલાવતાં વકીલો હડતાળમાં જોડાશે. ગુજરાત સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ગુજરાત ભાડા વિધેયક અંતર્ગત તકરારો અંગેના નિર્ણયોની સત્તા સંદર્ભે સ્મોલ કૉઝ કૉર્ટની જગ્યાએ ભાડા સત્તાધિકારીઓ કે જેમાં એડિશનલ કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા નિરાકરણ લાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ જોતાં તકરારનું નિવારણ કરવા માટેની સત્તાઓ જ્યુડિસીયલ ઑથોરિટી પાસેથી આંચકી લઈ એડમિનિસ્ટ્રેટિવ ઑથોરિટીને સોંપવામાં આવી છે.
આ જોગવાઈથી સમગ્ર ગુજરાતના વકીલો, પક્ષકારો અને સામાન્ય જનતા અસરગ્રસ્ત થતી હોવાનું ધ્યાને લઈ ગુજરાત બાર કાઉન્સિલે સોમવારથી અનિશ્ચિત મુદ્દતની હડતાળનું એલાન કર્યું છે.
શનિવારે આ મુદ્દે બાર કાઉન્સિલની યોજાયેલી વરચ્યુઅલ અસાધારણ સભામાં હડતાળનો ઠરાવ કરાયો હતો. જ્યાં સુધી વિધેયકની જોગવાઈના પ્રશ્નો અંગે સંતોષકાર ઉકેલ ના આવે ત્યાં સુધી તમામ બાર એસોસિએશનો કૉર્ટ કામકાજથી અળગા રહેશે. વકીલ મંડળોના હોદ્દેદારો અને વકીલો કૉર્ટ કેમ્પસની બહાર એકઠાં થઈને વિરોધ પ્રદર્શન કરશે.
ભુજ બાર એસોસિએશનના પ્રમુખ સચિન ગોરે જણાવ્યું કે ભુજ સહિત કચ્છ બાર એસોસિએશન દ્વારા સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે અને આવતીકાલથી કચ્છ સહિત ગુજરાતભરની કૉર્ટોના વકીલો હડતાળમાં જોડાશે.
Share it on
|