કચ્છખબરડૉટકોમ, દુધઈઃ રાજસ્થાનના કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટરને લેબર સપ્લાય કરવાના બહાને એડવાન્સમાં રૂપિયા લઈને કચ્છ બોલાવી છરીની અણીએ ૧૦ લાખ રોકડાં રૂપિયા લૂંટી લેનારા ભુજના બે રીઢા શખ્સોને દુધઈ પોલીસે ઝડપી પાડ્યાં છે. લૂંટ કરી રૂપિયા લઈને સ્કોર્પિયોમાં નાસેલાં બેઉ રીઢા લૂંટારાઓનો રાજસ્થાની કોન્ટ્રાક્ટરે હિંમતપૂર્વક તેની ક્રેટા કારથી ફિલ્મી ઢબે પીછો કરેલો. બુઢારમોરા પાસે લૂંટારાઓની ગાડી દિવાલ જોડે ટકરાયાં બાદ બેઉ રૂપિયા સાથે સીમાડામાં નાસી છૂટેલાં. રાજસ્થાનના કોન્ટ્રાક્ટરને રૂપિયા લઈ બોલાવેલો
ફરિયાદી ૪૮ વર્ષિય અશોકકુમાર લુણાવત રાજસ્થાનના બિકાનેરના રહેવાસી છે અને કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર છે. ત્રણેક માસ અગાઉ અશોકને ભુજમાં એક કોન્ટ્રાક્ટ મળેલો. પરંતુ, કામ માટે એકસો જેટલાં મજૂરોની જરૂર હતી તે મળતાં નહોતા.
ભુજની મુલાકાત દરમિયાન ફરિયાદીનો રમજાનશા કાસમશા શેખ (રહે. શેખ ફળિયું, સરપટ નાકા પાસે) જોડે પરિચય થયેલો. તેણે રમજાનને વાત કરેલી.
રમજાને ગોઠવણ થઈ જશે તેમ જણાવેલું. બેઉ વચ્ચે ફોન નંબરોની આપ-લે થયેલી. થોડાં દિવસ અગાઉ રમજાને ફરિયાદીને ફોન કરીને ‘લેબરો તૈયાર છે, એડવાન્સ પૈસા લઈને કચ્છ આવી જાવો’ તેમ જણાવતાં ફરિયાદી તેના મિત્ર મનીરામ બિશ્નોઈને સાથે લઈ, દસ લાખ રૂપિયા રોકડાં લઈને શનિવારે ક્રેટા કાર લઈને કચ્છ આવેલો. મધરાત્રે બાર વાગ્યે ભચાઉ પહોંચેલો અને ત્યાં જ રેલવે સ્ટેશન પાસે આવેલી ધર્મશાળામાં રોકાઈ ગયેલો.
લૂંટ કરવા ફરિયાદીને સામેથી ભચાઉ મળવા ગયો
રવિવારે સવારે રમજાને ફોન કરીને પૂછતાં ફરિયાદીએ પોતે રૂપિયા લઈને આવી ગયો હોવાનું, હાલ ભચાઉ રોકાયો હોવાનું અને નહાઈ ધોઈને ભુજ આવવા નીકળતો હોવાનું જણાવેલું. રમજાને તેને ભુજ ના આવવા અને પોતે સામેથી ભચાઉ આવે છે તેમ કહીને નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કારમાં તેના સાગરીત આબિદખાન અબ્દુલખાન પઠાણ (રહે. આશાપુરા મંદિર પાસે, ભુજ) કહીને બપોરે સવા બે વાગ્યે ફરિયાદીને મળવા ભચાઉ પહોંચ્યો હતો.
ભચાઉમાં છરીની અણીએ દસ લાખની લૂંટ કરી ભાગ્યા
ભચાઉ પહોંચ્યા બાદ ફરિયાદીને મળેલો અને ‘રૂપિયા લઈને આવ્યા છો ને?’ તેમ પૂછી રૂપિયા લઈ આવવા જણાવેલું. ફરિયાદી દસ લાખ રૂપિયા લઈને આવતાં જ રમજાન છરી કાઢી, રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી લઈ ‘ભાગ અહીંથી, ફરી મને કચ્છમાં જોવા ના મળવો જોઈએ’ તેવી ધમકી આપી સાગરીત જોડે કારમાં બેસીને નાસી ગયો હતો.
ફરિયાદીએ પણ તેની ક્રેટાથી ફિલ્મી ઢબે પીછો કર્યો
રમજાનને રૂપિયા લઈને દુધઈવાળા હાઈવે પર ભુજ તરફ ભાગતો જોઈને ફરિયાદીએ પણ તેની ક્રેટા કારથી સ્કોર્પિયોનો પીછો શરૂ કરેલો. રસ્તામાં તેની કારને આંતરવા જતા ક્રેટા કાર સ્કોર્પિયોને ટકરાઈ પણ હતી.
પીછાથી છૂટવા ગાડી ગામમાં ઘૂસાડી દિવાલમાં ઠોકી
ફરિયાદીને પીછો કરતો જોઈને રમજાને બુઢારમોરા ગામે હરિનગર પાસે ગાડી ગામમાં વાળી દીધી હતી. સંતુલન ગુમાવતાં તેની ગાડી દિવાલ સાથે ટકરાઈ ગઈ હતી. બાદમાં બેઉ જણ ગાડીમાંથી બહાર નીકળેલાં અને ફરિયાદીને ફરી છરી બતાવી મારી નાખવાની ધમકી આપી રૂપિયા લઈને ગામના સીમાડામાં નાસી ગયા હતા.
પોલીસે સીમાડો ખૂંદીને બંનેને ગણતરીના કલાકોમાં ઝડપ્યાં
બનાવ અંગે ફરિયાદીએ તરત દુધઈ પોલીસનો સંપર્ક કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ભાગી ગયેલા બંને લૂંટારાનો પત્તો મેળવવા જંગલ વિસ્તારમાં ચોમેર દોડધામ કરીને ગણતરીના કલાકોમાં રાત્રે બેઉને ઝડપી પાડ્યાં હતા.
રમજાન ભુજનો રીઢો ચીટર, ૬૦ હજાર ગાયબ થયાં
પકડાયેલો રમજાન અગાઉ ભુજ અને માધાપરમાં સસ્તાં સોના, નકલી સોના અને નકલી ચલણી નોટો દ્વારા ઠગાઈ, ધાક ધમકી આપવી વગેરે જેવા ચારથી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂકેલો છે.
અઢી માસ અગાઉ ૧૫ મેના રોજ ભુજ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે તેના ઘરમાં રેઈડ પાડીને નકલી નોટનો જથ્થો કબજો કર્યો હતો.
પોલીસે બેઉને ઝડપીને લૂંટમાં ગયેલા ૯.૪૦ લાખ રોકડાં, છરી, પાંચ લાખની સ્કોર્પિયો કાર, ચાર મોબાઈલ ફોન વગેરે મુદ્દામાલ રિકવર કર્યો છે. જો કે, ૬૦ હજાર રૂપિયા ક્યાં ગયા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. દુધઈના પીઆઈ આર.આર. વસાવા, ઈન્ચાર્જ પીઆઈ બી.જી. ડાંગર અને દુધઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગુનાના ડિટેક્શનમાં જોડાયો હતો.
બંને જણાંને કૉર્ટે એક દિવસના રીમાન્ડ પર મોકલી આપ્યા છે.
Share it on
|