કચ્છખબરડૉટકોમ, અંજારઃ વિદેશ નોકરી કરતાં પતિની પૂંઠ પછવાડે અન્ય જોડે પ્રણયફાગ ખેલી રહેલી પત્ની ઘરમાંથી ૮.૨૧ લાખના ઘરેણાં અને રોકડ ચોરીને બે માસૂમ દીકરીઓને ઊંઘતી હાલતમાં મૂકીને પ્રેમી સાથે નાસી છૂટી છે. બનાવ અંગે જાણ થતાં ફ્લાઈટ પકડીને ઘરભેગા થયેલાં પતિએ અંજાર પોલીસ મથકે ફરાર પત્ની અને પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. વક્રતા એ છે કે જે નજીકમાં રહેતો પતિના મામાનો પુત્ર જ ભાભીને ભગાડી ગયો છે! અંજારના વરસામેડી સીમની શાંતિધામ સોસાયટી-૪માં રહેતો ૩૩ વર્ષિય વિકેશકુમાર દેવશંકર સિંગ (રહે. મૂળ ચંદૌલી, યુપી) છેલ્લાં બે વર્ષથી બહેરીનની ખાનગી કંપનીમાં મિકેનીક તરીકે નોકરી કરે છે. અંજારમાં તેના માતા-પિતા અને પત્ની જ્યોતિ ૭ અને ૪ વર્ષની બે દીકરી તથા દોઢ વર્ષના પુત્ર સાથે રહે છે.
૨૭ જાન્યુઆરીની મધરાત્રે સાડા બાર વાગ્યે વિકેશની પત્ની જ્યોતિ પુત્ર સાથે ઘરમાંથી બે બેગ લઈને પ્રેમી આશિષ મેનેજરસિંગ (રહે. રામગઢ, બિહાર) સાથે નાસી ગઈ હતી. મધરાત્રે વૉશરૂમ જવા ઉઠેલી સાસુ પુત્રવધૂ જ્યોતિને આશિષ સાથે જતાં જોઈ ગઈ હતી.
આશિષ વિકેશના મામાનો પુત્ર છે અને ઘરની બાજુમાં ભાડાના મકાનમાં રહેતો હતો. બનાવ અંગે માતાએ વહેલી સવારે જાણ કરતાં વિકેશ તે જ રાત્રે ફ્લાઈટ પકડીને બીજા દિવસે અંજાર આવ્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે જ્યોતિ ઘરમાંથી દોઢ લાખ રોકડાં રૂપિયા ઉપરાંત પતિએ લઈ આપેલાં ઘરેણાં તથા સાસુના ઘરેણાં મળી ૮.૨૧ લાખની માલમતા પણ સાફ કરતી ગઈ છે. અંજાર પોલીસે બેઉ સામે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પીઆઈ શૈલેન્દ્રસિંહ સિસોદીયાએ જણાવ્યું કે બંનેના મોબાઈલ બંધ છે. બેઉને પકડી પાડવા સઘન તપાસ કરી રહ્યાં છીએ.
Share it on
|