|
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરમાં બે વર્ષ અગાઉ જીવલેણ હુમલો કરી ૧૨.૭૯ લાખ રોકડાં રૂપિયાની લૂંટના ગુનામાં ઝડપાયેલાં એક આરોપીના સંબંધીની અરજીના આધારે રાપર કૉર્ટે તત્કાલિન PI, PSO સહિત ૪ પોલીસ કર્મી અને ડૉક્ટર સામે કાર્યવાહી ચલાવવા હુકમ કર્યો છે. રાપરના જ્યુ. મેજિસ્ટ્રેટ અમિત પાટડીયાએ ફોજદારી કાર્યવાહી શરૂ કરતાં પહેલા ફરિયાદની તપાસ થવી જરૂરી જણાઈ આવતું હોવાનું નોંધીને આ હુકમ કર્યો છે. જાણો, શો હતો હુમલા સાથે લૂંટનો એ બનાવ
૨૭-૧૧-૨૦૨૩ના રોજ રાપરના ત્રંબૌ ત્રણ રસ્તા પાસે આવેલા નાયરા પેટ્રોલ પંપના બે કર્મચારી કે જે બાઈક પર પંપના વકરાના ૧૨.૭૯ લાખ રોકડાં રૂપિયા થેલામાં લઈને બેન્કમાં જમા કરવા જતા હતા ત્યારે પૂર્વ આયોજીત ષડયંત્ર રચીને બે બાઈક સવારે તેમને રસ્તામાં આંતરીને, છરીથી હુમલો કરીને રૂપિયા ભરેલો થેલો લૂંટી લીધો હતો.
આ ગુનામાં ૬ લોકોની સંડોવણી સામે આવી હતી. જે પૈકીનો એક આરોપી હતો નીતિન ખોડાભાઈ ભલાણી (કોલી).
લૂંટની ઘટના સંદર્ભે નીતિનની બહેન ખીમીબેન ખોડાભાઈ ભલાણીએ ૦૧-૦૧-૨૦૨૪ના રોજ રાપર કૉર્ટમાં ફરિયાદ દાખલ કરેલી કે આ ગુનામાં રાપરના પીઆઈ સહિતના પોલીસ કર્મીઓએ તેના માતા, પિતા, બે બહેનો અને ભાઈ નીતિનને પોલીસ સ્ટેશનમાં આઠ કલાક સુધી ગેરકાયદે રીતે ગોંધી રાખીને ઢોર માર મારેલો.
નીતિન નોટીસ આપવા ગયો તો તેને અંદર કરી માર મરાયેલો
રાપર કૉર્ટે આ બાબતે ઈસ્યૂ કરેલી નોટિસની બજવણી કરવા ભાઈ નીતિન પોલીસ સ્ટેશને રૂબરૂ જતા પોલીસે તેને આરોપી બતાડીને અટક કરીને ઢોર માર મારેલો. પોલીસે નીતિનને કૉર્ટમાં રજૂ કર્યો ત્યારે તેને શરીરે કોઈ ઈજા ના હોવાનો રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસરે રજૂ કરેલો રીપોર્ટ પોલીસે કૉર્ટ સમક્ષ રજૂ કરેલો.
જો કે, પોલીસે ઢોર માર માર્યો હોવાના નીતિને કૉર્ટ રૂબરૂ આપેલા બયાનના આધારે કૉર્ટે ફરી તેનું મેડિકલ ચેક અપ કરાવવા હુકમ કરેલો. જેમાં નીતિનને શરીરે ઈજાઓ હોવાનું તપાસ રીપોર્ટમાં સામે આવ્યું હતું.
પોલીસ અને સરકારી ડૉક્ટરે એકસંપ થઈને અગાઉ મેડિકલ રીપોર્ટ ખોટો આપ્યો હોવાનો, ફરજમાં બેદરકારી દાખવી હોવાનો ખીમીબેને કૉર્ટમાં રજૂઆત કરી હતી.
પોલીસ વિરુધ્ધ કૉર્ટમાં ફરિયાદ ના કરવા પોલીસ કર્મચારીઓએ નીતિનને પાંચસો પાંચસો રૂપિયાની બે નોટ પકડાવીને લાંચ આપી હોવાનો પણ આરોપ કરાયો હતો.
ફરિયાદ અન્વયે કૉર્ટે પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરાના ફૂટેજ અને સ્ટેશન ડાયરી રજૂ કરવા હુકમ કરેલો. પરંતુ, પોલીસે આરોપી તેમના કબજામાં ના હોવાનું, પૂછપરછના હેતુથી તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યાં હોવાનું અને બાદમાં છોડી મુક્યાં હોવાનું, સીસીટીવી કેમેરા બંધ હોઈ ફૂટેજ ઉપલબ્ધ ના હોવાનું કૉર્ટને જણાવ્યું હતું.
કૉર્ટે ચુકાદામાં નોંધ્યું કે દરેક પોલીસ સ્ટેશન સીસીટીવી કેમેરાથી સુસજ્જ હોવા જોઈએ અને કેમેરાની દેખરેખની જવાબદારી પીએસઓની હોવા છતાં પીએસઓ અશોકકુમાર પ્રેમસીંગ યાદવે બંધ કેમેરા ચાલુ કરાવવા કોઈ કામગીરી કરી નથી અને તે રીતે સુપ્રીમ કૉર્ટના ચુકાદાનો તિરસ્કાર કર્યો છે.
પોલીસે પુરાવાનો નાશ કર્યો છે. કૉર્ટે કહ્યું કે પીએસઓએ રજૂ કરેલો રીપોર્ટ કૉર્ટને ગેરમાર્ગે દોરતો ખોટો હોવાનું અને ચોક્કસ ગુનો છૂપાવવા માટેના પ્રયત્નો હોવાનું માનવાને કારણ રહે છે. પીઆઈએ પણ તેમના સોગંદનામા સાથે એવિડન્સ એક્ટ મુજબ સોગંદનામું રજૂ કર્યું નથી.
હકીકતો અને નિવેદનો જોતા આરોપીઓ સામે કરાયેલી ફરિયાદમાં પ્રથમદર્શનીય રીતે તથ્ય જણાતું હોવાનું અને ગુનો કર્યો હોવાનું હાલના તબક્કે માનવાનું થતું હોવા છતાં ફોજદારી કાર્યવાહી શરૂ કરતાં પહેલા ફરિયાદની તપાસ થવી જરૂરી જણાઈ આવે છે તેવું કૉર્ટે જણાવ્યું છે.
કૉર્ટે તત્કાલિન પીઆઈ વી.કે. ગઢવી, પોલીસ કર્મચારી મુકેશ ઠાકોર, કમલેશ ચાવડા, અશોક યાદવ સામે ઈપીકો કલમ ૩૨૩, ૨૯૪ (ખ), ૫૦૬ (૨), ૧૧૪, ૨૦૧, ૧૧૬ (એ), ૧૭૫, ૧૯૩, ૧૯૬, ૧૯૭ મુજબ ન્યાયીક કાર્યવાહી ચલાવવા હુકમ કર્યો છે.
કૉર્ટે કહ્યું કે સમગ્ર કેસ દસ્તાવેજી પુરાવા આધારીત છે અને નીતિન આરોપી હોવાનું જણાઈ આવતું નથી.
રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રના તત્કાલિન મેડિકલ ઑફિસરે ખોટો મેડિકલ રીપોર્ટ રજૂ કર્યો હોવાના આરોપના આધારે તેમની વિરુધ્ધ ઈપીકો કલમ ૧૯૬, ૧૯૭, ૧૯૮ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી ચલાવવા હુકમ કરાયો છે.
Share it on
|