ગાંધીધામમાં આંગડિયા સંચાલકનું અપહરણ કરનાર બે ગુંડાનો પોલીસે કાઢ્યો જાહેર વરઘોડો
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ખંડણી વસૂલવાના ઈરાદે અન્ય સાગરીતો સાથે મળી ગાંધીધામમાં ધોળા દિવસે આંગડિયા પેઢીના સંચાલકનું સરાજાહેર અપહરણ કરવાના ગુનામાં ઝડપાયેલાં રાજસ્થાનના બે ગુંડાનું આજે પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ ક્રાઈમ સીન રીક્રીએટ કર્યો હતો.
Video :
પાંચ માસથી નાસતાં ફરતાં તુષાંત લેખરાજ વાસુ અને આકાશસિંહ સેંગર થોડાંક સમય અગાઉ દિલ્હી પોલીસના હાથે ઝડપાયેલાં. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ બેઉને દિલ્હી અને રાજસ્થાનની જેલમાંથી ગાંધીધામ લઈ આવી છે અને તેમના છ દિવસના રીમાન્ડ મેળવ્યાં છે.
લોખંડની બેડીઓમાં ઝડકાયેલાં બેઉ આરોપીઓને પોલીસ પગપાળા બજારમાંથી લઈને જતી હતી ત્યારે રાહદારીઓ અને વેપારીઓ તેમનું જાહેર સરઘસ જોવા થંભી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે મોરબીના હિતેન્દ્ર કરણસિંહ ઝાલા નામના રીઢા ગુંડાએ સમગ્ર કાવતરું ઘડ્યું હતું. ગુનાને અંજામ આપવા હિતીયાએ તેના બૉડીગાર્ડ તુષાંત ઊર્ફે સૂરજ ઊર્ફે ટાઈગર લેખરાજ વાસુ (પુષ્કર્ણા બ્રાહ્મણ) (૩૨, રહે. બિકાનેર, રાજસ્થાન)ને અન્ય સાગરીતો એકઠાં કરી આપવાની સોપારી આપેલી.
તુષાંતે અન્ય સાગરીતો સાથે મળીને ૧૬ જૂલાઈની બપોરે સમકિતનિધિ આંગડિયા પેઢીના સંચાલક કેતન કાંકરેચાનું ચાર જણે બંદૂકના નાળચે કારમાં અપહરણ કરેલું. જો કે, પોલીસે ઠેર ઠેર વૉચ ગોઠવતાં અપહરણકારોને ભચાઉના જંગી ગામે અપહૃત વેપારી અને કારને પડતાં મૂકીને પગપાળા ભાગવાનો વારો આવ્યો હતો. ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ.ડી. ચૌધરીના માર્ગદર્શનમાં હાલ ગુનાને લગતાં સજ્જડ પુરાવા એકઠાં કરવાની કામગીરી ચાલી રહી છે.