કચ્છખબરડૉટકોમ, અંજારઃ હાઈવે પરથી સીપીયુ અને સોયાબીન વગેરે તેલ ભરેલાં ટેન્કરોમાંથી તેલ ચોરી કરતી ગેંગનો પીછો કરીને અંજાર પોલીસે બોલેરોમાં લઈ જવાતું ૯૫ હજાર રૂપિયાના મૂલ્યનું ૧ હજાર લિટર ઓઈલ જપ્ત કર્યું છે. તેલ ચોરીમાં સંડોવાયેલા ચાર ચોર પોલીસને થાપ આપી નાસી છૂટ્યાં છે. ગત સાંજે અંજાર પોલીસે બાતમીના આધારે ભીમાસર ટપ્પર રોડ પર વૉચ ગોઠવીને વિવિધ કેરબામાં ચોરીના તેલનો જથ્થો લઈને બોલેરોમાં જતાં તેલ ચોરોને આંતરવા પ્રયાસ કર્યો હતો. પોલીસને જોઈને તેલ ચોર ચોકડીએ બોલેરો થોભાવવાના બદલે પૂરઝડપે હંકારી મૂકી હતી.
પોલીસે પીછો કરતાં થોડેક આગળ ચારે જણ બોલેરોને રસ્તા પર રેંઢી મૂકીને અંધારામાં બાવળની ઝાડીમાં નાસી છૂટ્યાં હતાં.
પોલીસે બોલરોમાંથી વિવિધ કેરબામાં ભરેલું ૫૬ હજારની કિંમતનું ૭૦૦ લિટર સીપીયુ ઓઈલ અને ૩૯ હજારની કિંમતનું ૩૦૦ લિટર સોયાબીન તેલ મળી આવ્યું હતું. પોલીસે ૧ લાખની બોલેરો અને ૯૫ હજારનું ચોરાઉ તેલ જપ્ત કરીને ભીમાસરના સુમિત નારણભાઈ ડાંગર, અંજારના જીગર નટુભાઈ ઠક્કર, મારીંગણાના સાકરો મેરા રબારી અને મોડવદરના હરભમ હિરાભાઈ રબારી વિરુધ્ધ ગુનાહિત કાવતરું ઘડી તેલ ચોરી કરવા સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો છે.
Share it on
|