|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ માધાપર-ભુજ રીંગ રોડ પર વાહન ચેકીંગ કરી રહેલા બે પોલીસ હેડ કોન્સ્ટેબલ જોડે જાહેરમાં ઝપાઝપી કરનારાં પિતા પુત્ર સામે અંતે માધાપર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બનાવ બાદ બેઉ હેડ કોન્સ્ટેબલને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયેલાં. જ્યાં ગણતરીના કલાકોમાં બેઉ પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયેલું. આ અંગે કચ્છખબરે પ્રગટ કરેલાં અહેવાલ બાદ મામલાને ગંભીરતાથી લઈ રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાની સૂચનાના પગલે માર ખાનાર હેડ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવી છે.
જાણો શો બનાવ બન્યો હતો
ફરિયાદમાં સિધ્ધરાજે જણાવ્યું છે કે સવારે સાડા દસના અરસામાં તે સાથી હેડ કોન્સ્ટેબલ બહાદુરસિંહ જાડેજા સાથે મઢુલી પાસે વાહન ચેકીંગ કરી રહ્યો હતો ત્યારે નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી થાર ગાડી પસાર થયેલી. ગાડીચાલકે તેનું નામ આશિષ બળવંતભાઈ રાવલ (રહે. રાજા રેસિડેન્સી, માધાપર જૂનાવાસ) હોવાનું જણાવેલું.
નિયમભંગ અંગે પૂછપરછ કરતા હતા ત્યારે આશિષના પિતા બળવંત જીતેન્દ્રભાઈ રાવલ અને ભાઈ ગૌતમ બળવંતભાઈ રાવલ ઓચિંતા ત્યાં આવી ગયેલાં. ‘મારા દીકરાને કેમ પકડો છો?’ કહી પિતા પુત્રએ બોલાચાલી કરેલી અને ઉશ્કેરાઈને ઝપાઝપી પર ઉતરી આવ્યાં હતા.
પોતે પણ પુરતો બળપ્રયોગ કરીને તેમને દૂર કરેલાં. દરમિયાન, અસહ્ય ગરમીના કારણે ચક્કર આવી જતાં સરકારી જીપમાં સાથી કર્મચારીઓ તેમને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યાં હતા. દવા ગોળી લઈને તેઓ પોલીસ સ્ટેશન પરત ફરેલાં અને બેઉ સામે ફરિયાદ નોંધાવી છે. ઘટના અંગે બળવંત જીતેન્દ્રભાઈ રાવલ અને તેના પુત્ર ગૌતમ સામે રાજ્ય સેવક સાથે ફરજ દરમિયાન તેમાં રૂકાવટ કરી જાહેરમાં ઝપાઝપી કરવા સબબ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૧ (૧) અને ૫૪ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ સવાલો અનુત્તર રહી ગયાં છે
આરોપી બળવંત રાવલનો પુત્ર આશિષ કે જે નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી થાર ગાડી લઈને નીકળેલો તેની સામે શું કાર્યવાહી કરાઈ? આશિષને બચાવવા માટે પિતા પુત્ર GJ-12 FC-7727 નંબરની સ્કોર્પિયો કાર લઈને સ્થળ પર દોડી આવેલા તે કારનો કેમ ઉલ્લેખ કરાયો નથી? તે પ્રશ્નો અનુત્તર રહ્યાં છે. હોસ્પિટલમાં નોંધાવાયેલી MLCમાં હાથ અને મોંઢે ઈજા થઈ હોવાનું લખાવાયેલું પરંતુ ફરિયાદમાં ઝપાઝપી દરમિયાન અસહ્ય ગરમીના કારણે ચક્કર આવી જતાં હોસ્પિટલમાં દવા લેવા ગયા હોવાનું લખાવાયું છે તે મુદ્દો પણ નોંધનીય છે.
Share it on
|