click here to go to advertiser's link
Visitors :  
17-May-2026, Sunday
Home -> Bhachau -> Notorious Criminal Latif Gets 3 Years for Stabbing Cop By Bhachau Court
Wednesday, 18-Mar-2026 - Bhachau 29102 views
ભચાઉના હેડ કોન્સ્ટેબલ પર છરીથી ઘાતક હુમલો કરનારા ખૂંખાર લતીફને ૩ વર્ષનો કારાવાસ
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉમાં પોલીસ કોન્સ્ટેબલ પર છરી વડે જીવલેણ હુમલો કરવાના ગુનામાં ભચાઉના મદિનાનગરના રીઢા આરોપી લતીફ ઊર્ફે લતીયો નુરમામદ કક્કલને ભચાઉ સેશન્સ કૉર્ટે ૩ વર્ષની સખ્ત કેદની સજા સાથે દસ હજારનો દંડ ફટકાર્યો છે. પોલીસે લતીફ ઉપર જાહેર સેવક પર ફરજ દરમિયાન છરી વડે ઘાતક હુમલો (ઈપીકો કલમ ૩૨૪ અને ૩૩૨) કરી હત્યાનો પ્રયાસ (ઈપીકો કલમ ૩૦૭) અને પુરાવાનો નાશ કરવો (ઈપીકો કલમ ૨૦૧)ની કલમો હેઠળ ગુનો દાખલ કરેલો.

જો કે, હત્યાના પ્રયાસ અને પુરાવાનો નાશ કરવાનો ગુનો પોલીસ કૉર્ટમાં  સાબિત કરી શકી નથી.

લતીફને પકડવા જતાં છરીથી હુમલો કરેલો

હુમલાનો બનાવ ૨૨-૧૧-૨૦૧૬ના રોજ ભચાઉના હિંમતપુરા વિસ્તાર પાસે બન્યો હતો. નોટબંધીને અનુલક્ષીને બેન્કો પર ચલણી નોટો બદલવા લોકોની કતારો ઉમટતી હતી ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસ પણ સતત પેટ્રોલીંગ કરી રહી હતી. ફરિયાદી હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ મંગલસિંહ જાડેજા ત્યારે પીસીઆર વાનમાં અન્ય સાથી પોલીસ કર્મચારીઓ જોડે જૂના બસ સ્ટેશન પાસે પેટ્રોલીંગ કરી રહ્યાં હતા.

અચાનક તેમની નજર સામખિયાળી પોલીસ મથકે દાખલ થયેલા ગુનામાં નાસતાં ફરતાં વોન્ટેડ આરોપી લતીફ પર પડી હતી. તેમણે સાથી પોલીસ કર્મીઓને જાણ કરતાં તેઓ લતીફને પકડવા દોડેલાં.

પોલીસને જોઈ લતીફ પણ હિંમતપુરા તરફ નાસેલો. જૂના રેલવે ક્વાર્ટર નજીક ત્રણ પોલીસ કર્મીએ તેને ઘેરી લીધો હતો. તે સમયે પોલીસથી બચીને નાસી છૂટવા માટે લતીફે છરી કાઢી ભૂપેન્દ્રસિંહ પર વાર કર્યો હતો. ભૂપેન્દ્રસિંહ વાર ચૂકાવવા માટે નીચા વળી જતાં છરી પીઠમાં જમણી બાજુ ઘૂસી ગઈ હતી. હુમલો કરી લતીફ નાસી છૂટ્યો હતો.

આ કારણે હત્યાના પ્રયાસનો ગુનો સાબિત ના થયો

આ મામલે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો દાખલ કરીને ભચાઉ પોલીસે થોડાંક સમય બાદ લતીફને પકડીને કૉર્ટમાં ચાર્જશીટ રજૂ કરેલું. જેમાં ૧૯ જણને સાક્ષી તરીકે દર્શાવાયાં હતા. જો કે, પંચો તરીકે રજૂ થયેલાં દસ જણ જુબાની સમયે કૉર્ટમાં ફરી ગયેલાં અને પોલીસે તૈયાર પંચનામામાં તેમની સહીઓ કરાવી લીધી હોવાનું અને બનાવ અંગે પોતે અજાણ હોવાનું જાહેર કરેલું.

શેષ સાક્ષીઓ પૈકી મોટાભાગના પોલીસ કર્મચારીઓ હોઈ તેઓ ‘ઈન્ટરેસ્ટેડ વીટનેસ‘ હોવાનું બચાવ પક્ષના વકીલે જણાવ્યું હતું. ફરિયાદીને થયેલી ઈજા સામાન્ય હોવાનું તબીબે જુબાનીમાં ભારપૂર્વક જણાવ્યું હતું.

હુમલામાં વાપરેલી છરીને લતીફે છૂપાવી દીધી હોવાનું અથવા તેનો નાશ કર્યો હોવાનું પોલીસે જણાવેલું. ભચાઉના ત્રીજા અધિક સેશન્સ જજ અંદલીપ તિવારીએ ફરિયાદ પક્ષ હત્યાના પ્રયાસ અને પુરાવાના નાશનો આરોપ નિઃશંકપણે સાબિત કરી શક્યો નથી તેમ ઠેરવીને લતીફને બંને આરોપમાં નિર્દોષ ઠેરવ્યો હતો.

પોલીસ કર્મચારી પર ફરજ સમયે છરીથી જીવલેણ હુમલો કર્યો હોવાનું સાબિત થતું હોવાનું ઠેરવીને લતીફને બંને કલમો હેઠળ ત્રણ ત્રણ વર્ષની સખ્ત કેદ સાથે પાંચ પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ કેસમાં સરકાર તરફે ભચાઉના અધિક જિલ્લા સરકારી વકીલ ડી.એસ. જાડેજાએ દલીલો કરી હતી.

અગાઉ કોઠારા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરેલો

આ એ જ લતીફ કક્કલ છે કે જે અગાઉ કોઠારાના પોલીસ કર્મચારીની હત્યાના પ્રયાસના ગુનામાં પણ નિર્દોષ સાબિત થયેલો. પિતરાઈ ભાઈનું મર્ડર કરી તેની પત્નીને પોતાની પત્ની બનાવીને લતીફે પોલીસથી બચવા માટે અબડાસાના આરીખાણા ગામે અબ્બાસ અભુભખરની વાડીમાં આશ્રય લીધો હતો.

વાડીમાં શંકાસ્પદ શખ્સ રહેવા આવ્યો હોવાની બાતમીના આધારે કોઠારા પોલીસે ૨૭-૦૮-૨૦૧૮ની રાત્રે આરીખાણાની વાડીમાં દરોડો પાડેલો. તે સમયે લતીફ, તેની પત્ની ઝરીનાએ પોલીસ પર પિસ્તોલ અને કુહાડીથી હુમલો કરેલો. જેમાં કોન્સ્ટેબલ સંજય દેસાઈને બાવડા અને ઘૂંટણમાં ઈજા થયેલી.

લતીફે સંજય દેસાઈના લમણે પિસ્તોલનું નાળચું રાખીને બે વખત ટ્રીગર દબાવેલું પરંતુ ફાયરીંગ થયું નહોતું. અંધકાર વચ્ચે લતીફ પોલીસ પાર્ટીને ચકમો આપીને નાસી છૂટેલો.

આ ગુનામાં પણ પોલીસે રજૂ કરેલાં પુરાવામાં રહેલી અનેક વિસંગતતાઓના આધારે લતીફ સહિતના પાંચ આરોપીને ભુજ સેશન્સ કૉર્ટે ઑગસ્ટ ૨૦૨૪માં નિર્દોષ જાહેર કર્યાં હતા.

ઉલ્લેખનીય છે કે નાસી છૂટેલાં લતીફને બે દિવસ બાદ એલસીબી, એસઓજી સહિત વિવિધ પોલીસ સ્ટેશનના ત્રીસ જેટલાં કર્મચારીઓએ ભુજના સણોસરા જદુરા વાડીવિસ્તારમાં કોમ્બિંગ કરીને પકડી પાડ્યો હતો. ત્યારબાદ ભચાઉના આ કેસમાં તેની ધરપકડ કરાઈ હતી. જેલમાં રહેલો લતીફ પેરોલ પર છૂટ્યાં બાદ પેરોલ જમ્પ કરીને ત્રણ માસ સુધી ફરાર રહ્યો હતો.

Share it on
   

Recent News  
ભારતમાં પહેલીવાર મુંદરાથી ૧૮૨ કરોડના કેપ્ટાગોન ‘જિહાદી ડ્રગ્ઝ’નો જથ્થો ઝડપાયો
 
૧૩ વર્ષની બાળા સાથે અડપલા કરનાર કથિત મામાને કૉર્ટે દસ વર્ષ માટે જેલમાં મોકલ્યો
 
ભચાઉમાં જ્વેલરી શોપમાં નોકરી કરતી યુવતીએ ૨.૮૦ લાખના ઘરેણાં ચોર્યાં, CCTVથી પકડાઈ