કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારમાં રાત્રિના સમયે પગપાળા એકલદોકલ જતાં રાહદારીને રસ્તો પૂછવાના બહાને ઊભો રાખી, ગળા પર છરી રાખીને મોબાઈલ ફોનની લૂંટ કરી બાઈક પર નાસી જતી બેલડીને અંજાર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. છેલ્લાં થોડાંક દિવસોથી બની રહેલા લૂંટના બનાવના પગલે લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, રવિવારે રાત્રે અંજારના વરસામેડી સીમમાં આ બેલડીએ છરીની અણીએ બે જણનાં મોબાઈલ ફોન લૂંટી લીધા હોવાની ફરિયાદો નોંધાતાં પોલીસ તુરંત હરકતમાં આવી ગઈ હતી. બાતમીના આધારે પોલીસે વરસામેડી વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં બાઈક સાથે ઊભેલાં બંને લૂંટારુને ઝડપી પાડી તેમના કબજામાંથી લૂંટેલા ૮ મોબાઈલ ફોન, એક છરી તથા મોટર સાયકલ જપ્ત કર્યાં છે. ઝડપાયેલાં આરોપીઓમાં એક કિશોર વયનો છે જ્યારે બીજો આધોઈનો નવીન ઊર્ફે કાનો સુરેશભાઈ કોલી નામનો યુવક છે. પોલીસે પૂછપરછ કરતાં બેઉ જણે થોડાંક દિવસો અગાઉ છરીની અણીએ જીઆઈડીસી, રેલવે સ્ટેશન, સતાપર ફાટક, વેલસ્પન કંપની નજીક નર્મદા કેનાલ પાસે પગપાળા જતા રાહદારીઓ પાસેથી છરીની અણીએ મોબાઈલ ફોન લૂંટ્યા હોવાની કબૂલાત કરી છે. ફરિયાદો નોંધાયા બાદ પીઆઈ એ.આર. ગોહિલ અને પીએસઆઈ જે.એસ. ચુડાસમા સહિતના સ્ટાફે બેઉને દબોચી લીધાં છે.
Share it on
|