|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ‘સાહેબ, મેં મારી ખાલી દુકાન ભાડે આપવા માટે સાહિલ દિનેશભાઈ શર્મા નામના એક વિશ્વાસુ દલાલને ચાવી આપેલી. તેણે દુકાન કોઈને ભાડે આપી નહોતી. અચાનક એક દિવસ મંડપ ડેકોરેટરવાળા મારી પાસે આવ્યા. તેમણે જણાવ્યું કે જે લોકોએ મારી દુકાન ભાડે રાખેલી તેમણે સોફાસેટ ભાડે રાખેલાં અને તેનું ભાડું મળ્યું નથી, સોફા ભાડે રાખનાર માણસનો ફોન પણ બંધ આવે છે. મેં તપાસ કરી તો જાણવા મળ્યું કે ૧૯ નવેમ્બરથી કોઈ કંપનીએ દુકાન ખોલીને ઑફિસ શરુ કરેલી. હું દુકાને હાજર હતો ત્યારે યસ બેન્કનું એક કૂરિયર આવેલું જેમાં નવા બેન્ક ખાતાંને લગતી કીટ હતી. મને શંકા છે કે મારી દુકાનના નામે બોગસ એકાઉન્ટ ખોલાવીને સાયબર ફ્રોડ આચરાયું હોય’
સામાન્ય અરજીની તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ
૨૦ જાન્યુઆરીના રોજ ગાંધીધામના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને આ અરજી મળતાં જ પોલીસ ચોંકી ઊઠી. અરજદારે સાહિલ શર્માની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે મેં મારા એક મિત્ર યશ મુલચંદભાઈ ભાટીયા (રહે. આદિપુર)ને ભાડૂઆતને બતાડવા માટે દુકાનની ચાવી આપેલી. તેમાં કોઈક કંપનીવાળાએ ઑફિસ ચાલું કરેલી.
સાયબર પોલીસે યસ બેન્કમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે આ દુકાન પર ગ્લોબલ સોલ્ટ કંપની નામની મીઠા કંપનીની ઑફિસ હોવાનું અને તે કંપનીના નામે બેન્ક એકાઉન્ટ ખૂલ્યું હતું. પોલીસે યશ ભાટીયાને બોલાવીને પૂછપરછ કરી તેનો મોબાઈલ ચેક કરતાં વિજય રાણા નામના શખ્સની ચેટમાંથી અનેક બેન્કોમાં ખૂલેલાં ખાતાંની વિગતો જાણવા મળી.
પોલીસે સમગ્ર કેસમાં ઝીણવટભરી તપાસ હાથ ધરતાં ગુજરાતના વધુ એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે.
૧૮૨ કરોડના સાયબર ફ્રોડનો થયો ઘટસ્ફોટ
તપાસમાં બહાર આવ્યું છે કે આ એક એવું સાયબર ફ્રોડ છે કે જેમાં વિવિધ ગરીબ માણસોને વિશ્વાસમાં લઈ, તેમના નામ અને દસ્તાવેજોના આધારે તેમને કંપનીઓના પ્રોપરાઈટર (માલિક) દર્શાવી ૮૧ બેન્ક ખાતાં ખોલાવી દેશભરના વિવિધ બેન્ક એકાઉન્ટમાંથી ૧૮૨ કરોડ ૩૭ લાખ ૬૮ હજાર ૮૬૨ રૂપિયા જમા કરાવાયાં હતા. જેમાંથી યશ ભાટીયાએ પાંચ લાખ રૂપિયા ઉપાડ્યાં હતા. જે ૮૧ બેન્ક ખાતાં ખોલાવાયાં હતા તેમાંથી ૭૪ બેન્ક ખાતાં પર જુદાં જુદાં રાજ્યોમાં સાયબર ફ્રોડની ફરિયાદો દાખલ થઈ હોવાનું સમન્વય પોર્ટલ પરથી ઘટસ્ફોટ થયો છે.
ગાંધીધામના CA સહિત આઠ એજન્ટ સામે ફરિયાદ
સાયબર પોલીસે આ કૌભાંડમાં સૂત્રધાર યશ ભાટીયા અને ગાંધીધામના ટેક્સ કન્સલ્ટન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્પેશ સુરેશભાઈ લુહાર સહિત કુલ આઠ લોકો સામે વિવિધ કલમો તળે ગુનો દાખલ કર્યો છે. પોલીસે જણાવ્યું કે રાપર, આડેસર, માધાપર, ગાંધીધામ સહિતના વિવિધ શહેરો, તાલુકા, ગામોના ગરીબ, જરૂરતમંદો, ઓછું ભણેલાં લોકોને વિશ્વાસમાં લઈ તેમના નામે સાહિલ શર્મા જેવા બ્રોકરો મારફતે હંગામી ધોરણે દુકાનો ભાડે રખાતી. ભાડાની દુકાનોના આધારે યશ ભાટીયાના કહેવાથી અલ્પેશ લુહાર ઉદ્યમ પોર્ટલ પર ખોટી વેપારી અને ઉદ્યોગ પેઢીઓનું રજિસ્ટ્રેશન કરાવતો. તેના આધારે વિજય રાણા નામના શખ્સ મારફતે વિવિધ ખાનગી બેન્કોમાં એકાઉન્ટ ઓપન કરાવાતાં.
આ રીતે બેન્ક ખાતાં ખોલાવીને ગેંગ ભાડે આપતી
સિધ્ધાર્થ સુનીલભાઈ સોની (ગાંધીધામ), ઈલુભા મંગરુભા જાડેજા (રાપર), વિશ્વરાજસિંહ ઊર્ફે વિસુભા બાલુભા જાડેજા (મોટી રવ, રાપર), હાર્દિક હરેશભાઈ રાજગોર (સણવા, રાપર)એ ગરીબ માણસોને વિશ્વાસમાં લઈને તેમના નામના દસ્તાવેજો મેળવી તે સાહિલ શર્માને મોકલી આપેલાં.
સાહિલ તેમના નામે દુકાનો ભાડે રાખતો. અમુકના નામે સેલ એગ્રીમેન્ટ પણ કરાવતો. આટલી કામગીરી થયાં બાદ યશ ભાટીયા તમામ વિગતો અલ્પેશ લુહારને મોકલતો. તેના આધારે વિજય રાણા બેન્ક ખાતાં ખોલાવતો.
આરોપીઓ એજન્ટ તરીકે વર્તીને આ બેન્ક ખાતાં દેશભરમાં સાયબર ફ્રોડ કરતી ગેંગોને ભાડે આપતાં. આરોપીઓને ખાતાંદીઠ જુદી જુદી રકમનું કમિશન મળતું. સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.જી. પટેલે સમગ્ર કૌભાંડની ગહન તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આઠમાંથી ચારેક આરોપીઓ પોલીસના હાથવેંતમાં છે.
Share it on
|