click here to go to advertiser's link
Visitors :  
02-May-2025, Friday
Home -> Anjar -> Anjar Police detects murder case within 5 days Arrests victims brother
Thursday, 01-May-2025 - Anjar 5294 views
અંજારની વેલસ્પન કંપનીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયોઃ સગો મોટો ભાઈ નીકળ્યો હત્યારો
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારની વેલસ્પન કંપનીની અંદર આવેલી શ્રમિક વસાહત પછવાડે નિર્જન ઝાડી ઝાંખરા પાછળ થયેલી 22 વર્ષિય પરપ્રાંતીય યુવકની હત્યાનો ભેદ પોલીસે પાંચ દિવસની અંદર ઉકેલી દીધો છે. હત્યારો બીજો કોઈ નહીં પરંતુ મરનાર વિનયકુમાર યાદવનો સગો મોટો ભાઈ અજયકુમાર અયોધ્યાપ્રસાદ યાદવ (ઉ.વ. 29, રહે. ઝારખંડ) નીકળ્યો છે. ખૂબ નાટ્યાત્મક સંજોગોમાં પોલીસે અજયકુમારને ઝડપી પાડ્યો છે.

મરનાર વિનય યાદવ વેલસ્પનમાં લેબર કોન્ટ્રાક્ટર હતો. મોટા ભાઈ અજય જોડે ભાગીદારીમાં વતનથી લેબરો મગાવતો હતો. વિનયની હત્યા બાદ પોલીસે અજયનો સંપર્ક કરી વિનયની હત્યા થઈ હોવાની જાણ કરીને અંતિમવિધિ માટે તેના મૃતદેહને લઈ જણાવ્યું હતું.

અજય પણ જાણે પોતે કંઈ જ ના કર્યું હોય તેમ સહજ રીતે અંજાર આવ્યો હતો અને વિનયના મૃતદેહનો કબજો લેવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.

વિનયની હત્યા કોણે કરી તે અંગે પોલીસ સીસીટીવી ફૂટેજ અને બાતમીદારો મારફતે માહિતી મેળવવા સક્રિય હતી.

પોલીસને કલ્પના સુધ્ધાં નહોતી કે તે જેને શોધે છે તે સામેથી પોલીસ સમક્ષ આવ્યો છે.

બનાવ સમયે અજયે પોતે ઝારખંડમાં હોવાનું જણાવ્યું હતું. પરંતુ, અંજારની એક દુકાન કે જ્યાંથી વિનયની હત્યા માટે વપરાયેલું દાતરડાં જેવું તીક્ષ્ણ હથિયાર ખરીદાયું હતું તે દુકાનના સીસીટીવી ફૂટેજને ચેક કરતાં હથિયાર ખરીદનારો અજય હોવાનું પ્રતિપાદિત થયું હતું. પોલીસે પૂછપરછ કરતાં અજય ગુનો કબૂલી લીધો.

આગલા દિવસે અંજાર આવી હત્યા કરી ચૂપચાપ સરકી ગયો

પોલીસે જણાવ્યું કે બેઉ ભાઈ ભાગીદારીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં હતાં પરંતુ નાનો ભાઈ વિનય લાંબા સમયથી મોટા ભાઈ અજયને લેવાના બાકી નીકળતાં ત્રણેક લાખ રૂપિયા આપતો નહોતો. આ મામલે બેઉ ભાઈ વચ્ચે અવારનવાર ફોન પર શાબ્દિક ચકમક ઝરતી રહેતી હતી. એટલું જ નહીં, વિનયે ધંધામાંથી મોટા ભાઈ અજયને બેદખલ કરી દીધો હતો. ઝારખંડ રહેતો અજય ગૂપચૂપ રીતે હત્યાના આગલા દિવસે અંજાર આવ્યો હતો. વિનય પૈસા ના આપે તો તેને પતાવી દેવાના હેતુથી હથિયાર ખરીદેલું. 25મી એપ્રિલની રાત્રે વિનયની ઘાતકી હત્યા કરીને અજય પરત વતન તરફ સરકી ગયો હતો.

પોલીસે જ્યારે અજયનો સંપર્ક કર્યો ત્યારે યુપી પહોંચ્યો હતો અને ત્યાંથી ભાઈની લાશનો કબજો લેવા અંજાર આવ્યો હતો. સતર્ક પોલીસ અને સીસીટીવી ફૂટેજના લીધે તેના ગુના પરથી પડદો હટી ગયો છે.

એસપી સાગર બાગમાર, પ્રોબેશનર આઈપીએસ વિકાસ યાદવ, ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં અંજાર પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. ગોહિલ, પીએસઆઈ એસ.જી. વાળા સહિતનો સ્ટાફ સફળ ડિટેક્શનમાં જોડાયો હતો.

Share it on
   

Recent News  
ભચાઉમાં શિક્ષક પર છરીથી હુમલો કરી બાઈકસવાર ત્રિપુટી મોબાઈલ ફોન લૂંટીને ફરાર
 
નલિયામાં ‘પીધેલો’ હેડ કોન્સ્ટેબલ અને માંડવીમાં ‘ચકચુર’ હોમગાર્ડ અધિકારી ઝડપાયાં
 
ભુજની ફૂડ એન્ડ ડ્રગ્ઝ કચેરીના લાંચિયા સિનિયર ક્લાર્કને 3 વર્ષનો સખ્ત કારાવાસ