|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના યુવકે સાયબર માફિયાઓના ‘ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ’ની જાળમાં ફસાઈને ૧૬ લાખ રૂપિયા ગુમાવ્યાં હોવાનો બનાવ પશ્ચિમ કચ્છ બોર્ડર રેન્જ સાયબર પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે અજ્ઞાત મોબાઈલ અને બેન્ક ખાતાં સામે ગુનો નોંધ્યો છે. ૪૦ વર્ષિય અજીતસિંહ ખેંગારજી જાડેજા (રહે. રજવાડી બંગ્લો, ડી-માર્ટ પાછળ, ભુજ. મૂળ રહે. રેલડીયા મંજલ, અબડાસા) ઝુરા ગામે એક ખાનગી વીજ કંપનીમાં નોકરી કરે છે. ગત એપ્રિલ મહિનામાં અજાણ્યા મોબાઈલ નંબર પરથી તેને ‘દક્ષી એલાઈટ ઈન્વેસ્ટમેન્ટ’ નામની કંપનીના વોટસએપ ગૃપમાં એડ કરાયો હતો. આ કંપની શેર માર્કેટમાં રોકાણ કરવા ઈચ્છતાં કે આઈપીઓમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છતાં રોકાણકારોને માહિતી માર્ગદર્શન આપે છે. કંપનીએ પોતાનો સક્સેસ રેટ સારો હોવાનો દાવો કરેલો.
વોટસએપ ગૃપમાં દરરોજ એડમિન દ્વારા લોકોને ઈન્વેસ્ટમેન્ટ અંગેની ટીપ્સ અપાતી હતી. જેને જોઈને અજીતસિંહને પણ સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટ કરવાની ઈચ્છા થયેલી અને જૂલાઈ માસમાં પાંચ હજાર રૂપિયાનું રોકાણ કરેલું.
સાયબર માફિયાઓએ તેને રજિસ્ટ્રેશન માટે એક ઓનલાઈન લિન્ક મોકલેલી અને એક ઓનલાઈન વૉલેટ એપ ડાઉનલોડ કરાવેલી. આ એપમાં ફરિયાદીએ રોકેલાં નાણાં અને સામે તેને મળેલા રિટર્નની વિગતો જોવા મળતી.
શરૂઆતમાં ઘણીવાર ફરિયાદીએ પોતાના ઈન્વેસ્ટમેન્ટ અને રિટર્નની રકમ વિડ્રો પણ કરેલી. કંપની પર ફરિયાદીને ભરોસો બેસી ગયેલો અને તેણે એક-દોઢ માસમાં જ ટુકડે ટુકડે ૧૬ લાખ ૫૪૯૦ રુપિયા ઈન્વેસ્ટ કરેલાં.
દરમિયાન, કંપનીએ તેને IPOમાં ઈન્વેસ્ટ કરવા સલાહ આપેલી અને ફરિયાદી પાસે રોકાણ માટે નાણાં નહોતા તો તેના વૉલેટ પર ૧૮ લાખની લોનની પણ ઑફર કરેલી. ફરિયાદીએ ૧૮ લાખની લોન મેળવીને IPOમાં રોકાણ કરેલું અને તેમાં પણ તે સારું રિટર્ન કમાયો હતો.
જો કે, જેવા નાણાં વિડ્રો કરવા પ્રયાસ કર્યો કે રૂપિયા ઉપાડતાં પહેલાં તમારે લોનની અડધી રકમ ચૂકવવી પડશે તેવું કહેવાતા તેણે નવ લાખ રૂપિયા ભર્યાં હતા. ત્યારબાદ રકમ ઉપાડવા પ્રયાસ કરતાં જુદાં જુદાં બહાના કરીને રકમ અપાઈ નહોતી.
પોતાની સાથે ફ્રોડ થયું હોવાનું જણાતાં અજીતે ઓનલાઈન સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ભુજ સાયબર ક્રાઈમ પોલીસ મથકે આજે તેની ફરિયાદ દાખલ કરી છે.
Share it on
|