|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ હવસખોરોના હાથે ચઢી જઈને ત્રણ યુવકોના દુષ્કર્મનો શિકાર બનેલી ભદ્ર પરિવારની ૧૪ વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરવાના અને બ્લેકમેઈલ કરી છેડતી કરવાના ગુનાના પાંચ આરોપી પૈકી બે આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ભુજ તાલુકાના માનકૂવા ગામે સોમવારે રાત્રે કિશોરીની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે ભુજ બી ડિવિઝનના તપાસકર્તા પીઆઈ એસ.એમ. રાણાએ બે યુવકની વિધિવત્ ધરપકડ કરી છે. પોલીસે સરફરાઝ ખલીફા અને શાહીદ બાફણ (બંને રહે. સામત્રા)ની વિધિવત્ ધરપકડ કરી છે. અન્ય બે આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે. જ્યારે એક આરોપીની વય નિર્ધારિત કરવા માટે ગહન તબીબી તપાસ ચાલી રહી હોઈ પોલીસે તેની વિગત હજુ જારી કરી નથી.
હોસ્ટેલમાં રહીને ભણતી દીકરી ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશન માણવા વતનમાં આવી ત્યારે ત્રણ આરોપીએ તેને બ્લેકમેઈલ કરીને દુષ્કર્મ આચરેલું.
ત્યારબાદ વધુ બે યુવકે શરીર સંબંધ બાંધવા દેવાની માંગણી કરીને તેને બ્લેકમેઈલ કરવાનું શરૂ કરેલું. પાંચ માસથી જાતીય દુરાચારનો ભોગ બની રહેલી દીકરી આબરુની જવાની અને આરોપીઓની ધમકીની બીકે અત્યંત ડરી ગઈ હતી. તેના અસહજ વાણી વર્તનને જોઈને ટીચરે હોસ્ટેલ પર નાસ્તો આપવા ગયેલી માતાને વાત જણાવતાં સમગ્ર ઘટના બહાર આવી છે.
Share it on
|