|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પાંચ મહિના અગાઉ ગાંધીધામમાં ધોળા દિવસે આંગડિયા આંગડિયા પેઢીના સંચાલકનું સરાજાહેર અપહરણ કરવાના ગુનામાં રાજસ્થાનના બે ખૂંખાર ગુંડાને પોલીસ ગાંધીધામમાં પકડી લાવી છે. આ ગુનામાં નાસતો ફરતો તુષાંત લેખરાજ વાસુ અને આકાશસિંહ સેંગર થોડાંક સમય અગાઉ દિલ્હી પોલીસના હાથે ઝડપાયેલાં. આરોપીઓને સતત ટ્રેક કરતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ તુષાંતને દિલ્હીની રોહિણી સેન્ટ્રલ જેલ અને આકાશને રાજસ્થાનની શ્રીગંગાનગર સેન્ટ્રલ જેલમાંથી ગાંધીધામ લઈ આવી છે.
પોલીસે બેઉની ‘મહેમાનગતિ’ કરવા માટે છ દિવસના રીમાન્ડ મેળવ્યાં છે.
ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ.ડી. ચૌધરીના માર્ગદર્શનમાં પીએસઆઈ જે.ડી. પરમાર, વી.એચ. ઝાલા સહિતની પોલીસ ટીમે આરોપીઓની ગહન પૂછપરછ શરૂ કરી છે.
પાંચ માસ અગાઉ સરાજાહેર અપહરણ થયેલું
૧૬ જૂલાઈની બપોરે સમકિતનિધિ આંગડિયા પેઢીના સંચાલક કેતન કાંકરેચાનું ચાર જણે બંદૂકના નાળચે કારમાં અપહરણ કરેલું. સરાજાહેર ફિલ્મી ઢબે થયેલા આ અપહરણ અંગે પોલીસને તુરંત માહિતી મળતાં રસ્તા પર ઠેર ઠેર નાકાબંધી કરાઈને પેટ્રોલીંગ શરૂ કરાયું હતું. પોલીસની હાજરીથી ડરી ગયેલા અપહરણકારો ભચાઉના જંગી ગામ તરફ વળેલાં અને કોઈ આરો ના જણાતાં કેતનભાઈને કારમાં જ પડતાં મૂકીને પગપાળા નાસી છૂટ્યાં હતા. જો કે, પોલીસે પવન નામના એક અપહરણકારને દબોચી લીધો હતો.
મોરબીના નામચીન ગુંડાએ કાવતરું ઘડેલું
પોલીસે કરેલી તપાસમાં બહાર આવેલું કે કેતનભાઈ પાસેથી મોટી ખંડણી વસૂલવા માટે તેમના અપહરણનું કાવતરું મોરબીના હિતેન્દ્રસિંહ ઊર્ફે હિતુભા કરણસિંહ ઝાલા નામના રીઢા ગુંડાએ ઘડ્યું હતું. ગુનાને અંજામ આપવા હિતીયાએ તેના બૉડીગાર્ડ તુષાંત ઊર્ફે સૂરજ ઊર્ફે ટાઈગર લેખરાજ વાસુ (પુષ્કર્ણા બ્રાહ્મણ) (૩૨, રહે. બિકાનેર, રાજસ્થાન)ને અન્ય ગુર્ગાઓ એકઠાં કરી આપવાની સોપારી આપેલી. તુષાંતે ગુનાને અંજામ આપવા માટે રાજસ્થાનથી આકાશસિંહ નિરંજનસિંહ સેંગર (રાજપૂત) (૨૭, રહે. શ્રીગંગાનગર, રાજસ્થાન), શ્રવણસિંહ સોઢા, અજય અને ભૈયાજી નામના ગુંડાઓને કામ આપેલું.
૯માંથી ૬ આરોપી ઝડપાયાં, સૂત્રધાર હિતીયો હજુ ફરાર
તુષાંત પર ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી જેવા રાજ્યોમાં આર્મ્સ એક્ટ, હિંસક હુમલા, ચોરી સહિતના ૨૪ ગુના નોંધાયેલા છે. આકાશ પર પણ આર્મ્સ એક્ટ, ખંડણી સહિતના આઠ ગુના નોંધાયેલાં છે. આ ગુનામાં કુલ નવ જણની સંડોવણી બહાર આવેલી જે પૈકી ૬ જણની ધરપકડ થઈ ચૂકી છે, સૂત્રધાર હિતેન્દ્ર અને તુષાંતે રોકેલા બે ભાડૂતી માણસો હજુ પકડાયાં નથી.
પૂર્વ પોલીસ કર્મી કિરીટ અને મયૂરે ગેંગને મદદ કરેલી
આ ગુનામાં આરોપીઓને મદદ કરવા બદલ સોપારી તોડકાંડમાં બરતરફ થયેલાં એએસઆઈ કિરીટ બળદેવસિંહ ઝાલા અને ટ્રકોમાં હેરફેર થતી ચીજવસ્તુઓની ચોરી કરતા મયૂર શંભુભાઈ હેઠવાડિયાની ભૂમિકા સપાટી પર આવતા પોલીસે બેઉની ધરપકડ કરેલી.
Share it on
|