...ને અંજાર પોલીસે આજે કારતક સુદ નોમના દિવસે દિવાળીની ઉજવણી કરી!
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના ૧૯ વર્ષિય આશાસ્પદ યુવાન યશ તોમરના ભેદી સંજોગોમાં થયેલાં અપહરણ અને ઘાતકી હત્યા કેસમાં અંજાર પોલીસે રાત-દિવસ પંદર દિવસની અવિરત ગહન તપાસ બાદ સૂત્રધાર સહિત બે જણને પકડી ભેદ ઉકેલી નાખ્યો છે.
Video :
દિવાળીના છ દિવસ અગાઉ યશ લાપત્તા થયેલો અને કાળી ચૌદશે બાવળની ઝાડીમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાએ કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર સર્જી હતી.
દિવાળી અને નવ વર્ષના સપરમા દિવસોમાં થયેલી આ ઘટનાએ અંજાર પોલીસની તહેવારોની ઉજવણીનો ઉલ્લાસ છીનવી લીધો હતો.
એક તરફ દુનિયા આખી દિવાળીની ઉજવણીમાં વ્યસ્ત હતી ત્યારે બીજી તરફ અંજાર પોલીસ કેસના ડિટેક્શન માટે સતર્ક રહીને કલાકો લાંબા સીસીટીવી ફૂટેજ જોતી હતી. કોઈ અન્ય ટેકનિકલ સર્વેલન્સમાં વ્યસ્ત હતું.
પખવાડિયા લાંબી ગહન તપાસના અંતે આજે જ્યારે આરોપીઓ ઝડપાઈ ગયાં ત્યારે પોલીસના ચહેરાં ખીલી ઉઠ્યાં હતાં.
જો પોલીસે મહેનત ના કરી હોત તો આ ગંભીર ગુનો ‘બ્લેન્ક કેસ’ બની રહ્યો હોત. પરંતુ, પોલીસે કોઈપણ ભોગે આરોપીઓને પકડી પાડવાનો દ્રઢ નિર્ધાર કર્યો હતો.
પોલીસ કર્મચારીઓ આમ તો કઠણ કાળજાના હોય છે પરંતુ આ કેસની તપાસમાં ઘનિષ્ઠ રીતે સંકળાયેલાં ઘણાં પોલીસ કર્મચારીઓ ખૂબ ભાવુક બની ગયાં હતાં. ઘણાં પોલીસ કર્મચારીઓએ હત્યાનો ભેદ ઉકેલાય તે માટે પોતાના ઈષ્ટદેવની માનતાઓ રાખી હતી. આજે સફળ ડિટેક્શન બાદ અંજાર પોલીસ સ્ટેશનમાં ઉલ્લાસ છવાઈ ગયો હતો. પોલીસ મથકના સૌ કર્મચારીઓએ આજે પોલીસ મથકના પ્રાંગણમાં ફટાકડાં ફોડીને દિવાળીની હોંશભેર ઉજવણી કરી છે. દસથી બાર પોલીસ કર્મચારીઓ કબરાઉ ખાતે મોગલધામે માનતા પૂરી કરવા ઉપડી ગયાં છે.