કચ્છખબરડૉટકોમ, ભુજઃ ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિઆ) દ્વારા ગુજરાત સરકારના ઊર્જા મંત્રી સમક્ષ પૂર્વ કચ્છના ૧૦ સબ સ્ટેશનમાં ઓવર લોડીંગના કારણે નવા જોડાણો/ લોડ વધારા માટે કરાતા ઈન્કાર મુદ્દે રજૂઆત કરાઈ છે. ફોકિઆના પ્રતિનિધિઓએ ઊર્જા મંત્રી કનુ દેસાઈ અને ઉચ્ચ અધિકારીઓને રૂબરૂ મળી જણાવ્યું કે ટ્રાન્સમિશન નેટવર્કના ઓવરલોડિંગને કારણે ઉદ્યોગોને નવા HT/EHT કનેક્શનની ના પાડવામાં આવે છે. રાજ્ય સરકારની ઔદ્યોગિક વિકાસલક્ષી નીતિઓ, બે મુખ્ય બંદરોનો વ્યૂહાત્મક લાભ, વિશાળ જમીનની ઉપલબ્ધતા અને લગભગ ૨૦ હજાર મેગાવોટના થર્મલ અને રિન્યુએબલ પાવર જનરેશન ક્ષમતાને કારણે કચ્છમાં ઔદ્યોગિક વિકાસ ઝડપથી થઇ રહ્યો છે.
હાલમાં લગભગ રૂપિયા એક લાખ સિત્તેર હજાર કરોડ જેટલું રોકાણ કાર્યરત છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડા પ્રધાન નરેન્દ્રભાઈએ શરૂ કરેલ વાયબ્રન્ટ ગુજરાત સમિટ અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રોકાણકારો સાથે સતત જોડાણની પહેલથી આ વિસ્તારમાં સતત મોટા રોકાણો આવી રહ્યાં છે. જો કે, પૂર્વ કચ્છ ખાસ કરીને અંજાર વિસ્તારમાં હાલના અને આગામી ઔદ્યોગિક એકમોને નવા HT/EHT કનેક્શન મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ગેટકોના ટ્રાન્સમિશન ડિવિઝનના ફિઝિબિલિટી રિપોર્ટ્સમાં ટ્રાન્સમિશન નેટવર્કના ઓવરલોડિંગનું કારણ આપીને નવા/વધારાના લોડ કનેક્શનની ના પાડવામાં આવી રહી છે. ફોકિઆના સભ્ય ઉદ્યોગો માટે આ ગંભીર ચિંતાનો વિષય છે.
ફોકિઆએ મંત્રીને આ મુદ્દે હસ્તક્ષેપ કરવા અને ટ્રાન્સમિશન નેટવર્કના અપગ્રેડેશન તેમજ ક્ષમતા વધારવાની યોજના બનાવવા વિનંતી કરી છે. આ સમસ્યાને કારણે માત્ર વિસ્તારના જ વિકાસ નહીં, પરંતુ PGVCL, GETCO અને એકંદરે અર્થતંત્રની આવકની સંભાવના પર પણ અસર પડી શકે છે.
ફોકિઆના મેનેજિંગ ડિરેક્ટર નિમિષ ફડકેએ જણાવ્યું કે, આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી હોતા મંત્રીશ્રી પાસે રૂબરૂ રજૂઆત કરી હતી.
પ્રતિનિધિ મંડળે પુનઃપ્રાપ્ય ઊર્જાના ડેવલોપર્સ દ્વારા લીઝ પર લેવાયેલી ખાનગી જમીન ઉપરાંત પ્રોજેક્ટની વચ્ચે આવતી સરકારી જમીન, કુલ જમીનના ૨૦% જેટલી લીઝ પર આપવા માટે રજૂઆત કરી હતી. વધુમાં, નવા ઔદ્યોગિક એકમો અને વિસ્તરણ કરતાં ઔદ્યોગિક એકમોને ઈલેક્ટ્રિસિટી ડ્યુટી માફી વખતે PGVCL દ્વારા કરવામાં આવતી ગણતરીની પદ્ધતિ ખામીયુક્ત હોવાનું જણાવ્યું હતું. પ્રતિનિધિ મંડળે ઉદ્યોગોને જાહેર કરાયેલા સવારે ૧૧ થી બપોરે ૩ વાગ્યા સુધીના ઓફ-પીક સમય દરમ્યાન પ્રતિ યુનિટ ૬૦ પૈસા ડિસ્કાઉન્ટનો લાભ એપ્રિલથી જૂન મહિના ના બિલીંગ દરમ્યાન અપાયેલ ન હોઈ, હવે તે એપ્રિલ મહિનાથી અમલમાં આવે તે રીતે હવેના બીલોમાં લાભ આપવા રજૂઆત કરી હતી.
બેઠકમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ એસ. જે. હૈદરે GETCOના MD ઉપેન્દ્ર પાંડેને ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે બાકીના મુદ્દાઓ પર પણ તેમણે ત્વરિત યોગ્ય કરવા ખાતરી આપી હતી.
ઉચ્ચસ્તરીય બેઠકમાં GETCOના MD પાંડે ઉપરાંત PGVCL રાજકોટના MD કેતન પી. જોશી, ભક્તિબેન (EPD), મુખ્ય ઇજનેર (GETCO–R&C), વસાવા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિનિધિ મંડળમાં શાલિન અગ્રવાલ અને યુવરાજસિંહ જાડેજા, રત્નમણી મેટલ્સના વિરેન્દ્ર યાદવ, આશાપુરાના રાજુલ શાહ અને ભાટીયા હાજર રહ્યા હતા.
ફોકિઆએ દલીલ કરી છે કે ગેટકોનું આ વલણ ટેકનિકલ અને વ્યાપારી રીતે ન્યાયી નથી, કારણ કે ગેટકો HT/EHT ગ્રાહકો પાસેથી પ્રો-રાટા ચાર્જીસ વસૂલ કરે છે. ધોરણો અનુસાર, જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની જવાબદારી ગેટકોની છે,
નહીં કે અરજદારની. PGVCLએ પણ આ મુદ્દે ગેટકોને ચિંતા વ્યક્ત કરી છે. ૬૬ KVના જે સબસ્ટેશનોમાં ફિઝિબિલિટી નકારવામાં આવી છે તેમાં આ સબસ્ટેશનોનો સમાવેશ થાય છે. કિડાણા, રામપર (તુણા), ભીમાસર, ખોખરા, રાતા તળાવ, વરસાણા, પડાણા, મીઠીરોહર, મથડા, ખેડોઈ.
Share it on
|