કચ્છખબરડૉટકોમ, ભુજઃ લવ જેહાદના નામે સમાજમાં નફરત ફેલાવતાં અસામાજિક તત્વોને કોંગ્રેસના આગેવાન હાજી જુમા રાયમાએ વધુ એકવાર શાબ્દિક ચાબખાં ફટકાર્યાં છે. રાયમાએ દીકરી કોઈપણ સમાજની હોય પરંતુ જાહેરમાં દીકરીની ઈજ્જતના ધજાગરા કરવા જોઈએ નહીં તેવી સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે સમાજમાં હમણાં પ્રેમ પ્રકરણમાં ઘણાં એવા કિસ્સા સામે આવ્યાં છે કે જેમાં છોકરી હિંદુ હોય ને છોકરો મુસ્લિમ હોય. અથવા છોકરી મુસ્લિમ હોય અને છોકરો હિંદુ હોય. હકીકતમાં આ બધું એક દિવસમાં નથી બનતું. પોતાના સંતાનોનું ધ્યાન રાખવું તે મા બાપની પણ જવાબદારી છે. રાયમાએ જણાવ્યું કે દીકરી પ્રેમી જોડે નાસી જઈને લગ્ન કરે અથવા ધર્મ પરિવર્તન કરે ત્યારે સમજદારીથી કામ લેવાય તો દીકરીની પણ ઈજ્જત રહે.
લવ જેહાદની વાતો કરતાં લોકોની નૈતિક્તા ત્યારે ક્યાં જતી રહે છે જ્યારે હિંદુ યુવાનો જાહેરમાં પ્રોત્સાહન આપીને મુસ્લિમ દીકરીઓને પ્રેમજાળમાં ફસાવે અને ધર્મ પરિવર્તનના વીડીયો વાયરલ કરે છે. શું મુસ્લિમ સમાજની દીકરીની કોઈ ઈજ્જત નથી? ફક્ત પોતાનાં રોટલાં શેકવા આવતાં તત્વોને સમાજ ઓળખે.
ગુનેગાર ગમે તે જ્ઞાતિનો હોય, તેને સજા થાય અને આવા બનાવ ન બને તે માટે બંને સમાજના સામાજિક રાજકીય આગેવાનો સાથે બેઉ સમાજના ધર્મગુરુઓ પણ સમાજમાં પોતાની વાત રાખી લોકોને સમજાવે તો જ આવા બનાવ અટકાવી શકાય.
દીકરી ગમે તે સમાજની હોય, આવા બનાવ સમાજમાં ના બનવા જોઈએ. લગ્ન પછી મોટાભાગે આઠ દસ મહિના બાદ આવા બનાવનો દુઃખદ અંત આવતો હોય છે.
તેમણે મુસ્લિમ સમાજના યુવાનોને અપીલ કરી છે કે એવી કોઈ હરકત ન કરવી જોઈએ, જેથી તમારી એક ભૂલ સામેવાળી દીકરીનું જીવન બરબાદ કરી નાખે અને સમાજને પણ નીચે જોવાનો વારો આવે. આવા બનાવમાં સંડોવાયેલા યુવકો ગમે તે સમાજના હોય પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માગ રાયમાએ કરી છે.
Share it on
|