કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારમાં ‘સંગઠિત ગેંગ’ બનાવીને ગેરકાયદે વ્યાજખોરી તથા પઠાણી ઉઘરાણી કરવાના સંખ્યાબંધ ગુનાઓ અંતર્ગત ‘ગુજસીટોક’માં ફીટ થયેલી ગોસ્વામી બહેનો બંધુના વધુ ત્રણ મકાનો ટાંચમાં લેવાયાં છે. ‘ગુજસીટોક’ની કલમ ૧૮ હેઠળ અંજાર પોલીસે રીયા ગોસ્વામીની માલિકીનું વૉર્ડ નંબર ૧૨ના દેવનગરના પ્લોટ નંબર ૪૮ પર બનેલું મકાન ટાંચમાં લીધું છે. આ પ્રોપર્ટીનું મૂલ્ય ૧૨.૪૨ લાખ થાય છે. એ જ રીતે, ત્રિપુટીએ માતા તારાબેનના નામે મેઘપર બોરીચીના મકલેશ્વરમાં પ્લોટ નંબર ૫૩ પર બનાવેલું ૧૨.૯૪ લાખનું મકાન તથા અંજારના વૉર્ડ નંબર ૧૨ના ગંગોત્રી-૦૨માં પ્લોટ નંબર ૧૩૨ પર બનાવેલું ૧૩.૭૧ લાખનું મકાન પણ જપ્ત કર્યું છે. બે દિવસ અગાઉ પોલીસે આ કાયદા હેઠળ આરોપીઓની એક સ્કોર્પિયો કાર અને મકાન, બે પ્લોટ મળી ૨૪.૩૭ લાખની મિલકત ટાંચમાં લીધી હતી.
આજે વધુ ૩૯.૦૭ લાખની મિલકત જપ્ત કરીને ગણતરીના દિવસોમાં વ્યાજખોર બહેનો બંધુઓની કુલ ૬૩.૪૪ લાખના મૂલ્યની સંપત્તિ અટેચ કરી છે.
નાયબ પોલીસ અધીક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં અંજાર પીઆઈ એ.આર. ગોહિલ અને તેમની ટીમે આ કામગીરી કરી છે.
Share it on
|