કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારમાં લાંબા સમયથી ગેરકાયદે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી કરતી નામચીન ગોસ્વામી બહેનો-બંધુની ત્રિપુટી પોલીસની નજરે બરાબરની ‘ચઢી’ ગઈ છે. ગત વર્ષે પોલીસે ત્રણે ભાઈ બહેનોને ગુજસીટોકમાં અંદર કર્યાં હતા. હવે ગુજસીટોક કાયદાની જોગવાઈ તળે ગુનાહિત પ્રવૃત્તિમાંથી વસાવેલી મિલકતો પોલીસે ટાંચમાં લીધી છે. તેમની મિલકતો જપ્ત કરવા પોલીસે કરેલી દરખાસ્તને રાજ્યના ગૃહ વિભાગે આપેલી મંજૂરી બાદ આ મિલકતો જપ્ત કરાઈ છે.
૩ પ્લોટ અને સ્કોર્પિયો કાર જપ્ત
અંજાર પીઆઈ એ.આર. ગોહિલે આપેલી માહિતી મુજબ આરોપી રીયા ઈશ્વરભાઈ ગોસ્વામીના નામે બોલતી એક સ્કોર્પિયો કાર અને મેઘપર બોરીચીમાં આવેલો અઢી લાખનો પ્લોટ, આરતીના નામે અંજારના દેવનગર (રેવન્યૂ સર્વે નં. ૬૬૮)માં નોંધાયેલો ૬.૪૫ લાખનો પ્લોટ અને તેમની માતા તારાબેનના નામે મેઘપર બોરીચીના આશાપુરાનગરમાં લેવાયેલો ૬૦ હજારની કિંમતનો પ્લોટ મળી કુલ ત્રણ પ્લોટ અને એક કાર મળી અંદાજે ૨૪.૩૭ લાખના મૂલ્યની ચલ અચલ સંપત્તિ ટાંચમાં લેવાઈ છે.
જાણો, ત્રણે ભાઈ બહેનોની કરમકુંડળી
રીયા સામે વર્ષ ૨૦૨૦થી અત્યારસુધીમાં ગેરકાયદે ઊંચા વ્યાજે નાણાં ધીરધાર, પઠાણી ઊઘરાણી અંતર્ગત ધાક-ધમકી કરવી, હુમલા કરવા, માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરવા સબબની બે ફરિયાદો સહિત દસથી વધુ ફરિયાદો નોંધાયેલી છે. આરતી અને તેમના ભાઈ તેજસ સામે પણ સાતથી વધુ ગુના નોંધાયેલાં છે.
૩૧-૦૭-૨૦૨૪ના રોજ ત્રણે ભાઈ બહેનો સામે અંજારની એક મહિલાએ નોંધાવેલી ફરિયાદ ‘ઊંટની પીઠ પરના છેલ્લાં તણખલાં’ સમાન બની રહી હતી.
રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે આપેલી સૂચનાના આધારે અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરીએ અંજાર પોલીસની મદદથી ત્રણે ભાઈ બહેનોની ગુનાહિત કુંડળી કાઢીને ત્રણે જણ ‘સંગઠિત ગેંગ’ તરીકે ગુના આચરતા હોવા સબબ ૦૬-૦૯-૨૦૨૪ના રોજ ‘ગુજસીટોક’નો ગુનો નોંધીને ત્રણેને અંદર કરી દીધાં હતાં.
પોલીસે ગુનો નોંધીને તેમણે મજબૂર લોકો પાસેથી એકઠાં કરેલાં ૩૯ વાહનો, ૩ લાખ રોકડાં અને કોરાં ચેક્સ ગુના કામે જપ્ત કર્યાં હતાં.
ગુજસીટોકમાંથી બહાર આવ્યાં બાદ ગત ૨૬-૦૨-૨૦૨૫ના રોજ ત્રણે ભાઈ બેનને ‘પાસા’માં ફીટ કરાયાં હતાં.
Share it on
|