કચ્છખબરડૉટકોમ, ભુજઃ માધાપરમાં ઘરે દારૂ પીવા બેઠેલાં સાળા બનેવી સહિતની ત્રિપુટી વચ્ચે અચાનક થયેલી બબાલમાં બનેવીના કાકાની સાળાએ હત્યા કરી નાખી હોવાનો બનાવ બન્યો છે. ગત મંગળવાર ૨૪ જૂનના રોજ હત્યાના આ બનાવની એફઆઈઆર માધાપર પોલીસ મથકના બદલે રાજસ્થાનના પાલી જિલ્લાના ફાલનાના પોલીસ મથકે નોંધાઈને ઝીરો નંબરથી ટ્રાન્સફર થઈને આવતા સ્થાનિક પોલીસ ચોંકી ઉઠી હતી. ઘટનાની વિગત એવી છે કે માધાપરના ગાંધી સર્કલ નજીક શિવમ્ પાર્ક પાસે ૨૨ વર્ષિય ફરિયાદી ઈશ્વર માંગીલાલ કાલબેલિયા (જોગી) રહે છે અને છેલ્લાં એક વર્ષથી તે ભંગારની હાથલારી ચલાવીને ગુજરાન ચલાવે છે.
મંગળવારે રાત્રે ૧૧ વાગ્યે ઈશ્વર તેના ઘરે કાકા રાકેશ શેખારામ કાલબેલિયા અને સાળા અર્જુન જગમાલ કાલબેલિયા સાથે દારૂ પીવા બેઠો હતો. અર્જુનને દારૂ પીતો જોઈને ફરિયાદીની પત્ની એટલે કે અર્જુનની બહેન રેખાએ તેને ટોકવાનું શરૂ કર્યું હતું.
‘તને વારંવાર કહું છું કે તું દારૂ મૂકી દે પણ તું દારૂ પીવાનું છોડતો જ નથી’ તે મતલબનો રેખાએ ભાઈ અર્જુનને વારંવાર ઠપકો આપ્યો હતો. ભાઈ-બહેનની બોલાચાલીમાં ઈશ્વરે પિત્તો ગુમાવ્યો હતો અને પત્ની રેખાને સટ્ટાક કરીને તમાચો મારી દીધો હતો.
બહેનને બનેવીએ તમાચો ઝીંકી દેતાં અર્જુન ઉશ્કેરાયો હતો અને તેણે બનેવીને માર મારવાનું શરૂ કર્યું હતું.
સાળા બનેવીને લડતાં જોઈને ઈશ્વરનો કાકા રાકેશકુમાર વચ્ચે પડ્યો હતો. બરાબર આ જ સમયે અર્જુને બનેવી પર ઉગામેલી લોખંડની પાઈપનો પ્રહાર રાકેશના માથામાં થયો હતો અને રાકેશ સ્થળ પર ઢળી પડ્યો હતો.
લાશ લઈ રાજસ્થાન પહોંચી ગયાં
ઘટના બાદ ઈશ્વર કાકાને લઈ જી.કે. જનરલ હોસ્પિટલે પહોંચ્યો હતો પરંતુ તબીબે સારવાર પૂર્વે રાકેશને મૃત જાહેર કરતાં તે ગભરાયો હતો. તબીબોએ પોસ્ટમોર્ટમ કરાવવા કરતાં ઈશ્વરે ઈન્કાર કરી દીધો હતો.
મામલો પોલીસમાં જશે તે બીકે ઈશ્વર ભાડે એમ્બ્યુલન્સ કરાવીને માતા તથા પત્ની સાથે કાકાની લાશ લઈને સીધો રાજસ્થાન પહોંચી ગયો હતો.
વતનમાં પહોંચ્યા બાદ સગાં વહાલાંઓને જાણ થતાં તેઓ દોડી આવ્યાં હતાં. સગાં વહાલાંઓએ મામલો હત્યાનો હોવાનું જણાવતાં ઈશ્વર તેમની જોડે પોલીસ મથકે પહોંચ્યો હતો. તેણે આપેલી વિગતોના આધારે ફાલના પોલીસે અર્જુન સામે હત્યાની કલમો તળે ઝીરો નંબરથી એફઆઈઆર નોંધી તેને માધાપર પોલીસ મથકે તબદીલ કરી હતી.
ફરિયાદીની ભૂમિકા પણ શંકાના દાયરામાં
માધાપર પોલીસે બનાવ અંગે ગહન તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બનાવમાં ખુદ ફરિયાદીની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે અને તે પણ આરોપી બને તેવી શક્યતા છે.
Share it on
|