click here to go to advertiser's link
Visitors :  
16-Jul-2025, Wednesday
Home -> Bhuj -> Bhuj Court sentences 5 years rigorous imprisonment to Horticulture officer in bribe case
Monday, 30-Jun-2025 - Bhuj 28770 views
૧૨ હજારની લાંચ લેતા ઝડપાયેલા ભુજ તાલુકા બાગાયતી અધિકારીને પાંચ વર્ષની સખ્ત કેદ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ દાડમની ખેતી કરતા ખેડૂતને સરકારની પ્રોત્સાહક આર્થિક સહાય આપવાની અવેજમાં ૧૨ હજારની લાંચ લેતા ઝડપાયેલા ભુજ તાલુકા બાગાયતી અધિકારીને ખાસ કૉર્ટે પાંચ વર્ષની સખ્ત કેદ અને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એન્ટી કરપ્શન બ્યૂરૉએ ૨૩-૦૯-૨૦૨૦ના રોજ લાંચિયા અધિકારી હર્ષદ રતિલાલ કણજારીયાને ભુજના બહુમાળી ભવન નીચે ICICI બેન્કના ATM પાસે લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો હતો.

માંડવી તાલુકાના ગોધરા ગામના ફરિયાદી ખેડૂતે ભુજના કેરા નજીક દાડમની ખેતી કરવા ૧૯ એકર જમીન લીઝ પર મેળવી હતી. રાજ્ય સરકાર તે સમયે દાડમ જેવા બાગાયતી પાકોનું વાવેતર કરતા ખેડૂતોને હેક્ટરદીઠ ૪૦ હજાર રૂપિયા આર્થિક સહાય આપતી હતી. ખેડૂતને સહાય પેટે ૨.૪૦ લાખ રૂપિયા મંજૂર થયાં હતા. જે પૈકી પ્રથમ હપ્તા પેટે ૧.૮૦ લાખ રૂપિયા ચૂકવાયાં હતા.

નાણાં જમા થયા બાદ હર્ષદ કણજારીયાએ મળેલી રકમના સાત ટકા લેખે ૧૨ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

વર્ગ બે કક્ષાના આ અધિકારીને ફરિયાદી નાણાં આપવા માંગતો ના હોઈ એસીબીને ફરિયાદ કરી હતી. એસીબીએ બે સરકારી પંચોને સાથે રાખી, ડિજીટલ વોઈસ રેકોર્ડરની મદદથી ટ્રેપ ગોઠવીને કણજારીયાને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.  

આ ગુનામાં ફરિયાદ પક્ષે ૩૧ દસ્તાવેજી પુરાવા અને પાંચ સાક્ષીઓ સાથે આરોપી સામે કૉર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલી.

આજે આ કેસમાં પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ જજ ડી.પી. મહિડાએ કણજારીયાને દોષી ઠેરવીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૭ હેઠળ પાંચ વર્ષની સખ્ત કેદ અને પાંચ હજાર રૂપિયા દંડ તથા કલમ ૧૩ (૧) (અ) અને ૧૩ (૨) હેઠળ પાંચ વર્ષની સખ્ત કેદ સાથે પાંચ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. આ કેસમાં ફરિયાદ પક્ષે એસીબીના વિશેષ સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને પેરવી કરી હતી.

Share it on
   

Recent News  
મહિને ૨૦ હજાર માંગતા VTV ને INDIA TVના બે તોડબાજ પત્રકારની ‘ચાકી’ LCBએ ઢીલી કરી
 
બુલેટ ટ્રેન શરૂ થાય ત્યારે ખરી પણ કંડલામાં દેશની પહેલી મેગ્નેટિક રેલ દોડશે
 
માંડવીઃ પિતા પુત્ર પર ઍસિડ એટેક બદલ આધેડને સેશન્સે પાંચ વર્ષનો કારાવાસ ફટકાર્યો