કચ્છખબરડૉટકોમ, અંજારઃ ઈન્સ્ટાગ્રામ પર બનાવટી નામ ધારણ કરીને, એકના ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપીને બોટાદના ૨૪ વર્ષિય યુવકને અંજાર સવાસેર નાકે બોલાવી અઢી લાખની પડાવી લેનારા બે શખ્સની પોલીસે ધરપકડ કરી છે.
Video :
બોટાદના ગેસ્ટ હાઉસ સંચાલક અશ્વિન બાવળિયા નામના યુવકે સાગરભાઈ અને જયેશભાઈ સહિત પાંચ લોકો સામે બે દિવસ અગાઉ ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.
આ ગુનામાં આજે અંજાર પોલીસે શબ્બિર હુસેન સાહિબશા શેખ (રહે. કનૈયાબે ગામ, ભુજ) અને રમજાન સાલેમામદ કકલ (રહે. શેખ ટીંબો, અંજાર)ની ધરપકડ કરી છે. ગુના સંદર્ભે આજે બંને આરોપીનું પોલીસે ઘટનાસ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. તે સમયે લોકો મોટી સંખ્યામાં બેઉ જણને જોવા ઉમટ્યાં હતા.
આ ગુનામાં મુખ્ય સૂત્રધાર તરીકે કનૈયાબે ગામના શબ્બિર ઊર્ફે પીચુ સુલતાનશા શેખની સંડોવણી ખૂલી છે. જો કે, શબ્બિર હજુ પોલીસના હાથ લાગ્યો નથી.
આરોપીઓ પાસેથી પોલીસે નકલી નોટોના બાર બંડલ કબજે કર્યા છે. રમજાન સામે અગાઉ મુંદરા, ભુજ બી ડિવિઝન અને કંડલા પોલીસ મથકે ચીટીંગના ત્રણ ગુના નોંધાઈ ચૂકેલા છે. અંજાર પીઆઈ એ.આર. ગોહિલ અને પીએસઆઈ વાય.પી. ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે.