ભુજના આકાશમાં પચાસથી વધુ ચળકતાં ડ્રોન જેવા ઉડતાં ભેદી પદાર્થથી લોકોમાં કુતૂહલ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ આજે રાત્રે પોણા દસના અરસામાં ભુજના કેટલાંક વિસ્તારોમાં આકાશમાં પચાસથી વધુ જેટલાં ચળકતાં ડ્રોન જેવી ઉડતી ચીજવસ્તુ દેખાતાં લોકોમાં ભારે કૌતુક ફેલાયું છે. આકાશમાં ઉડતી આ ચીજને અનેક લોકોએ રેકોર્ડ કરી વીડિયો વાયરલ કર્યાં છે.
Video :
કચ્છખબરે આ અંગે ભુજના ખગોળવિદ્દ નરેન્દ્રભાઈ ગોરને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે આ ઉડતી ચીજ શું છે તે જાણવા માટે લોકોએ મને પણ વીડિયો મોકલીને સતત પૂછપરછ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે ડ્રોન જેવી દેખાતી આ ભેદી ચીજ બહુ ઊંચાઈ પર જણાતી નથી.
શહેરના કેમ્પ વિસ્તાર, સરપટ નાકા, ભીડ નાકા આસપાસના વિસ્તારોમાં આ ભેદી પદાર્થ વધુ દેખાયો છે જ્યારે અન્ય વિસ્તારોમાં જોવા મળ્યો નથી.આકાશમાં થોડીક વાર માટે જોવા મળ્યાં બાદ આ ભેદી ચીજ અંધારામાં જ ગાયબ થઈ ગઈ હતી.
અમેરિકન ટેક જાયન્ટ એલન મસ્કના સ્ટારલિન્ક સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ અંતર્ગત આકાશમાં એકસાથે છોડાતાં સંખ્યાબંધ નાનાં નાનાં સેટેલાઈટ્સની શ્રૃંખલા અગાઉ ઘણીવાર અંધારી રાતે કચ્છના આકાશમાં સ્પોટ થયેલી છે. જો કે, આ ચીજ સ્ટારલિન્કના સેટેલાઈટ્સ ના હોવાનું નરેન્દ્રભાઈ જણાવ્યું છે.
આકાશમાં ડ્રોન ઉડાડવા માટે કડક પ્રતિબંધો છે. સંરક્ષણ દળો દ્વારા સર્વેલન્સ માટે કદાચ કોઈ પ્રોજેક્ટના ભાગરૂપે આવા ડ્રોન ઉડાડાયાં હોય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ મામલે ભુજ બી ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. શિમ્પીએ જણાવ્યું કે આકાશમાં સંખ્યાબંધ ડ્રોન જેવી કોઈ ભેદી ચીજ વસ્તુ ઉડતી હોવાની બાબત અમારા ધ્યાને આવી છે. આ મામલે અમે ગહન તપાસ હાથ ધરી છે.