|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના ચુનડી ગામે ત્રણ વર્ષ અગાઉ ૧૬મી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ પત્નીની ઘાતકી હત્યા કરવાના ગુનામાં ભુજ સેશન્સ કૉર્ટે પતિને સખ્ત આજીવન કેદ સાથે એક લાખનો દંડ ફટકાર્યો છે. આ ચર્ચાસ્પદ કેસમાં હત્યાને નજરે જોનાર સગીર વયના દીકરા દીકરીએ કૉર્ટમાં પિતાએ હત્યા કરી હોવાની આપેલી જુબાની ચુકાદામાં મહત્વપૂર્ણ બની રહી છે. ચુનડી ગામે રહેતો ૩૬ વર્ષિય મહિપતસિંહ ભીમજી જેઠુજી સોઢા કશો કામ ધંધો કરતો નહોતો. પત્ની ચેતનાબા તેને કામ ધંધો કરવા અવારનવાર ઠપકો આપતો રહેતી હતી. મહિપત અવારનવાર પત્નીને ઢોર માર મારતો રહેતો હતો. આ જ મુદ્દે ૧૬મી જાન્યુઆરી ૨૦૨૩ની રાત્રે દંપતી વચ્ચે માથાકૂટ થયેલી.
ઉશ્કેરાયેલાં મહિપતે રાક્ષસ બનીને પહેલાં પત્નીને પાણી ગરમ કરવાના હિટરના સળિયાથી શરીરમાં ડામ આપેલાં અને ત્યારબાદ માથામાં વારંવાર ધોકા ફટકારીને મારી નાખી હતી. પિતાના આ રાક્ષસી કૃત્યને સગીર વયના દીકરા દીકરીએ નજરોનજર નિહાળ્યું હતું.
હત્યા બાદ મહિપતે સંતાનોને ખાટલા, ગોદડાં, તકિયા અને નીચે ટાઈલ્સ પર પડેલાં લોહીના ડાઘ લૂછી લેવાનું કહીને પુરાવાનો નાશ કરવા પ્રયાસ કરેલો.
પોલીસે ગુનો દાખલ કરીને મજબૂત ચાર્જશીટ કરેલી
બનાવ અંગે માનકૂવા પોલીસે મહિપત વિરુધ્ધ ઈપીકો કલમ ૩૦૨ (હત્યા), ૨૦૧ (પુરાવાનો નાશ કરવો) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ (ધોકો રાખી હથિયારબંધીના જાહેરનામાનો ભંગ) હેઠળ ગુનો નોંધી તપાસ કરેલી. તત્કાલિન પીઆઈ ડી.આર. ચૌધરીએ આરોપીની ધરપકડ કરીને ૨૦ સાક્ષી અને ૪૨ દસ્તાવેજી આધારો સાથે કૉર્ટમાં ચાર્જશીટ કરેલી. આ કેસમાં હત્યાને નજરે જોનાર સગીર વયના દીકરો અને દીકરી, આરોપીના સગાં ભાઈ સાહેબજીની ગુનાને સમર્થનકારી જુબાની અત્યંત મહત્વપૂર્ણ બની રહી હતી.
સંતાનોએ કૉર્ટ સમક્ષ તેમની નજર સમક્ષ પિતાએ જ માતાને મારી નાખી હોવાની જુબાની આપીને માતાએ પહેરેલાં લુગડાં, લોહીના ડાઘવાળું ગોદડું, તકિયું વગેરે મુદ્દામાલ ઓળખી બતાડ્યો હતો.
પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં મરણ જનારના શરીરે ગંભીર ઈજાના ૨૩ નિશાન હોવાનું સ્પષ્ટ થયેલું.
મહિપતે અગાઉ ધોકા મારી પત્નીના બેઉ હાથ ભાંગી નાખેલા
મહિપત અવારનવાર તેની પત્નીને ઢોરની જેમ માર મારતો હતો. હત્યાના બનાવ અગાઉ ૨૩-૧૦-૨૦૧૯ના રોજ મહિપતે ધોકાથી માર મારીને પત્નીના બેઉ હાથ ભાંગી નાખેલાં અને તે અંગે પત્નીએ માનકૂવા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી. ફરિયાદ પક્ષે આ બાબતે પણ રજૂઆત કરીને ફરિયાદ નોંધનાર પોલીસ સ્ટેશન ઑફિસરને સાક્ષી તરીકે રજૂ કર્યો હતો.
બચાવ પક્ષે કરેલી રજૂઆતો કૉર્ટમાં ગ્રાહ્ય ના રહી
બચાવ પક્ષે જમીનના ઝઘડામાં આરોપીના ભાગની જમીન હડપ કરવા માટે તેને ખોટાં કેસમાં ફીટ કરવા સગાં ભાઈ સહિતના લોકોએ કેસ કર્યો હોવાની, ૨૦૧૯ અને ૨૦૨૩ના કેસ જુદાં જુદાં હોવાનું, અમુક સાક્ષીઓની જુબાનીમાં વિરોધાભાસ હોવા સહિતના મુદ્દે આરોપીએ ગુનો કર્યો ના હોવાનો બચાવ રજૂ કરેલો. પરંતુ, મોટાભાગના સાક્ષીઓએ આપેલી ગુનાને સમર્થનકારી જુબાની તથા અન્ય પુરાવાના આધારે ભુજના સેશન્સ જજ દિલીપ પી. મહિડાએ મહિપતને જનમટીપ ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. આ કેસમાં સરકાર તરફે એડવોકેટ પ્રવિણ વાણિયા અને સુરેશ મહેશ્વરીએ દલીલો કરી હતી.
સજા સંભળાવતાં અગાઉ જજસાહેબે મહિપતને ગુનાનો દોષી હોવાનું જણાવી શું સજા કરવી તે અંગે પૂછતાં મહિપતે બેઉ હાથ જોડીને સજા ઓછી કરવા વિનંતી કરી હતી. જો કે, તેણે આચરેલાં ગુનાને જોતાં કૉર્ટે તેને કોઈ રાહત આપી નથી. ગુનો બન્યો ત્યારથી મહિપત જેલની ચાર દિવાલોમાં જ કેદ છે અને સમગ્ર કેસ અંડર ટ્રાયલ પ્રિઝનર તરીકે ચાલ્યો હતો.
Share it on
|