કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના મેઘપર કુંભારડીની શિવ સોસાયટીમાં રહેવા આવેલી ત્રણ બાંગ્લાદેશી યુવતીઓને અંજાર પોલીસે ઝડપી પાડી છે. પહલગામ આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં ગેરકાયદે વસવાટ કરતાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડવા પોલીસે અભિયાન છેડ્યું છે. જે કચ્છમાંથી થોડાંક દિવસો અગાઉ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયાં હતાં. પોલીસની ઝુંબેશ જારી રહી છે અને આજે વધુ ત્રણ બાંગ્લાદેશી યુવતીઓ ઝડપાઈ છે. ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતીઓમાં રીટા અખ્તર સામિયા (ઉ.વ. ૧૮), ટુમ્પાખાતુન સરદાર અને હાસના ખાતુન મોહમ્મદ કરીમ (બંનેના ઉ.વ. ૨૫)નો સમાવેશ થાય છે.
પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે ત્રણે યુવતીઓ છેલ્લાં એકાદ સપ્તાહથી અંજાર રહેવા આવી હતી અને બ્યુટી પાર્લરમાં નોકરી પર લાગી હતી.
પીઆઈ એ.આર. ગોહિલે જણાવ્યું કે પ્રાથમિક પૂછપરછમાં ત્રણે યુવતીઓએ જણાવ્યું કે તેઓ મુંબઈ હતી અને ત્યાંથી અમદાવાદ આવેલી. અમદાવાદમાં પોલીસની સખ્તાઈ વધતાં ત્રણે એક અઠવાડિયાથી કચ્છ આવેલી. રીટા નામની યુવતી બે મહિના પૂર્વે જ બાંગ્લાદેશથી ભારત આવી હતી. અન્ય બે મહિલાઓ છેલ્લાં દોઢ વર્ષથી ભારતમાં ગેરકાયદે વસવાટ કરી રહી છે. પોલીસે તેમને પરત બાંગ્લાદેશ ડિપોર્ટ કરવા કાર્યવાહી આદરી છે.
Share it on
|