કચ્છખબરડૉટકોમ, અંજારઃ વરસામેડીમાં કંડલા એરપોર્ટને અડીને આવેલી વેલસ્પન કંપની પાસેની સર્વે નંબર ૬૪૨ની જમીન મૃત માલિકને ચોપડા પર જીવિત દર્શાવી બારોબાર વેચી ખાવાના કૌભાંડમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જમીન ખરીદનાર ધાણેટીના પચાણ સુરા રબારી તથા વેચાણ દસ્તાવેજમાં સહી કરનાર સુલતાન અભુભકર ખલીફા અને દિનમામદ કાસમ રાયમાની ધરપકડ કરી લીધી છે. આજે બપોર બાદ પોલીસે મૃત જમીન માલિક બનીને મહેશ શંકરભાઈ ચંદ્રાને જમીનની પાવર ઑફ એટર્ની લખી આપનાર મુંબઈના બે શખ્સની પણ અટક કરી લીધી છે. કાયદેસર કાર્યવાહી ચાલું હોઈ પોલીસે આ બેઉ આરોપી વિશે હજુ સત્તાવાર વિગતો જાહેર કરી નથી.
દિનમામદ મૂળ અમદાવાદનો પંકજ, રીઢો આરોપી
સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે સાંજે જ પોલીસે પચાણ સુરા રબારી સહિતની ત્રિપુટીને ઉપાડી લઈ સઘન પૂછપરછ હાથ ધરી હતી. દિનમામદ કાસમ રાયમા મૂળ અમદાવાદનો યુવાન છે. તેની સામે અમદાવાદમાં હત્યા તથા મુંબઈના ઓશિવરા પોલીસ મથકે નકલી દસ્તાવેજોથી મિલકતની ઠગાઈ કરવાનો ગુનો નોંધાયેલો છે. દિનમામદનું મૂળ નામ પંકજ હિતેનભાઈ વાણિયા છે અને પોતે ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનું પોલીસને જણાવ્યું છે. જમીન ખરીદનાર પચાણ ભૂવાજી તરીકે કામ કરે છે.
અંજારના એક PSIએ જમીન વેચવા સોપારી આપેલી
દિનમામદની ગહન પૂછપરછમાં અંજારના જ એક પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભૂંડી ભૂમિકા બહાર આવી છે. દિનમામદ આ પીએસઆઈનો ખાસ મિત્ર છે. પોલીસ સબ ઈન્સ્પેક્ટરે જ આ જમીન બારોબાર વેચી ખાવા માટે દિનમામદ રાયમાને ‘સોપારી’ આપીને ઘરાક શોધવા જણાવ્યું હતું. આ જમીનની હાલની બજાર કિંમત અંદાજે ચાળીસથી પચાસ કરોડ રૂપિયા જેટલી થાય છે. પીએસઆઈ અને દિનમામદ લાંબા સમયથી વીસ-બાવીસ કરોડ રૂપિયાના નજીવા ભાવે જમીન વેચવા પ્રયાસ કરતા હતા. આ માટે તેમણે ભુજ, અંજાર, મુંદરા, ગાંધીધામમાં અનેક પાર્ટીઓનો સંપર્ક કરેલો. થોડાંક સમય અગાઉ આ પીએસઆઈની બદલી થઈ ગઈ હતી. પીએસઆઈની સંડોવણીના પુરાવા મળ્યે કાયદેસર કાર્યવાહી કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
Share it on
|