click here to go to advertiser's link
Visitors :  
01-Oct-2026, Thursday
Home -> Anjar -> Anjar Court Awards Life Term to Double Murder Convicts Read More
Thursday, 01-Oct-2026 - Anjar 944 views
અંજારમાં બેટરીચોરોએ કરેલાં ડબલ મર્ડરના ચકચારી ગુનામાં બે હત્યારાને આજીવન કારાવાસ
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના ચકચારી ડબલ મર્ડરના ગુનામાં કૉર્ટે બે હત્યારાને આજીવન કારાવાસ સાથે ૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. જો કે, પુરાવાના અભાવે કૉર્ટે ત્રીજા આરોપીને નિર્દોષ છોડી મૂક્યો છે. હત્યાનો બનાવ ૧૪-૦૫-૨૦૨૩ની પરોઢે ૬.૩૦ વાગ્યે દબડા ચોકડીથી સતાપર ફાટક તરફ જતા રોડ પર આશાપુરા ટી સ્ટોલ સામે બન્યો હતો.

મરણ જનાર નરસિંહ રાણશીભાઈ ઠાકોર (ઉ.વ. ૪૫, રહે. ગુલાબ મિલ પાસે, જીઆઈડીસી, અંજાર) અને રમેશનાથ શંકરનાથ નાથબાવા (ઉ.વ. ૪૫, રહે. ગોકુલધામ, સતાપર રોડ, અંજાર) બેઉ મિત્રો હતાં. પરોઢે તેઓ આશાપુરા ટી સ્ટોલ પર ચા પીવા ગયેલાં. તે સમયે તેમણે જોયેલું કે રોડની સાઈડમાં પાર્ક એક ટ્રકમાંથી ત્રણ જણાં બેટરીની ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બેઉ મિત્રોએ ત્યાં જઈને ત્રિપુટીને બેટરીની ચોરી ના કરવા ઠપકો આપતાં ત્રણે જણ તેમના પર ધોકાથી તૂટી પડેલાં.

બંને મિત્રોને હાથ-પગે ફ્રેક્ચર સહિતના અંગોમાં ગંભીર ઈજાઓ થયેલી. બંનેને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતા. સારવાર દરમિયાન બે કલાકના ગાળામાં બંનેના વારાફરતી મૃત્યુ નીપજેલાં.

ઘટના અંગે રમેશનાથે જણાવેલી વિગતોના આધારે નરસિંહભાઈના પુત્ર નરેન્દ્રએ અંજાર પોલીસ મથકે હિરજી ભીમજી દેવરિયા (મહેશ્વરી) (ઉ.વ. ૨૮, રહે. મતિયાનગર, અંજાર), દાઉદ અલ્ફાઝ માંજોઠી (ઉ.વ. ૨૨, રહે. શિવનગર, ગુલાબ મિલ પાસે, અંજાર) અને નિખિલ મહેશ્વરી સામે મર્ડરની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી. ડબલ મર્ડરની આ ઘટનાએ તે સમયે કચ્છમાં ભારે ચકચાર સર્જી હતી.

અંજારના તત્કાલિન પીઆઈ શૈલેન્દ્રસિંહ ડી. સિસોદીયાએ ગુનાની તપાસ કરીને ૨૪ સાક્ષીઓ અને ૪૨ દસ્તાવેજી આધાર સાથે ચાર્જશીટ ફાઈલ કરેલી.

આ ગુનામાં આજે અંજારના ચોથા અધિક સેશન્સ જજ જે.એલ. ચોવટિયાએ હિરજી દેવરિયા અને અલ્ફાઝ માંજોઠીને આજીવન કારાવાસ સાથે પચાસ પચાસ હજારનો દંડ ફટકાર્યો છે. ત્રીજા આરોપી નિખિલ મહેશ્વરી વિરુધ્ધ સબળ પુરાવા ના હોઈ કૉર્ટે તેને નિર્દોષ છોડી મૂક્યો છે. આરોપીઓ પાસેથી દંડની રકમ વસૂલ થયે પચાસ ટકા રકમ ભોગ બનનારના વારસદારોને ચૂકવી આપવા જણાવાયું છે. આ કેસમાં અંજારના મદદનીશ સરકારી વકીલ આશિષ પી. પંડ્યાએ હાજર રહીને સાક્ષીઓ તપાસી દલીલો કરી હતી.

Share it on
   

Recent News  
સામખિયાળીમાં પડોશી યુવકની છરીથી હત્યા કરનાર હત્યારાને આજીવન કારાવાસની સજા
 
શરીરે તેલ લગાડીને કેવળ ચડ્ડી પહેરીને ત્રાટકતી એમપીની કુખ્યાત ગેંગને LCBએ પકડી
 
જે FIR પર કોઠારા પોલીસે કરોડોનો માલ જપ્ત કર્યો તે ભાઈઓનું ફરિયાદી જોડે સમાધાન!