click here to go to advertiser's link
Visitors :  
01-Oct-2026, Thursday
Home -> Bhuj -> West Kutch LCB Caught MPs Notorious CBD Gang with Car and Cash
Thursday, 01-Oct-2026 - Bhuj 2154 views
શરીરે તેલ લગાડીને કેવળ ચડ્ડી પહેરીને ત્રાટકતી એમપીની કુખ્યાત ગેંગને LCBએ પકડી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં ઘરફોડ ચોરી કરવા આવેલી એમપીની કુખ્યાત ચડ્ડીધારી મોહનિયા ગેંગને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ૬ લાખ રોકડાં રૂપિયા, એક અર્ટિગા કાર સાથે દબોચી લીધી છે. ચડ્ડીધારી ગેંગ અર્ટિગા કારમાં માંડવીથી નલિયા બાજુ જતી હોવાની બાતમીના પગલે LCBએ તુતરા ફાટક પાસે વૉચ ગોઠવીને સૂત્રધાર સહિત પાંચ જણને ઝડપી પાડ્યાં છે.
કારના ગુપ્ત ખાનામાં છૂપાવતાં ચોરીનો માલ

પોલીસે કારની ગહન તલાશી લેતાં તેમાં બનાવેલાં ગુપ્ત ખાનામાં છૂપાવેલાં રોકડાં ૬ લાખ રૂપિયા સાથે ચોરી માટે વપરાતાં ઓજારો જેવા કે ગણેશિયો, કટર, ડીસમીસ, એડજસ્ટેબલ પાનું, ૬ માસ્ક, બે હાથ મોજા મળી આવ્યાં છે.

માનસિંહ ઊર્ફે માનિયો બાયસિંહ મોહનિયા ગેંગલીડર અને તેના પકડવા પર ઈનામ જાહેર થયેલું છે.  

પ્રાથમિક પૂછપરછમાં આ ગેંગે વર્તમાન ૨૦૨૬ના વર્ષમાં માધાપર, પધ્ધર, નલિયા, કોઠારા, વાયોરમાં કરેલી ઘરફોડ ઉપરાંત ૨૦૨૪ના વર્ષમાં માંડવીમાં કરેલી ત્રણ ઘરફોડ મળી કુલ ૭ ગુનાની કબૂલાત કરી છે.

જાણો ગેંગની મોડસ ઓપરેન્ડી

પોલીસે ગેંગની મોડસ ઓપરેન્ડી અંગે જણાવ્યું કે આ ગેંગ ચોરી કરવા માટે જુદાં જુદાં વાહનો મારફતે મધ્યપ્રદેશથી નીકળી નક્કી કરેલાં શહેરોમાં જતી. ગુગલ મેપથી શહેરની ભાગોળે આવેલી મોટી ટાઉનશીપ અને પૉશ વિસ્તારોને સર્ચ કરી લોકેશન નક્કી કરતાં. જે લોકેશન નક્કી કર્યું હોય તેની આસપાસની બાવળની ઝાડીઓમાં ચારથી પાંચ કલાક સંતાઈ રહેતા અને નજીકમાં રોડ પર વાહન રાખીને ડ્રાઈવરને એક ચોક્કસ ટાઈમ આપી દેતાં.

જ્યાં ચોરી કરવાનું નક્કી કર્યું હોય ત્યાં દિવસે રેકી કરી લેતાં. મોડી રાતે આખા શરીરે તેલ લગાવીને ફક્ત ચડ્ડી પહેરી, સીસીટીવીથી બચવા મોંઢા પર રૂમાલ બાંધીને બંધ મકાનમાં ખાતર પાડતાં. જો કોઈ વ્યક્તિ પકડવા પ્રયાસ કરે તો તેલના કારણે તેઓ છટકી જતાં. ક્યારેક લોખંડના ગણેશિયા વડે જીવલેણ હુમલો કરતાં પણ અચકાતાં નહીં.

ચોરીનો માલ લઈને અગાઉથી જણાવેલાં લોકેશન અને સમયે ડ્રાઈવર સાથે હાજર વાહનમાં બેસીને નાસી જતાં. ચોરીનો માલ વાહનના ગુપ્ત ખાનાઓમાં સંતાડી દેતાં અને વતનમાં જઈ સોનીઓને માલ વેચી મારી ભાગ કરી ખાતાં.

તેમની પૂછપરછમાં ચોરીનો માલ ખરીદતાં સંજય પ્યારસિંહ આમલિયારા (રહે. ધાર) અને ગૌરાંગ ગજેન્દ્ર જૈન (રહે. ઝાબુઆ, એમપી)ના નામ સામે આવ્યાં છે.

ગેંગની પૂછપરછમાં કચ્છના સાત ગુના ઉપરાંત વડોદરા, અમદાવાદ, અમરેલી, ભાવનગરના ચાર ગુના અને કર્ણાટક, એમપી, રાજસ્થાનમાં કરેલાં ઘરફોડના બે ગુનાનો ભેદ ખૂલ્યો છે. ૨૦૨૨માં મુંદરામાં થયેલી ઘરફોડ અને પોરબંદરની ચોરીના ગુનામાં આ ગેંગ નાસતી ફરતી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એ.એમ. મકવાણા, પીએસઆઈ જે.બી. જાદવ, એમચ.એચ. શિણોલ સહિતની ટીમે આ ખૂંખાર ચડ્ડીધારી ગેંગને દબોચવામાં ઘણી જહેમત ઉઠાવી છે.

Share it on
   

Recent News  
જે FIR પર કોઠારા પોલીસે કરોડોનો માલ જપ્ત કર્યો તે ભાઈઓનું ફરિયાદી જોડે સમાધાન!
 
૪ વર્ષની દીકરીને સાચવવી ના પડે તે ઈરાદે પાલક પિતાએ તેની હત્યા કર્યાની ફરિયાદ
 
ભુજની ખાણ ખનિજ કચેરીનો IT એક્ઝિક્યુટીવ વચેટિયા વતી ૫૦ હજારની લાંચ લેતાં ઝડપાયો